બધાને રદ કરીને જેને ટેન્ડર આપ્યું, તેના મશીનો ખરાબ નીકળ્યા, સાંસદોનો હંગામો

PC: thehindu.com

દેશભરના એરપોર્ટ માટે 770 'ડ્યુઅલ યુઝ XBIS' (એક્સ રે સ્કેનર ટેન્ડર)ની ખરીદી માટેનું ટેન્ડર વિવાદમાં ઘેરાયેલું છે. XBISનો અર્થ છે, 'એક્સ રે બેગેજ ઇન્સ્પેક્શન સિસ્ટમ'. આ સિસ્ટમ દ્વારા કોઈપણ એન્ટ્રી પોઈન્ટ પર સામાનની તપાસ કરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ અંગે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે. આ ટેન્ડરમાં ચોક્કસ કંપનીને ફાયદો કરાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો થયા છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે અને મથુરાના સાંસદ હેમા માલિનીએ આ મામલો ઉઠાવ્યો છે. તેઓ દ્વારા આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી K. રામ મોહન નાયડુને પત્ર લખવામાં આવ્યો છે. મીડિયા સાથે સંકળાયેલા એક સૂત્રએ આ બાબતની જાણ કરી છે. રિપોર્ટ અનુસાર, કોઈ એક કંપનીને વિશેષ લાભ મળે છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે, તે કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલા મશીન પર પણ સવાલો ઉભા થયા છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંપની દ્વારા ઉત્પાદિત મશીનો નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને કેટલાક એરપોર્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રસંગોએ ચિંતા વ્યક્ત કરી છે.

એરપોર્ટ પર XBISના સપ્લાય, ઇન્સ્ટોલેશન અને ટેસ્ટિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ટેન્ડરમાં સ્પેરપાર્ટ્સ માટે 1 વર્ષની ઓનસાઇટ વોરંટી અને 7 વર્ષનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ સામેલ છે. આ માટે બિડિંગની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર, 2023 હતી. ટેન્ડરની અંદાજિત કિંમત 306.5 કરોડ રૂપિયા છે. આ નવા મશીનો મૂકીને એરપોર્ટના સિક્યોરિટી ચેક કાઉન્ટર પર હાલના જૂના સ્કેનર્સને બદલી નાખવાના છે.

એક મીડિયાએ સૂત્રોનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, આ ટેન્ડર માટે માત્ર એક જ ભારતીય કંપનીને બિડ કરવા માટે લાયક ગણવામાં આવી હતી. બ્રાઝિલની એક કંપનીને ટેકનિકલ કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ કંપનીએ એક ભારતીય કંપની સાથે કરાર કર્યો હતો.

27 જૂને હેમા માલિનીએ રામ મોહન નાયડુને આ સંબંધમાં પત્ર લખ્યો હતો. આ પછી 28 જૂને રામદાસ આઠવલેએ પણ એક પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે, ટેન્ડરોના મૂલ્યાંકનમાં ગેરરીતિની ફરિયાદો મળી છે. અને તેમને માહિતી મળી છે કે AAIએ કંપનીને વિશેષ લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે XBISની ખરીદીનો ઓર્ડર આપતા પહેલા આ મામલે તપાસની માંગ કરી છે.

આ બે પત્રો ઉપરાંત તે કંપની વિરુદ્ધ ઘણી વધુ ફરિયાદો વિશે પણ માહિતી મળી છે. નામ જાહેર ન કરવાની શરતે, આ બાબતથી વાકેફ એક અધિકારીએ મીડિયા સૂત્રને જણાવ્યું કે, જૂન 2021માં બહાર પડાયેલા ટેન્ડર દ્વારા AAIએ આ કંપની પાસેથી 219 સ્કેનિંગ મશીનો ખરીદ્યા હતા. ઘણી ખામીઓ હોવા છતાં આ મશીનો ખરીદવામાં આવ્યા હતા. કુલ 219 સ્કેનરમાંથી, 129ને દેશના ઘણા એરપોર્ટ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2020 અને ડિસેમ્બર 2021 વચ્ચે ઓછામાં ઓછા ચાર પ્રસંગોએ CISFએ AAIને આ મશીનોની ખામીઓ વિશે જાણ કરી છે. તેવી જ રીતે કોલકાતા, વિઝાગ, પટના, ઉદયપુર અને ઈન્દોર એરપોર્ટે પણ આ અંગે માહિતી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp