ચંડીગઢ પાલિકામાં INDIA ગઠબંધન પાસે બહુમત છતાં મેયર BJPનો બન્યો

PC: livemint.com

ચંડીગઢમાં મેયર, ડેપ્યુટી મેયર, સીનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં INDIA ગઠબંધનનું સુપડાસાફ થઈ ગયું છે. ભાજપે ત્રણેય પદો પર જીત હાંસલ કરી છે. મેયર, ડેપ્યુટી મેયર, સીનિયર ડેપ્યુટી મેયરમાં મંગળવારે જોરદાર હોબાળો જોવા મળ્યો. હવે કોંગ્રેસે આખી ચૂંટણી હાઇકોર્ટ લઈ જવાની તૈયારી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, મંગળવારે સવારે 10:00 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહ મોડેથી પહોંચ્યા.

પછી 2 કલાક સુધી ચૂંટણી થઈ. ત્યારબાદ 11:45 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ થઈ. આ દરમિયાન ભાજપને 16, INDIA ગઠબંધનને 12 વોટ મળ્યા. જ્યારે 8 વોટ ગઠબંધનના રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે. મેયરની ચૂંટણી બાદ સદનમાં હોબાળો શરૂ થયો, જે રોડ સુધી પહોંચી ગયો. મેયરની ચૂંટણી જીત્યા બાદ મનોજ સોનકરે કહ્યું કે, તેઓ પોતાની પાર્ટી, જે.પી. નડ્ડા, અમિત શાહ, વડાપ્રધાન મોદીનો આભાર માને છે. તેમને કહ્યું કે, હું એક નાનકડો કાર્યકર્તા છું.

કોંગ્રેસના હાઇકોર્ટ જવા પર મેયર મનોજ બોલ્યા તેઓ હાઇકોર્ટ જઇ શકે છે. ચૂંટણીમાં છેતરપિંડી પર મેયરે કહ્યું કે, બધુ સારી રીતે થયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બેલેટ પેપર ફાડ્યા છે. 2:00 વાગ્યાની આસપાસ ડેપ્યુટી મેયરની ચૂંટણી શરૂ થઈ, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો અને એવામાં ભાજપના ડેપ્યુટી મેયર રાજીન્દર કુમારને જીત મળી. એ સિવાય સીનિયર ડેપ્યુટી મેયર માટે ભાજપના કુલજીત સંધુની જીત થઈ છે.

3:00 વાગ્યે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ કહ્યું કે, આ ચૂંટણીમાં જે કંઇ થયું છે તે અસંવૈધાનિક અને રાષ્ટ્રદ્રોહી હતું. આ ચૂંટણી ગેરકાયદેસર છે. તેને રાષ્ટ્રદ્રોહ કહી શકાય છે. આપણે બધા જાણીએ છીએ કે મેયરની ચૂંટણીમાં 20 વોટ ગઠબંધન પાસે હતા. માત્ર 16 ભાજપ પાસે હતા. અમારી જીત નક્કી હતી. પોતાની હાર જોઈને ભાજપે ષડયંત્ર રચ્યું.

આખા ચૂંટણી ધમાસાણ બાદ આમ આદમી પાર્ટી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પહોંચી ગઈ. INDIA ગઠબંધને ચૂંટણી પરિણામોનો રેકોર્ડ સીલ કરવા અને તાત્કાલિક આ અરજી પર સુનાવણી કરવાની માગ કોર્ટને કરી. જો કે, હાઇકોર્ટે મંગળવારે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે બુધવારે આ અરજી પર સંબંધિત બેન્ચ સુનાવણી કરશે. કોંગ્રેસના સીનિયર લીડર પવન બંસલે કહ્યું કે, ભાજપ પોતાની હાર જોઈને આ હદ સુધી પહોંચી જશે તેની આશા નહોતી.

તેમણે કહ્યું કે, તેમને ખબર હતી કે તેમની પાસે 15 વોટ છે. લોકતંત્ર બચાવવા માટે અમે ગઠબંધન બનાવ્યું હતું. તમને બધાને ખબર છે કે 18 જાન્યુઆરીએ શું થયું. આ અગાઉ ગત 18 જાન્યુઆરીએ ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, સીનિયર મેયર, ડેપ્યુટી મેયર ચૂંટણી માટે વોટિંગ થવાનું હતું, પરંતુ આ દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર બીમાર થઈ ગયા. આ કારણે ચૂંટણી ટળી ગઈ હતી. ત્યારબાદ કેસ હાઇકોર્ટ પહોંચ્યો હતો. હાઇકોર્ટે જ 30 જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp