અતીક-અશરફની હત્યાના કેસમાં પોલીસ ચાર્જશીટમાં થયા આ ખુલાસા, ન સોપારી કિલિંગ, ન...

PC: livelaw.in

માફિયા ડૉન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની એપ્રિલમાં પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહમદ અને અશરફ પ્રયાગરાજમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા ઉમેશપાલ હત્યાકાંડના આરોપી હતા. પોલીસે અતીક અહમદ અને અશરફની હત્યાના કેસમાં ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી દીધી. પોલીસે પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે અતીક-અશરફની હત્યામાં સુપારી કિલિંગ અને મોટા ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસે પોતાની ચાર્જશીટમાં ઘટનાસ્થળ પરથી ધરપકડ કરાયેલા અરુણ મૌર્ય, સની અને લવલેશ તિવારીને જ આરોપી બતાવ્યા છે. SIT તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર કોર્ટે ધ્યાનમાં લઈને પ્રતાપગઢ જેલમાં બંધ 3 આરોપીઓને શુક્રવારે સમન્સ પાઠવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ધોળાદિવસે ઉમેશ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. ઉમેશ પાલની પત્નીની ફરિયાદ પર પોલીસે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ, તેના પુત્ર અસદ સહિત 9 લોકોને આરોપી બનાવ્યા હતા.

પોલીસ પૂછપરછ માટે સાબરમતી જેલમાં બંધ અતીક અને બરેલીમાં બંધ અશરફને પ્રયાગરાજ લઈ ગઈ હતી. ત્યાં 15 એપ્રિલની રાત્રે પોલીસ અતીક અને અશરફને મેડિકલ માટે હૉસ્પિટલ લઈ જઈ રહી હતી. હૉસ્પિટલ બહાર અરુણ મૌર્ય, સની અને લવલેશ પત્રકાર બનીને પહોંચ્યા અને જેવા જ અતીક અને અશરફે મીડિયા સાથે વાત કરવાની શરૂઆત કરી, ત્રણેયએ જોરદાર ફાયરિંગ કરી દીધી. આ દરમિયાન 18 રાઉન્ડ ગોળીઓ ચાલી, જેમાં 8 ગોળી અતીક અહમદને લાગી. બંનેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું.

અતીક-અશરફની હત્યાના કેસમાં પોલીસે 2,056 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. તેમાંથી 2,000 પેજમાં પોલીસની કેસ ડાયરી, નકસો નજરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ચલણ, ફોટો પરીક્ષણ રિપોર્ટ, સાક્ષીઓના નિવેદન, CCTV ફૂટેજના વિવરણ વગેરે સામેલ છે. ચાર્જશીટ 56 પેજમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 307, 34, 120 (B), 419, 420, 467, 468, 471 અને આર્મ્સ એક્ટની કલમ 3, 7, 25, 27 અને ક્રિમિનલ લૉ અમેડમેન્ટ એક્ટની કલમ 7 હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

ચાર્જશીટ મુજબ, પોલીસને અતીક-અશરફની હત્યામાં કોઈ પ્રકારની સુપારી કિલિંગ, કોઈ મોટું ષડયંત્ર કે અન્ય માસ્ટરમાઈન્ડના ઇશારા પર હત્યા કરવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે ત્રણેય આરોપી, સંબંધીઓ અને મિત્રોના નિવેદનોને પણ પોતાની તપાસનો હિસ્સો બનાવ્યા છે. તેના આધાર પર પોલીસે શૂટરોની પ્રવૃત્તિને આક્રમક અને જલદી નામ કમાવાના ઉદ્દેશ્યવાળી બતાવી. પોલીસે ત્રણેય શૂટરોમાં સની સિંહને ગુનાહિત પ્રવૃત્તિનો બતાવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો કે ત્રણેય શૂટર તો 13 એપ્રિલના રોજ જ અતીક અને અશરફની હત્યા કરવા માગતા હતા.

ત્રણેય કોર્ટ પણ પહોંચ્યા હતા, પરંતુ વકીલોની ભીડ અને ભારે પોલીસ બંદોબસ્ત જોઈને ઘટનાને અંજામ ન આપી શક્યા. CCTV ફૂટેજના આધાર પર પોલીસે દાવો કર્યો કે, 15 એપ્રિલના રોજ સૌથી પહેલા શૂટર લવલેશ તિવારી કૉલ્વિન હૉસ્પિટલ પહોંચ્યો હતો. તેના 12 મિનિટ બાદ સની સિંહ અને અરુણ મૌર્ય ત્યાં પહોંચ્યા. અતીક અને અશરફના પહોંચવા પર લવલેશ તિવારીએ વીડિયો પણ બનાવ્યો. એટલું જ નહીં સની સિંહ અને અરુણ મૌર્યએ બાકી મીડિયાકર્મીઓ સાથે ઊભા રહીને હળવા-મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

લવલેશ વીડિયો બનાવરો કૉલ્વિન હૉસ્પિટલમાં મીડિયાકર્મી તરીકે ઘૂસ્યો હતો. જેવા જ અતીક અહમદ અને અશરફ હૉસ્પિટલના ગેટની અંદર પહોંચ્યા સની સિંહ અને લવલેશ તિવારીએ પોતાની જિગાના બંદૂકથી ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી, જ્યારે અરુણ મૌર્યની બંદૂકથી માત્ર 2 ફાયર થઈ અને બંદૂક ફસાઈ ગઈ. પોલીસે પોતાની ચાર્જશીટમાં શૂટર સની સિંહને જ આ હત્યાકાંડનો અસલી માસ્ટરમાઈન્ડ બતાવ્યો છે.

સની સિંહે જ અતીક અને અશરફની હત્યાનો આખો પ્લાન બનાવ્યો હતો અને તેના માટે ત્રણેય ચિત્રકૂટના નકલી એડ્રેસ પર ત્રણેયના આધાર કાર્ડ બનાવડાવ્યા હતા. જો કે, પોલીસે પોતાની તપાસમાં એ સ્પષ્ટ ન કરી શકી કે ત્રણેય શૂટરોના આધાર કોની મદદથી બનાવવામાં આવ્યા હતા. તો પોલીસનું કહેવું છે કે, સની દિલ્હીની કુખ્યાત ગોગી ગેંગના સંપર્કમાં હતો. આ જ ગોગી ગેંગ દ્વારા સનીને જિગાના બંદૂક મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp