ભારત સેવાશ્રમ સંઘ પર CM બેનર્જીએ BJPને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો, જાણો સંઘ વિશે

PC: twitter.com

લોકસભા ચૂંટણીના 5મા તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે શનિવારે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ એક ચૂંટણી રેલીમાં ભારત સેવાશ્રમ સંઘ જેવી પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે સાધુઓ અને સાધ્વીઓ ધાર્મિક સંગઠનો BJPને ચૂંટણીમાં મદદ કરી રહ્યાં છે.

CM મમતા બેનર્જીએ ભારત સેવાશ્રમના સન્યાસી પ્રદિપ્તાનંદ મહારાજ ઉર્ફે કાર્તિક મહારાજનું નામ લીધું અને કહ્યું કે તેઓ TMC-તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવી રહ્યા છે.

હુગલીના જયરામબાટીમાં એક જાહેર સભામાં TMCના વડા CM મમતા બેનર્જીએ ભારત સેવાશ્રમ-BSSના કાર્તિક મહારાજ પર આરોપ લગાવ્યો કે, કાર્તિક મહારાજે કહ્યું છે કે, તેઓ TMCના એજન્ટોને મતદાન મથકમાં પ્રવેશવા દેશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, પહેલા તે ભારત સેવાશ્રમનું ખૂબ સન્માન કરતી હતી, પરંતુ હવે તે કાર્તિક મહારાજને સંત માનતી નથી, કારણ કે તેઓ સીધા રાજકારણમાં સામેલ થઈ ગયા છે.

રામકૃષ્ણ મિશન પર કટાક્ષ કરતા CM મમતાએ કહ્યું કે, તેના સભ્યો પણ દિલ્હીની ગાઈડલાઈન પર કામ કરે છે. CM મમતાએ કહ્યું કે, કેટલાક સંતોને BJP માટે વોટ માંગવાનું કહેવામાં આવ્યું છે.

કાર્તિક મહારાજે આ સમગ્ર એપિસોડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'વિનાશ કાળે છે, બુદ્ધિ ભ્રષ્ટ'. તેમણે કહ્યું કે હવે CM મમતા બેનર્જી અને તેમની પાર્ટીના વિનાશનો સમય આવી ગયો છે, તેથી જ તેઓ સંતો અને તપસ્વીઓને નિશાન બનાવી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘ સામેની ટિપ્પણીઓની નિંદા કરતાં કહ્યું કે, તેઓ તેમની વોટ બેંકને ખુશ કરવા માટે આ સામાજિક-ધાર્મિક સંગઠનોને ધમકી આપી રહ્યા છે.

પુરુલિયામાં એક રેલીને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ શાલીનતાની હદ વટાવી ગઈ છે અને એટલી નીચી થઈ ગઈ છે કે, તે ઈસ્કોન, રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘ વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહી છે.

ભારત સેવાશ્રમ સંઘ, BSSની સ્થાપના આચાર્ય શ્રીમદ સ્વામી પ્રણવાનંદ મહારાજ દ્વારા 1917માં કરવામાં આવી હતી. આ તપસ્વીઓ અને કર્મયોગીઓનું સંગઠન છે. તેનું મુખ્યાલય કોલકાતામાં છે. BSSની ભારત સહિત સમગ્ર વિશ્વમાં 300થી વધુ શાખાઓ છે. તેણે આફ્રિકન દેશો, મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ઘણા મિશન શરૂ કર્યા છે.

ભારત સેવાશ્રમ સમયાંતરે સામુદાયિક કાર્યો કરે છે, જેવા કે, ગરીબોને મદદ કરવી, આરોગ્ય સંભાળ પૂરી પાડવી, કુદરતી આફતો દરમિયાન જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી વગેરે.

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં કુદરતી આફતો, 1943નો બંગાળનો દુકાળ, ભોપાલ હોનારત, 2001ના ગુજરાતના ભૂકંપ દરમિયાન BSSએ આગળ આવીને લોકોને મદદ કરી હતી. અશાંતિના સમયમાં સંઘના સાધુ-સાધ્વીઓ રાહત શિબિરોમાં જાય છે અને લોકોને મદદ કરે છે. આ સંસ્થાએ ગરીબ અને પછાત વિસ્તારોના બાળકોના શિક્ષણ માટે શાળાઓ અને હોસ્પિટલો ખોલી છે.

2004ના હિંદ મહાસાગરના ભૂકંપ પછી, સંઘના સંન્યાસીઓએ લગભગ રૂ. 4.25 કરોડના ખર્ચે અનાથ બાળકો માટે એક શાળા, રૂ. 60 લાખના ખર્ચે એક અનાથાશ્રમ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 200 ઘરો બાંધ્યા હતા. કોરોનાના સમયમાં પણ ભારત સેવાશ્રમ આગળ આવીને લોકોની મદદ કરી હતી.

ભારત સેવાશ્રમ સંઘની આજે વિશ્વના અનેક દેશોમાં શાખાઓ છે. જેમાં ફિજી, ઈંગ્લેન્ડ, ગુયાના, ત્રિનિદાદ, સુરીનામ, અમેરિકા, કેનેડા અને નેપાળનો સમાવેશ થાય છે. BSS સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ સાથે NGO તરીકે સલાહકાર દરજ્જો ધરાવે છે.

ભારત સેવાશ્રમ સંઘના સાધુઓને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં અગ્નિશમન, આપત્તિ વ્યવસ્થાપન, કોમી રમખાણોનો સામનો કરવાની ટેકનિક, શારીરિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ નિર્માણની તાલીમ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp