પોલીસને સીમકાર્ડનો ઢગલો મળ્યો,ચૂંટણીમાં ગરબડ કરવા મોટા કાવતરાની આશંકા

PC: twitter.com

બિહારના ગોપાલગંજના કુચાયાકોટ પોલીસ સ્ટેશન વિસ્તારની બલથરી ચેકપોસ્ટ પરથી શુક્રવારે પશ્ચિમ બંગાળ નંબરવાળી કારમાંથી આઠ હજારથી વધુ સિમ કાર્ડ મળી આવ્યા હતા. આ સાથે 18 હજાર આઠસો નેપાળી ચલણ પણ મળી આવ્યું હતું. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં દિલ્હીનું કનેક્શન સામે આવ્યું છે. માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

બિહારના ગોપાલગંજમાં લોકસભા ચૂંટણી પહેલા 8 હજાર 774 સિમ કાર્ડ અને નેપાળી ચલણ મળી આવ્યાના મામલામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, Economic Offences Unit (EOU) અને બિહાર ATS આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અને તપાસ એજન્સીઓને આશંકા છે કે સિમ કાર્ડનો આ મોટો જથ્થો લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિ સર્જવાનું મોટું ષડયંત્ર હોઈ શકે છે.

પોલીસ તપાસ દરમિયાન જે માહિતી મળી તે મુજબ, આ સિમ કાર્ડ દિલ્હીથી ફ્લાઈટ દ્વારા ગોરખપુર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જે બાદ નેપાળથી પહોંચેલા પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ત્રણ યુવકોને એરપોર્ટ પર જ સિમકાર્ડ રિસીવ કર્યા હતા. સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ઓપરેટ થઇ રહ્યું હતું,તેથી સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આની પાછળ દુશ્મન દેશ ચીનનો હાથ હોય શકે છે. પોલીસે આ ત્રણેય યુવાનોની ધરપકડ કરી લીધી છે.

ગોરખપુર એરપોર્ટ પર પકડાયેલા ત્રણેય યુવાનો પશ્ચિમ બંગાળના માલદાના હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણકે પોલીસને એવા ઇનપૂટ મળ્યા હતા કે બે બાંગ્લાદેશના છે. ગોપાલગંજના SP ર્સ્વણ પ્રભાતે કહ્યુ કે, તપાસ એજન્સીઓ જે પ્રકારની મદદ માંગશે તે અમે પુરી પાડીશું, પોલીસ એમાં સહયોગ કરશે.

5 એપ્રિલે ગોપાલગંજના કુચાયકોટ પોલીસ સ્ટેશનની પોલીસે યુપી-બિહારના બલથરી ચેકપોસ્ટ પર એક કારમાંથી 8 હજાર 774 સિમ કાર્ડ અને 18 હજાર નેપાળી ચલણ જપ્ત કર્યું હતું. પકડાયેલા યુવકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક સિમકાર્ડ એક્ટિવેટ છે અને કેટલાક સાદા સિમકાર્ડ છે. પોલીસને મળેલા મોબાઈલ ફોનમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે. પોલીસ આ ગેંગ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને પકડવાની કાર્યવાહી કરવામાં જોડાયેલી છે.

જો કે તેમાં કેટલા લોકો સામેલ છે તે સ્પષ્ટ નથી. હવે સવાલ એ છે કે આટલા બધા સિમ કાર્ડ લઈને લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલી ઉભી કરવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે? નેપાળના કાઠમંડુથી નેટવર્કનું સંચાલન કોણ કરે છે? સુરક્ષા એજન્સીઓ અને ગોપાલગંજ પોલીસ આ તમામ મુદ્દાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp