શું સરકાર લોકોના હિત માટે ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે?સુપ્રીમ કોર્ટમાં ચર્ચા

PC: hindi.news18.com

દેશમાં પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ કહેવું ખતરનાક હશે કે કોઈ પણ સંસ્થા કે સરકારનો કોઈ વ્યક્તિની અંગત સંપત્તિ પર અધિકાર હોઈ શકે નહીં. સાથે જ એ કહેવું પણ ખતરનાક હશે કે, સરકાર જન કલ્યાણ માટે તેને પોતાના હાથમાં લઈ શકતી નથી. કોર્ટે કહ્યું કે, બંધારણનો હેતુ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે.

ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડના નેતૃત્વમાં નવ જજોની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. હકીકતમાં, મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન (POA) સહિત ઘણા પિટિશનરોએ દલીલ કરી હતી કે, સરકાર બંધારણની કલમ 39B અને 31C હેઠળ બંધારણીય યોજનાઓની આડમાં ખાનગી મિલકત પર કબજો કરી શકતી નથી.

સુપ્રીમ કોર્ટ એ મુદ્દા પર વિચાર કરી રહી છે કે, શું ખાનગી મિલકતોને બંધારણની કલમ 39B હેઠળ સમુદાયના ભૌતિક સંસાધન ગણી શકાય. ખંડપીઠે કહ્યું હતું કે, સમુદાયના ભૌતિક સંસાધનોનો અર્થ માત્ર જાહેર સંસાધનો છે અને કોઈ વ્યક્તિની ખાનગી મિલકત નથી તેવું સૂચવવું ગૌરવપૂર્ણ રહેશે.

આવું વિચારવું કેમ ખતરનાક છે, તે સમજાવતાં બેન્ચે કહ્યું કે, અમારા માટે એ કહેવું ખૂબ જ ખતરનાક હશે કે, કલમ 39B હેઠળ ખાનગી જંગલો પર સરકારી નીતિઓ લાગુ નહીં થાય, એટલા માટે તેનાથી દૂર રહો, એ બહુ ખતરનાક હશે.

કોર્ટે કહ્યું કે, જ્યારે 1950ના દાયકામાં બંધારણ બનાવવામાં આવ્યું હતું, ત્યારે તેનો ઉદ્દેશ્ય સામાજિક પરિવર્તન લાવવાનો હતો, તેથી અમે એમ ન કહી શકીએ કે, ખાનગી સંપત્તિને કલમ 39Bના દાયરામાં ન લાવી શકાય.

હકીકતમાં, આ સમગ્ર મામલો મહારાષ્ટ્ર સરકારના 1976ના મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એક્ટ સાથે સંબંધિત છે. આ કાયદામાં એવી જોગવાઈ છે કે, સરકાર કોઈપણ મકાન કે જમીન પહેલાથી સંપાદિત કરી શકે છે. આ કાયદા વિરુદ્ધ પહેલી અરજી 1992માં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.

આ કાયદાનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જર્જરિત ઈમારતોનો કબજો લેવાનો અધિકાર આપતો મહારાષ્ટ્ર કાયદો માન્ય છે કે નહીં તે સંપૂર્ણપણે અલગ મુદ્દો છે અને તેનો નિર્ણય અલગથી લેવામાં આવશે. આ પછી કોર્ટે પૂછ્યું કે, શું એકવાર મિલકત ખાનગી થઈ જાય પછી તે કલમ 39Bના દાયરામાં આવે છે કે નહીં?

કોર્ટે કહ્યું કે, સમાજવાદી ખ્યાલમાં કોઈપણ મિલકતને ખાનગી ગણવામાં આવી નથી. સમાજવાદી ખ્યાલ માને છે કે, દરેકને મિલકતનો અધિકાર છે. પરંતુ અહીં આપણે આપણી ભાવિ પેઢી માટે આપણી મિલકત રાખીએ છીએ. પરંતુ અમે તે મિલકતને વ્યાપક સમુદાય માટે ટ્રસ્ટમાં પણ રાખીએ છીએ. આ સાતત્યપૂર્ણ વિકાસનો સંપૂર્ણ ખ્યાલ છે.

બેન્ચે કહ્યું કે, બંધારણમાં કલમ 39B ઉમેરવામાં આવી છે, કારણ કે તેનો હેતુ સામાજિક પરિવર્તન લાવવાનો છે. તેથી, આપણે એટલું કહીએ નહીં કે કોઈપણ મિલકત ખાનગી હોવાથી, કલમ 39B તેના પર લાગુ થશે નહીં.

કલમ 39Bએ સુનિશ્ચિત કરવા માટે સરકારને નીતિઓ બનાવવી જરૂરી છે કે, સમુદાયના ભૌતિક સંસાધનોની માલિકી અને નિયંત્રણ લોકોના સામાન્ય કલ્યાણ માટે અનુકૂળ હોય.

સુપ્રીમ કોર્ટના 9 ન્યાયાધીશોની ખંડપીઠ મુંબઈ સ્થિત પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશનની મુખ્ય અરજી સહિત 16 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. POAએ પોતે 1992માં અરજી દાખલ કરી હતી. 2002માં, કેસ નવ ન્યાયાધીશોની બેન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અગાઉ આ અરજીની સુનાવણી પણ ત્રણ અને પાંચ જજોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp