ધાર ભોજશાળાનો ASI સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, હિન્દુ પક્ષનો મૂર્તિ મળ્યાનો દાવો
ધાર ભોજશાળાનો સર્વે રિપોર્ટ આવી ગયો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ તેને મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં રજૂ કર્યું છે. આ રિપોર્ટ લગભગ 2000 પાનાનો છે. જેમાં અનેક મહત્વના ખુલાસા થયા છે. સતત 98 દિવસ સુધી ચાલેલા આ સર્વેમાં ટીમને ઘણા અવશેષો મળ્યા છે. જેનો રિપોર્ટમાં સમાવેશ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના વકીલ હિમાંશુ જોશીએ સોમવાર, 15 જુલાઈએ હાઈકોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અહેવાલ મીડિયા સાથે શેર ન કરવા માટે તમામ પક્ષોને સૂચના આપવામાં આવી છે. તેથી વકીલ હિમાંશુ જોશીએ માત્ર એટલું જ કહ્યું કે, રિપોર્ટ 2 હજાર પાનાનો છે અને તે તેનાથી વધુ કંઈ કહી શકે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સર્વે અને ખોદકામ દરમિયાન મળેલા 1700થી વધુ પુરાવા (અવશેષો)ને આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
એક દૈનિક અખબારના અહેવાલ મુજબ સર્વે રિપોર્ટ કોર્ટમાં પહોંચતા જ હિન્દુ પક્ષના અરજદાર આશિષ ગોયલે દાવો કર્યો હતો કે, અમારી સામે જે સર્વે કરવામાં આવ્યો હતો તેના આધારે અમે કહી રહ્યા છીએ કે બિલ્ડિંગ ભોજશાળા રાજા ભોજના યુગની છે તે વર્ષ 1034માં બની હોવાનું સાબિત થશે. તેમણે દાવો કર્યો હતો કે, ASIને આ સર્વેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓ મળી છે.
જ્યારે, ધાર શહેરના કાઝી વકાર સાદીકે જણાવ્યું હતું કે, તેમને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા અહેવાલની માહિતી મળી છે. પરંતુ, સુપ્રીમ કોર્ટે પહેલેથી જ નિર્દેશ આપી દીધો છે કે, ASIના રિપોર્ટ પર હાઈકોર્ટ સ્તરે કોઈ પગલાં લઈ શકાય નહીં. સાદિકના કહેવા પ્રમાણે, હાઈકોર્ટમાં 22 જુલાઈએ સુનાવણી થવાની હોવા છતાં નિર્ણય સુપ્રીમ કોર્ટ જ લેશે.
અહીં તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલ, 2024ના રોજ આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ભોજશાળાના ASI સર્વેનું પરિણામ ગમે તે હોય, તેની પરવાનગી વગર કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ.
ભોજશાળા એ 11મી સદીનું સ્મારક છે જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત છે. હિંદુઓ અને મુસ્લિમ સમુદાયના લોકો માટે આ અંગે જુદી જુદી ધાર્મિક માન્યતાઓ છે. હિન્દુઓ તેને વાગદેવી (દેવી સરસ્વતી)ને સમર્પિત મંદિર માને છે, જ્યારે મુસ્લિમો તેને કમાલ મૌલા મસ્જિદ માને છે.
ધાર જિલ્લાની વેબસાઇટ અનુસાર, પરમાર વંશના રાજા ભોજદેવે સંસ્કૃતના અભ્યાસ માટે ધારમાં એક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેને ભોજશાળા કહેવામાં આવે છે, જ્યાં હિન્દુ દેવી સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
આ સંકુલની રચનાઓ ઈતિહાસના જુદા જુદા સમયગાળાની છે. મુખ્યત્વે 12મી સદીની રચનાઓ ઉપરાંત, સંકુલમાં ઇસ્લામિક કબરો પણ છે, જે 14મી અને 15મી સદી વચ્ચે બાંધવામાં આવી હોવાનું કહેવાય છે. આ સંકુલમાં ચિશ્તી સૂફી સંત કમાલ-અલ-દિનની કબર છે. આ કારણથી સંકુલને કમાલ મૌલા મસ્જિદ પણ કહેવામાં આવે છે.
હાલમાં ભોજશાળા અથવા કમાલ મૌલા મસ્જિદ એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે. એક કરાર હેઠળ, હિન્દુઓને અહીં મંગળવાર અને વસંત પંચમીએ પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે મુસ્લિમોને શુક્રવારે નમાજ અદા કરવાની છૂટ છે. અન્ય દિવસોમાં આ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે.
હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે આ મંદિર-મસ્જિદ સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ભોજશાળા પરિસરને હિંદુઓને પરત સોંપવામાં આવે અને મુસ્લિમ સમુદાયના લોકોને અહીં નમાજ પઢતા અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પ્રકારની માંગને કારણે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો. ખંડપીઠે આદેશમાં કહ્યું હતું કે, કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને પરિસરમાં વિગતવાર વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, જેથી જમીનની ઉપર અને નીચે સ્થિત બંધારણોની ઉંમર જાણી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સર્વેની કાર્યવાહી બંને પક્ષોના બે પ્રતિનિધિઓની હાજરીમાં હાથ ધરવામાં આવે. સર્વેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ASIએ 22 માર્ચથી ધારના મંદિર-મસ્જિદ સંકુલનો સર્વે શરૂ કર્યો હતો. ASI 2 જુલાઈએ હાઈકોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાના હતા. પરંતુ, સર્વે રિપોર્ટ પૂર્ણ ન હોવાના કારણે ASIની ટીમે હાઈકોર્ટ પાસે વધુ બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જે કોર્ટે આપ્યો હતો. આ સમય સોમવાર, 15 જુલાઈએ પૂરો થયો અને આ સાથે ASIએ કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો. હવે હાઈકોર્ટ આ રિપોર્ટ પર 22 જુલાઈએ સુનાવણી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp