BJP નેતાનો સવાલ, રાહુલ ગાંધી વિદેશી નાગરિક છે, PM મોદી-શાહ કેમ બચાવી રહ્યા છે?

PC: abplive.com

BJPના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિદેશી નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ વખતે તેમણે PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું છે કે, રાહુલ ગાંધી વિદેશી નાગરિક છે, ત્યારે PM મોદી અને શાહ શા માટે તેમને બચાવી રહ્યા છે? જેમણે 2003માં બ્રિટિશ નાગરિકતા મેળવી અને લંડનમાં બેક ઓપ્સ નામની કંપની શરૂ કરી. તેમની ભારતીય નાગરિકતા અમાન્ય છે. જો PM મોદી તેમને બચાવવાનું ચાલુ રાખશે તો મારે તેમની સામે કેસ કરવો પડશે. ટ્વીટની સાથે સુબ્રમણ્યમ સ્વામીએ 2019માં ગૃહ મંત્રાલયના વિદેશ વિભાગ દ્વારા બહાર પડાયેલો એક પત્ર પણ પોસ્ટ કર્યો છે. સ્વામીની ફરિયાદના આધારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો.

હાર્વર્ડમાંથી અર્થશાસ્ત્રમાં PHD ધારક સુબ્રમણ્યમ સ્વામીએ પોસ્ટમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે, જેના પુરાવા તેમની પાસે છે. મારા પુરાવાના આધારે PM નરેન્દ્ર મોદી કે અમિત શાહ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરી શકે છે. સુબ્રમણ્યમ સ્વામીએ આગળ સવાલ ઉઠાવ્યો કે, આટલું બધું થયા પછી પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (રાહુલ ગાંધી વિરુદ્ધ) પગલાં લેવાનું કેમ ટાળી રહ્યા છે?

અન્ય એક ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લંડનમાં ફાઈલ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નની કોપી પણ જોડી છે. આમાં પણ તેમણે રાહુલ ગાંધીની સાથે PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘેર્યા છે. સ્વામીએ લખ્યું છે કે, આ રાહુલ ગાંધી દ્વારા બ્રિટિશ નાગરિક તરીકે બ્રિટિશ સરકારને ફાઈલ કરવામાં આવેલ વાર્ષિક રિટર્ન છે. શું કાર્યવાહી ન કરવા બદલ સોનિયા દ્વારા PM મોદીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે? સુબ્રમણ્યમ સ્વામીએ ઈન્કમ ટેક્સ રિટર્નની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, લંડનની કંપની બેક અપ્સમાં રાહુલ ગાંધીના શેર છે. રાહુલ ગાંધીનું સરનામું 51, સાઉથગેટ સ્ટ્રીટ, વિન્ચેસ્ટર, હેમ્પશાયર જણાવવામાં આવ્યું છે. રેકોર્ડ્સ અનુસાર, રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક અને કંપનીના ડિરેક્ટર જાહેર કર્યા છે. આ દસ્તાવેજ પર તેમની જન્મતારીખ 19-6-1970 લખેલી છે.

BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2017માં રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે તેમણે તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. હવે BJPના નેતાએ કાર્યવાહી ન કરવા બદલ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે મોરચો ખોલ્યો છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ PM નરેન્દ્ર મોદી અથવા તેમની જ પાર્ટીને ઘેરી હોય. તે પહેલા પણ તેઓ તેમની ટીકા કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp