શું બાબા બાલકનાથ CM પદની રેસમાંથી બહાર થઈ ગયા? જુઓ ટ્વીટ કરીને શું કહ્યું

PC: timesnowhindi.com

હાલમાં 3 ડિસેમ્બરે 4 રાજ્યો, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં ભાજપને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા મળી છે, પરંતુ હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોકડું ઉકેલવાનું કામ ચાલી રહ્યું છે. અત્યારે પણ એ સવાલ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ 3 રાજ્યોમાં કોને તાજ પહેરાવશે. રાજસ્થાનમાં વસુંધરા રાજે અને રાજસ્થાનના યોગી કહેવાતા બાબા બાલકનાથના નામની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન બાબા બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર મુખ્યમંત્રી પદ માટે પોતાના નામની ચર્ચાઓ વચ્ચે એક નિવેદન જાહેર કર્યું છે.

બાબા બાલકનાથે પોતાની આ પોસ્ટમાં લખ્યું કે, ‘પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જનતા જનાર્દને પહેલી વખત સાંસદ અને ધારાસભ્ય બનાવીને રાષ્ટ્રસેવાનો અવસર આપ્યો છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદની મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓને નજરઅંદાજ કરો. મારે અત્યારે વડાપ્રધાનના માર્ગદર્શનમાં અનુભવ મેળવવાનો છે.’ ઉલ્લેખનીય છે કે બાબા બાલકનાથ વર્ષ 2019માં ભાજપની ટિકિટ પર અલવર લોકસભા મતવિસ્તારથી સાંસદ બન્યા હતા. પાર્ટીએ તેમને આ વખત જિલ્લાની તિજારા વિધાનસભા સીટથી ટિકિટ આપી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવીને ધારાસભ્યની ચૂંટણીમાં જીત હાંસલ કરી લીધી છે. ત્યારબાદ લોકસભાની સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ ઘટનાક્રમો વચ્ચે મીડિયા અને સોશિયલ મીડિયા પર રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીના રૂપમાં તેમના નામની ચર્ચા ચાલી રહી છે. કાલ સુધી તેમને મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ આજે તેમની આ ટ્વીટથી એવું પ્રતીત થાય છે કે ભાજપે તેમના માટે કંઈક બીજું વિચારી રાખ્યું છે. બલકનાથ સિવાય રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીના રૂપમાં જે નામોની ચર્ચા છે તેમાં વસુંધરા રાજે, કિરોડી લાલ મીણા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દીયા કુમારી સામેલ છે.

બાબા બાલકનાથ પણ એ જ નાથ સંપ્રદાયથી આવે છે, જેના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ વર્તમાનમાં પ્રમુખ છે. તેઓ રોહતકના મસ્તનાથ મઠના મહંત છે. 29 જુલાઇ 2016ના રોજ મહંત ચાંદનાથે એક સમારોહમાં બાલકનાથ યોગીને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બાબા રામદેવ પણ સામેલ છે. તેઓ બાબા મસ્તનાથ યુનિવર્સિટી (BMU)ના ચાન્સેલર છે. તેમનો જન્મ બહરોડ તાલુકાના કોહરાના ગામમાં એક યદુવંશી હિન્દુ પરિવારમાં થયો હતો.

બાલકનાથ યોગીનો અલવર સાથે ગાઢ સંબંધ છે. તેમણે સાડા 6 વર્ષની ઉંમરમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી અને પોતાનું ઘર છોડીને આશ્રમમાં જતા રહ્યા. મહંત બાલકનાથ યોગીની રાજનીતિક ઇનિંગને તેમના ગુરુ મહંત ચાંદનાથ, જે અલવરથી પૂર્વ સાંસદ હતા, તેમણે આકાર આપ્યો. તેમની છબી રાજસ્થાનના એક ફાયરબ્રાંડ નેતાની છે જે હિન્દુ અને હિન્દુત્વની વાત કરે છે. તેઓ ચૂંટણી માટે નામાંકન ભરવા અને ઘણી જગ્યા પર ચૂંટણી પ્રચાર કરવા બુલડોઝરથી પણ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp