સસરા જેલમાં,પતિ મુશ્કેલીમાં,પાર્ટીની કમાન સંભાળી,આ જીતમાં બ્રહ્માણીની અહમ ભૂમિકા

PC: telugu.samayam.com

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ N ચંદ્રબાબુ નાયડુ 12 જૂને વિજયવાડામાં આંધ્રપ્રદેશના CM તરીકે શપથ લેશે. 74 વર્ષીય નાયડુ ચોથી વખત CM બની રહ્યા છે. TDP-જનસેના-BJP ગઠબંધને 175 સભ્યોની વિધાનસભામાં 164 બેઠકો જીતીને જંગી જીત નોંધાવી હતી. તેણે લોકસભાની 25માંથી 21 બેઠકો પણ જીતી હતી. એકલા TDPએ 135 વિધાનસભા અને 16 લોકસભા બેઠકો જીતી હતી. ચંદ્રાબાબુ નાયડુએ માત્ર વિધાનસભા ચૂંટણી જ જીતી નથી પરંતુ લોકસભા સીટ પર પણ સારી એવી લીડ મેળવી છે. ચંદ્રબાબુ નાયડુની જીતનો શ્રેય તેમની મહેનત અને તેમના પુત્ર નારા લોકેશને જાય છે. દરમિયાન, એક નામ છે જે પડદા પાછળ છે. ચંદ્રબાબુ નાયડુની જીતમાં જો કોઈએ મહત્વની ભૂમિકા ભજવી હોય તો તે નારા લોકેશની પત્ની બ્રહ્માણીની હતી. સસરા જેલમાં હતા અને પતિ પર ધરપકડની તલવાર લટકી રહી હતી એવા સમયે બ્રહ્માણી નારા કમર કસીને મેદાનમાં આવી.

ચંદ્રબાબુ નાયડુ પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. તત્કાલીન જગન મોહન રેડ્ડીની સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. ચંદ્રાબાબુ નાયડુ જેલમાં જતાની સાથે જ આગામી ચૂંટણી પર વિપરીત અસર જોવા મળી રહી છે. નારા લોકેશે પાર્ટીની કમાન હાથમાં લીધી અને જોરદાર પ્રચાર કર્યો. તેમના પર પણ ધરપકડની તલવાર લટકવા લાગી. FIR નોંધવામાં આવી હતી.

ચંદ્રબાબુ નાયડુના પરિવાર પર મોટી આફત આવી. પરિવારની પ્રતિષ્ઠા બચાવવા બ્રહ્માણી મેદાનમાં આવી. બ્રહ્માણીએ પાર્ટીના નેતાઓ સાથે એકલા હાથે ચાર્જ સંભાળ્યો. પુત્રને ઘરે મૂકીને તે સવારે નીકળી જતી અને મોડી રાત્રે ઘરે પહોંચતી. આ સમયગાળા દરમિયાન માત્ર બ્રહ્માણી ચાલીને લોકોને મળી, રોડ શો, જનસંપર્ક અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

નારા બ્રહ્માણી પણ જગન મોહન સરકાર વિરુદ્ધ હડતાળ પર બેઠી. અનોખું પ્રદર્શન કર્યું. ઘણા સૂત્રોચ્ચાર કર્યા અને સામેથી સરકારને ચેતવણી આપી. તે સતત પાર્ટીનું કામ સંભાળતી રહી. ખાસ વાત એ છે કે, આ પ્રથમ વખત બ્રહ્માણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે પહેલા તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હતી. ફિલ્મી પરિવારમાં જન્મેલા બ્રહ્માણી નાયડુ કૌટુંબિક કારોબાર સંભાળે છે પરંતુ તેમના સસરા અને પતિની ગેરહાજરીમાં તેમણે જે રીતે રાજકીય બાગડોર સંભાળી તેના બધાએ વખાણ કર્યા.

બ્રહ્માણીએ જે રીતે પ્રચાર કર્યો તેનાથી બધા પ્રભાવિત થયા. દરેક જગ્યાએ તેની પ્રશંસા થવા લાગી. તે પગપાળા જતી અને જો તેને ભૂખ લાગે તો તે પાર્ટીના નેતાઓ સાથે સ્ટ્રીટ ફૂડ ખાતી. ખેતરોમાં જઈને ખેડૂતો સાથે વાત કરવાથી લઈને તે રસ્તાની બાજુમાં નાની દુકાનો ચલાવનારાઓને પણ મળી. બ્રહ્માણી દરેક કાર્યક્રમમાં સામેલ થતી હતી. તે રાત્રે 2 કે 3 કલાક પણ માંડ સૂતી હતી. તેમનું અભિયાન વહેલી સવારે શરૂ થઇ જતું અને મધરાત સુધી ચાલતું હતું. રાત્રે પ્રચાર પૂરો થયા પછી બીજા દિવસની રણનીતિ બનાવવામાં આવતી હતી.

આંધ્રપ્રદેશ કૌશલ્ય વિકાસ કેસમાં તેમની કથિત સંડોવણી બદલ ચંદ્રાબાબુ નાયડુ પર 9 સપ્ટેમ્બર 2023ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેણે 53 દિવસ રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલમાં વિતાવ્યા. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે 31 ઓક્ટોબરે ચંદ્રબાબુને કામચલાઉ જામીન આપ્યા હતા. ત્યાર પછી તેઓ બહાર આવ્યા હતા. બ્રહ્માણીના પતિને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

જ્યારે પતિ અને સસરા બહાર આવ્યા ત્યારે તેઓએ બ્રહ્માણીનું કામ જોયું અને તેને જવાબદારીઓ આપી. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશની પત્ની નારા બ્રહ્માણીને મંગલાગીરીમાં પોસ્ટ કરવામાં આવી હતી. તેણે તેના પતિ નારા લોકેશ વતી મતદારો સુધી તેમની સમસ્યાઓ વિશે વાત જાણી હતી. બ્રહ્માણીએ વિવિધ સમુદાયના જૂથો સાથે મુલાકાત કરી અને સોશિયલ મીડિયા દ્વારા સતત અપડેટ્સ શેર કર્યા.

બ્રહ્માણી ભલે રાજનીતિમાં નવી હોય પરંતુ તેણે ચૂંટણીની કમાન એટલી સારી રીતે સંભાળી કે દરેકને આશ્ચર્ય થયું. તેણે પોતાના સસરાના જન્મદિવસની પણ જાહેરમાં ઉજવણી કરી હતી. તેમણે મંગલગીરીમાં સામાન્ય લોકો સાથે કેક કાપીને લોકોને અહેસાસ કરાવ્યો કે, તેઓ સામાન્ય લોકોની સાથે છે.

લોકેશને 2019ની ચૂંટણીમાં મંગલાગીરીથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ YSR કોંગ્રેસ પાર્ટીના અલ્લા રામકૃષ્ણ રેડ્ડી સામે 5,337 મતોથી હારી ગયા. આ વખતે તેનો સીધો મુકાબલો YSRCPના મુરુગુડુ લાવણ્યા સામે હતો. નારા લોકેશે તેની પત્નીને ક્ષેત્રની કમાન સોંપી અને તેણે તેના પતિની જીતની સ્ક્રિપ્ટ લખી.

બ્રહ્માણી, ચંદ્રાબાબુ નાયડુના સાળા અને ટોલીવુડ અભિનેતા N. બાલકૃષ્ણની પુત્રી છે. N બાલકૃષ્ણના પિતા NT રામારાવે TDPની સ્થાપના કરી હતી. બ્રહ્માણીના સાસુ પણ તેની ફોઈ લાગે છે. બ્રહ્માણી અને નારા લોકેશના લગ્ન 2007માં થયા હતા. બંનેને એક પુત્ર દેવાંશ છે. લગ્ન પહેલા બ્રહ્માણીએ સિંગાપોરમાં એક કેપિટલ વેન્ચર ફર્મમાં કામ કર્યું હતું. હાલમાં તે નાયડુ પરિવારનો બિઝનેસ હેરિટેજ ફૂડ્સ સંભાળે છે. તેમણે સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp