બે યુવતી વચ્ચે પ્રેમ થતાં પોલીસ સ્ટેશન પહોંચી, પોલીસને કહ્યું 'લગ્ન કરાવી આપો'
રાજસ્થાનના પાલી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક છોકરી બીજી છોકરીના પ્રેમમાં પડી ગઈ. બંને લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરે છે. હવે બંનેએ લગ્ન કરવાની યોજના બનાવી છે, પરંતુ પરિવાર અને સમાજથી ડરે છે. ડરના માર્યા તે રવિવારે 16 જૂને જેતપુર પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં તેણે પોલીસ સ્ટેશન ઓફિસરને કહ્યું કે, બંને એકબીજાને પ્રેમ કરે છે. 5 વર્ષથી રિલેશનશિપમાં છે. પોલીસ અધિકારી સાહેબ, મહેરબાની કરીને લગ્ન કરાવી આપો. પોલીસ સ્ટેશનના અધિકારી પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે બંને યુવતીઓને સમજાવી. તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ યુવતીઓ તેમની જીદ પર અડગ રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બંને યુવતીઓ એક જ ગામની રહેવાસી છે અને પાડોશીઓ છે. એકની ઉંમર 20 વર્ષ છે જ્યારે બીજી 25 વર્ષની છે. બંને વચ્ચે મિત્રતા છે. પાંચ વર્ષની મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. હવે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બંને યુવતીઓએ જેતપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સ્પષ્ટ કહ્યું હતું કે, તેમના લગ્ન કરાવો નહીંતર તેઓ મરી જશે. સ્ટેશન ઈન્ચાર્જ પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘણા ગ્રામજનો પણ તેમના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમાજના અગ્રણી લોકોને પણ સમજાવવા બોલાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં યુવતીઓએ કોઈનું સાંભળ્યું નહીં. તેઓ પોતાની જીદ પર અડગ રહ્યા કે તેઓ એકબીજા વિના જીવી શકશે નહીં.
નવાઈની વાત એ છે કે, બંને છોકરીઓ માત્ર પાંચમા ધોરણ સુધી જ ભણેલી છે. બંને બકરીઓ ચરાવે છે. રવિવારે સવારે 10 વાગ્યે તે બંને પરિવારને જાણ કર્યા વિના સીધી જેતપુર પોલીસ સ્ટેશન ગઈ હતી. આ વિચિત્ર ઘટના સામે આવ્યા પછી પોલીસ, પરિવારજનો અને વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા હતા. તેમને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી રવિવારે સાંજે બંને યુવતીઓને પાલીના સખી સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાં તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સખી સેન્ટરના સુપરિન્ટેન્ડેન્ટ દેવી બામણિયાનું કહેવું છે કે, પાલી જિલ્લામાં બે યુવતીઓ સમલૈંગિક હોવાનો આ પહેલો કિસ્સો છે. બંને પુખ્ત છે. બંને સાથે વાતચીત ચાલી રહી છે.
બંને યુવતીઓના પરિવારજનો એકબીજાના પાડોશી છે. આ કેવી રીતે થયું તે જાણીને બંને પરિવારો આશ્ચર્યચકિત છે. બે છોકરીઓ જે બહુ ભણેલી પણ નથી. દેશ અને દુનિયા વિશે બહુ જાણતા નથી. તેઓ માત્ર પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને કદાચ તેમને કાયદાનું બહુ જ્ઞાન પણ નથી. બંને વચ્ચે આ સંબંધ કેવી રીતે વિકસ્યો? બધા જાણે છે કે, બંને યુવતીઓ એકબીજાની મિત્ર છે. તેઓ એકસાથે ઢોર ચરાવે છે, પરંતુ બંને વચ્ચેના સમલૈંગિક સંબંધોએ સૌને ચોંકાવી દીધા હતા.
SHOનું કહેવું છે કે, પરિવારના સભ્યોએ બંને યુવતીઓને કહ્યું કે, જો તેઓ બધાની સામે સમલૈંગિક સંબંધની વાત કરશે તો સમાજમાં બદનામી થશે. કુટુંબ ચલાવવા અને વંશને આગળ ધપાવવા માટે, આ પ્રકારના લગ્નને સમાજ ક્યારેય સ્વીકારતો નથી. પરિવારજનોની ઘણી સમજાવટ પછી પણ યુવતીઓ પોતાની વાત પર અડગ રહી હતી. બંને યુવતીઓએ પરિવાર સાથે ઘરે જવાની પણ ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં બંનેને સખી સેન્ટર મોકલી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp