4000માં યુનિફોર્મ ખરીદી પાંચમું પાસ બન્યો PI, અસલી પોલીસના હાથે પકડાયો, ત્યારે..

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના આગ્રામાં નકલી પોલીસ ઈન્સ્પેક્ટર ઝડપાયો છે. તે પોલીસનો યુનિફોર્મ પહેરીને લોકોને દમદાટી આપતો હતો. આટલું જ નહીં કેટલીકવાર તો તેણે વાહનોનું ચેકિંગ પણ શરૂ કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી લોકો તેને અસલી ઈન્સ્પેક્ટર જ માની રહ્યા હતા. પરંતુ હવે તેના રહસ્યનો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પકડાયા પછી તે પોલીસની સામે ડરથી ધ્રૂજી રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી માત્ર 5મું પાસ છે. કોરોના સમયગાળા દરમિયાન, તેણે 4,000 રૂપિયા ખર્ચ્યા અને યુનિફોર્મ સિવરાવ્યો હતો. ત્યારથી તે નકલી પોલીસ ઈન્સ્પેક્ટર બનીને ગમે ત્યાં ફરતો હતો. પરંતુ ગઇકાલે ગેરકાયદે ચેકીંગ કરીને વાહનોને અટકાવવામાં આવી રહ્યા હતા, ત્યારે કોઇએ પોલીસને તે વિશે જાણ કરી હતી. આગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને રંગે હાથે પકડી લીધો.

પકડાયેલા આરોપીનું નામ દેવેન્દ્ર ઉર્ફે રાજુ છે. તે ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનના અબુલ ઉલ્લાહ કટ ખાતે પોલીસની વર્દી પહેરીને ગેરકાયદેસર રીતે વાહનોની તપાસ કરી રહ્યો હતો. તેમજ ચેકીંગ દરમિયાન તે વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર નાણા એકત્ર કરી પોતાના ખિસ્સામાં રાખતો હતો. પોલીસને વાહનોના ચેકીંગની માહિતી મળી હતી. જેના પર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

તેણે પોલીસ યુનિફોર્મમાં ગેરકાયદેસર વસૂલી કરતા તે યુવકની પૂછપરછ કરી. થોડીક જ પૂછપરછ પછી ખબર પડી કે, ઈન્સ્પેક્ટર નકલી છે. આવી સ્થિતિમાં તેને પકડીને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન દેવેન્દ્રના તમામ રહસ્યોનો પર્દાફાશ થયો હતો.આગ્રાના રાજપુર ચુંગી વિસ્તારનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

તલાશી દરમિયાન દેવેન્દ્ર પાસેથી 2000 રૂપિયા મળી આવ્યા હતા. તેણે એક ડ્રાઈવર પાસેથી આ રકમ એકઠી કરી હતી. હાલ આરોપી દેવેન્દ્ર વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે હરિ પર્વત પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ ચોરીનો કેસ નોંધાયેલો છે.

દેવેન્દ્રએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન તે યુનિફોર્મ પહેરીને રસ્તાઓ પર નીકળતો હતો. યુનિફોર્મના કારણે તેને કોઈએ રોક્યો નહીં. આ જોઈને તેની હિંમત વધી ગઈ અને તેણે યુનિફોર્મ પહેર્યો અને ઓટો અને બસમાં ફ્રીમાં મુસાફરી કરવા લાગ્યો.

દેવેન્દ્રએ પોલીસને એમ પણ જણાવ્યું છે કે, તે જે દુકાનો પર યુનિફોર્મ પહેરીને ખરીદી કરવા જતો હતો ત્યાં તેને ડિસ્કાઉન્ટ મળતું હતું. આ બધા કારણો પછી તેની હિંમત એટલી વધી ગઈ કે, તેણે ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. પરંતુ આ વખતે દેવેન્દ્રની પોલ ખુલ્લી પડી ગઈ અને તે પકડાઈ ગયો હતો. હવે દેવેન્દ્ર જેલના સળિયા પાછળ છે અને તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સૂરજ કુમાર રાયે જણાવ્યું કે, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે ઓટો ચાલકોના ફોટા પાડીને અને ચલણની ધમકી આપીને ગેરકાયદે ખંડણી ઉઘરાવતો હતો. તેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. ઉપરાંત, તેની પાસે ઇન્સ્પેક્ટર રેન્કમાં ત્રણ સ્ટાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp