ચૂંટણી બોન્ડની જગ્યાએ આ વિકલ્પ લાવો, પૂર્વ ચૂંટણી કમિશ્નરે આઇડિયા આપ્યો
થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધનો ચુકાદો આપ્યો એ પછી આ બાબતે ચર્ચા શરૂ થઇ છે. હવે ભારતના પૂર્વ ચૂંટણી કમિશ્વર એસ. વાય કુરેશીએ મીડિયા સાથેની વાતમાં ઇલેક્ટોરલ બોન્ડને બદલે અન્ય એક વિકલ્પ સુચવ્યો છે. તેમણે આ અંગે પોતાના વિચારો પણ વ્યકિત કર્યા છે.
પૂર્વ ચૂંટણી કમિશ્નર એસ. વાય કુરેશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ખરેખર એક ઐતિહાસિક નિર્ણય છે. ચૂંટણી તંત્ર સાથે થયેલી ક્રૂરતાને કોર્ટે સુધારી છે. ચૂંટણી બોન્ડ રજૂ કરતા પહેલા બજેટ ભાષણમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ પોતે કહ્યું હતું કે ચૂંટણી ભંડોળની પારદર્શિતા વિના મુક્ત અને ન્યાયી ચૂંટણી શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે 70 વર્ષમાં તે પારદર્શિતા હાંસલ કરી શક્યા નથી.તેમની વાત પછી એવી આશા જાગી હતી કે તેઓ હવે પારદર્શિતા લાવશે. પરંતુ એવું બન્યું નહીં. તેને બદલે પહેલા જેટલી પારદર્શિતા હતી તે પણ ખતમ કરી નાંખવામાં આવી.
ઇલેક્ટોરલ બોન્ડમાં જે 10-20 કરોડ આપતા હોય, તેના બદલામાં જો સરકાર તેને કોઇ ફાયદો પહોંચાડે તો તે લોકોની સામે આવતું નહોતું. આને ભ્રષ્ટાચાર નહીં તો બીજું શું કહીએ? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અગાઉ, દરેક વ્યક્તિ 20,000 રૂપિયાથી વધુના દાન વિશે જાણતા હતા. આ અંગે ચૂંટણી પંચને જાણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ પણ તેને પોતાની વેબસાઈટ પર જાહેર કરતું હતું.
તેમણે ઇલેકટોરલ બોન્ડના વિકલ્પ સુચવતા કહ્યું હતું કે, સરકાર નેશનલ ઇલેક્શન ફંડ બનાવે, એમાં જે કંપની કે વ્યકિત દાન કરશે તેને કોઇ ડર નહીં લાગે. ડોનેશન એક નેશનલ ફંડમાં ચાલ્યું જાય અને એ ફંડમાંથી રાજકીય પાર્ટીઓને તેમના પરફોર્મન્સના આધારે પૈસા આપવામાં આવે. જે પાર્ટીને જેટલા વોટ મળ્યા હોય તેમને વોટ દીઠ 100 રૂપિયાના હિસાબે ફંડ આપી દેવામાં આવે. આ સૂચન ખાસ્સું કારગર સાબિત થઇ શકે છે અને રાજકીય પાર્ટીઓ માટે પણ આ ગરીમાપૂર્ણ રહેશે.
પૂર્વ ચૂંટણી કમિશ્નરને સવાલ પુછવામાં આવ્યો કે, નેશનલ ઇલેકશન ફંડ બને અને પરફોર્મન્સ પછી પૈસા મળે, પંરતુ પાર્ટીઓને જરૂરત તો ચૂંટણી પહેલાં હોય છે? જેના જવાબમાં કુરેશીએ કહ્યુ કે, જો તમે બેંકમાં લોન લેવા જાઓ છો તો પણ બેંક સ્પષ્ટ કરે છે કે તમારે પહેલા તમારું પોતાનું કંઈક રોકાણ કરવું જોઈએ. જ્યારે આમ આદમી પાર્ટી તેની પ્રથમ ચૂંટણી લડી હતી, ત્યારે તેને કોઈનું સમર્થન ન હતું. તેથી પહેલા ગંભીર બનવું જરૂરી છે. અન્યથા બોગસ પાર્ટીઓ પૈસા લઈને જતી રહેશે. બોગસ લોકો પૈસા માટે ચૂંટણી લડવા લાગશે. આવી છેતરપિંડીથી બચવા માટે માત્ર પરફોર્મન્સના આધારે સપોર્ટ આપવો જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, સ્ટેટ ફડિંગ ઓફ ઇલેક્શન કરી દો અને ખાનગી દાન પર પ્રતિબંધ મૂકો. કાં તો રૂ. 5-5નું ખાનગી દાન અથવા રૂ. 1-1નું સભ્યપદ. પરંતુ કોર્પોરેટ ડોનેશન બંધ કરીને જાહેર ભંડોળ ઊભું કરવું જોઈએ. આમાં દાન આપનાર વ્યક્તિને ટેક્સમાં છૂટ આપવામાં આવે..2017 પહેલા પણ કોઈ આદર્શ પરિસ્થિતિ નહોતી. 70 ટકા માત્ર રોકડ દાન હતું. જો પરિવર્તન નક્કર હોય તો કોઈ ચોર દરવાજો ખોલી શકે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp