'CAA બંગાળ, તામિલનાડુ જેવા રાજ્યો અમલી નબીં બનાવે તો? અમિતભાઇએ આપ્યો જવાબ

PC: peoplesupdate.com

મંગળવારે, લોકસભા ચૂંટણી પહેલા, મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA)નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. CAA લાગુ થયા પછી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. જ્યારે, આ મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.

મીડિયા સૂત્રોને આપેલા ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ આપણો સાર્વભૌમ અધિકાર છે, અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.'

CAA નોટિફિકેશન અને તેની જોગવાઈઓ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 'મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે, આ રસ્તો કોઈ માટે બંધ નથી. આ ખાસ એક્ટ એટલા માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે તેઓ કોઈપણ દસ્તાવેજ વગર આવ્યા હતા. અમે એવા લોકો માટે રસ્તો શોધીશું જેમની પાસે દસ્તાવેજો નથી, પરંતુ જેમની પાસે દસ્તાવેજો છે તેઓ સામાન્ય રીતે 85% કરતા વધારે છે. કોઈ સમય મર્યાદા નથી.' તેમણે વધુમાં કહ્યું, 'આરામથી ટાઈમ લઈને તમારા નવરાશના સમયે અરજી કરી શકાય છે, તમારા ઉપલબ્ધ સમય પ્રમાણે ભારત સરકાર તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. સરકાર તમને ડોક્યુમેન્ટ ઓડિટ માટે બોલાવશે અને રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. 15 ઓગસ્ટ 1947 થી 31 ડિસેમ્બર 2014 વચ્ચે ભારતમાં પ્રવેશેલા તમામ લોકોનું અહીં સ્વાગત છે.'

CAAના નોટિફિકેશન પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 'આ દેશના લઘુમતીઓ અથવા અન્ય કોઈને CAAથી ડરવાની જરૂર નથી, કારણ કે CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. CAA એ માત્ર ત્રણ દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે.'

CAA દ્વારા BJP નવી વોટ બેંક બનાવી રહી હોવાના વિપક્ષના આરોપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, 'વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. તેમનો ઈતિહાસ એવો છે કે, તેઓ જે બોલે છે તે કરતા નથી, PM મોદીનો ઈતિહાસ એવો છે કે, BJPએ જે કંઈ કહ્યું અને PM નરેન્દ્ર મોદીએ જે કંઈ કહ્યું તે કડક અને અડગ નિર્ણય (પથ્થર પર લકીર) હોય છે. PM મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે.'

અમિત શાહે વધુમાં કહ્યું કે, 'વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી,' તેમણે એમ પણ કહ્યું કે, 'સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? તેમણે એમ પણ કહ્યું કે, કલમ 370 હટાવવાની બાબત પણ અમારા રાજકીય ફાયદા માટે હતી. અમે 1950થી કહી રહ્યા છીએ કે, અમે કલમ 370 હટાવીશું. તેમનો ઈતિહાસ એવો છે કે, તેઓ જે બોલે છે તે કરતા નથી, PM મોદીનો ઈતિહાસ એવો છે કે, BJPએ જે કંઈ કહ્યું, PM નરેન્દ્ર મોદીએ જે કંઈ કહ્યું તે કડક અને અડગ નિર્ણય (પથ્થર પર લકીર) છે. PM મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે.'

CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની ટિપ્પણી પર અમિત શાહે કહ્યું, 'એ દિવસ દૂર નથી જ્યારે BJP ત્યાં સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરાવશે. જો તમે આ પ્રકારની રાજનીતિ કરશો અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના આવા મહત્વપૂર્ણ મુદ્દા પર ઘૂસણખોરી કરાવશો અને શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરશો, તો જનતા તમારી સાથે રહેશે નહીં. CM મમતા બેનર્જી શરણ લેનાર લોકો અને ઘૂસણખોર લોકો વચ્ચેનો તફાવત નથી જાણતા.'

કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના પ્રશ્ન પર કે તેઓ તેમના રાજ્યોમાં CAA લાગુ નહીં કરે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 'આપણા બંધારણના અનુચ્છેદ 11માં, સંસદે નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર માત્ર અને માત્ર ભારતની સંસદને આપ્યો છે. આ કેન્દ્રનો વિષય છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સામાન્ય વિષય નથી. મને લાગે છે કે ચૂંટણી પછી બધા સહકાર આપશે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે.'

જ્યારે વિરોધ પક્ષોએ CAA નોટિફિકેશનના સમય પર સવાલો ઉઠાવ્યા ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, 'તમામ વિપક્ષી પાર્ટી, પછી તે અસદુદ્દીન ઓવૈસી હોય, રાહુલ ગાંધી હોય, CM મમતા બેનર્જી હોય કે CM કેજરીવાલ હોય, તેઓ જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે, તેથી સમયનું મહત્વ નથી. BJPએ 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે, અમે CAA લાવશું અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા શરણાર્થીઓને નાગરિકતા આપીશું..., 2019માં જ આ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે થોડો વિલંબ થયો હતો.' તેમણે કહ્યું, 'વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને વોટબેંકને મજબૂત કરવા માંગે છે. તેમનો પર્દાફાશ થયો છે અને દેશના લોકો જાણે છે કે, CAA આ દેશનો કાયદો છે. મેં 4 વર્ષમાં ઓછામાં ઓછા 41 વાર કહ્યું છે કે, CAA લાગુ કરવામાં આવશે અને તે પણ ચૂંટણી પહેલા.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp