ચૂંટણી પહેલા શિંદે સરકાર આ જગ્યાએ 20 કરોડના ખર્ચે બનાવશે શિવાજીની પ્રતિમા
સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યા પછી મહારાષ્ટ્ર સરકારે ત્યાં નવી 60 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે, જે અગાઉની પ્રતિમા કરતા લગભગ બમણી હશે. અધિકારીઓએ બુધવારે (25 સપ્ટેમ્બર, 2024) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ પ્રતિમા 20 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે અને સરકારે કામ પૂર્ણ કરવા માટે છ મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે.
રાજકોટના કિલ્લામાં સ્થાપિત શિવાજીની 35 ફૂટની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ તૂટી પડી હતી. આ મુદ્દે CM એકનાથ શિંદે અને DyCM અજિત પવારે પણ માફી માંગવી પડી હતી.
શિવાજીની આ પ્રતિમાનું અનાવરણ PM મોદીએ ગયા વર્ષે નેવી ડે પર કર્યું હતું. આ પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ શિવાજીની મરાઠા નૌકાદળ અને દરિયાઈ સરહદોની સુરક્ષા માટેના તેના પ્રયાસો પ્રત્યે આદર દર્શાવવાનો હતો. પ્રતિમાના પતન પછી, વિપક્ષ મહાવિકાસ આઘાડીએ સત્તાધારી BJP-શિવસેના (CM એકનાથ શિંદે જૂથ)- NCP (DyCM અજિત પવાર જૂથ) ગઠબંધન પર નિશાન સાધ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારને શિવાજીની પ્રતિમા તોડવાને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રતિમાના તૂટી પડવાથી ભાવનાત્મક આક્રોશ અને શબ્દ યુદ્ધ શરૂ થયું હતું. મહારાષ્ટ્ર સરકારે શરૂઆતમાં પ્રતિમાનું નિર્માણ કરનાર ભારતીય નૌકાદળ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ પીછેહઠ કરી હતી અને તે જ જગ્યાએ વધુ મોટી પ્રતિમા બનાવવાનું વચન આપ્યું હતું. વિપક્ષે પ્રતિમાના નિર્માણમાં સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને વિરોધ માર્ચ કાઢી હતી. મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી આ મુદ્દે રાજકારણ થાય તે સ્વાભાવિક છે.
આ મામલે PM નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજીની માફી માંગી હતી. PM નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, હું માથું નમાવીને આ ઘટના માટે માફી માંગુ છું. અમારા માટે શિવાજી પૂજનીય દેવ છે. રાજ્યના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટ પ્રોજેક્ટના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે ફક્ત એક મહાન વ્યક્તિ જ નથી, પરંતુ તેઓ આપણા આદર્શ પણ છે. હું એ મૂર્તિના ચરણોમાં પ્રણામ કરું છું અને હવે તેમની માફી માંગું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp