જે ઈલેક્ટોરલ બોન્ડ કેશ નહોતા થયા, તેના પૈસા PM રાહત ફંડમાં નાંખ્યા: SBI

PC: timesnowhindi.com

ભારતીય સ્ટેટ બેંકે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એવું કહેવાય છે કે, ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યા છે. આ એફિડેવિટ SBIના ચીફ મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ખારા દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે 12 માર્ચે ચૂંટણી પંચને ખરીદી, વેચાણ અને ખરીદદારોના નામ સાથે સંબંધિત તમામ માહિતી સોંપવામાં આવી છે. SBIએ એપ્રિલ 2019 થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ખરીદેલા 22,217 ઈલેક્ટોરલ બોન્ડની વિગતો આપી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, SBIએ કહ્યું છે કે, સીલબંધ પરબિડીયામાં પેન ડ્રાઈવ અને બે PDF ફાઈલ દ્વારા ચૂંટણી પંચને માહિતી સોંપવામાં આવી છે. આ સમગ્ર માહિતી પાસવર્ડથી સુરક્ષિત છે. એટલે કે પાસવર્ડ વગર કોઈ ફાઈલ ખુલશે નહીં.

SBIએ ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત કેટલાક ડેટા પણ કોર્ટને બતાવ્યા છે. બેંક અનુસાર, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધીમાં કુલ 22,217 ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા હતા. SBI અનુસાર, 187 ઈલેક્ટોરલ બોન્ડની રકમ જે પક્ષકારો દ્વારા 15 દિવસની માન્યતા અવધિમાં રોકડ કરવામાં આવી ન હતી, તેને PM રાહત ફંડમાં મોકલવામાં આવી હતી.

વર્ષ 2019માં સરકારની ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. 15 ફેબ્રુઆરી, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડને ગોપનીય રાખવું એ બંધારણની કલમ 19(1) અને માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.

કોર્ટે SBIને 6 માર્ચ, 2024 સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો સબમિટ કરવા કહ્યું હતું. તેના પર SBIએ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે બેંકને આ સમય આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે SBIને કોઈપણ સંજોગોમાં 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા જણાવ્યું હતું. બેન્ચે ચૂંટણી પંચને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં SBI તરફથી મળેલી તમામ વિગતો તેની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

વર્ષ 2018માં કેન્દ્ર સરકાર ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવી હતી. ચૂંટણી બોન્ડ લાગુ કરવા પાછળ મોદી સરકારનો મત એ હતો કે, તેનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધશે અને સ્વચ્છ નાણાં આવશે. જેમાં વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને ડોનેશન તરીકે આપતા હતા અને રાજકીય પક્ષો આ બોન્ડને બેંકમાં રોકીને નાણાં મેળવતા હતા.

ભારતીય સ્ટેટ બેંકની 29 શાખાઓને ચૂંટણી બોન્ડ બહાર પાડવા અને તેને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. જો કે, એવા આક્ષેપો થયા છે કે, આ યોજનાનો ઉપયોગ મની લોન્ડરિંગ અથવા કાળા નાણાને સફેદમાં ફેરવવા માટે કરવામાં આવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp