છેલ્લા 5 વર્ષમાં ભારત છોડી કેનેડાની નાગરિકતા લેનારાનો આંકડો ચોંકાવનારો છે
ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વિદેશ મંત્રાલયના આંકડાથી જાણ થઇ છે કે જાન્યુઆરી 2018થી જૂન 2023ની વચ્ચે 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા લઇ લીધી છે. આ સંખ્યા ભારતીય નાગરિકતા છોડનારા કુલ લોકોના 20 ટકા છે. કેનેડા ભારતીયોનો બીજો સૌથી પસંદગીનો દેશ બની ગયો છે.
આ લિસ્ટમાં પહેલા સ્થાને અમેરિકા છે, જેની નાગરિકતા માટે સૌથી વધારે સંખ્યામાં ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી. કેનેડા પછી ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયા અને ચોથા સ્થાને બ્રિટન છે. આ દેશોમાં રહેવા માટે પણ ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે. જાન્યુઆરી 2018થી જૂન 2023ની વચ્ચે લગભગ 8.4 લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી અને 114 અલગ અલગ દેશોની નાગરિકતા અપનાવી છે.
ભારતની નાગરિકતા છોડનારા 58 ટકા ભારતીયોએ કેનેડા અને અમેરિકા જવુ પસંદ કર્યું. ભારતની નાગરિકતા છોડવાનો આ ટ્રેન્ડ દર વર્ષે વધતો દેખાઇ રહ્યો છે. જોકે 2020માં કોરોના મહામારીના કારણે આમા ઘટાડો જોવા મળ્યો હતો. 2018માં ભારતની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 1.3 લાખ હતી, જે 2022માં વધીને 2.2 લાખ થઇ. જૂન 2023 સુધીમાં તો લગભગ 87000 ભારતીયોએ વિદેશી નાગરિકતા લેવાનો વિકલ્પ પસંદ કર્યો.
ઈમિગ્રેશન એક્સપર્ટ વિક્રમ શ્રોફનું કહેવું છે કે, ઘણાં ભારતીયો એ દેશોમાં જવાનું વધારે પસંદ કરે છે જ્યાં અંગ્રેજી ભાષા વધારે વપરાતી હોય છે. પ્રવાસી બનવાના ઘણાં કારણ છે. જેમકે, ઉચ્ચ જીવનધોરણ, બાળકોનું ભણતર, રોજગારની સારી તકો, સ્વાસ્થ્ય સુવિધા. કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ ઘર અને નાગરિકતા હાસલ કરવાના નિયમોને સરળ બનાવી દીધા છે. જેના દ્વારા તેઓ વિદેશી ટેલેન્ટને પોતાના દેશમાં આકર્ષિત કરી રહ્યા છે.
ખેર, ભારત અને કેનેડાની વચ્ચે ખાલીસ્તાની આંતકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડને લઇ ગયા સોમવારથી વિવાદ શરૂ થયો હતો. કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ ત્યાંની સંસદમાં કહ્યું હતું કે, નિજ્જરની હત્યા પાછળ સંભાવિત રીતે ભારતનો હાથ છે. તેમના આ આરોપોના જવાબમાં ભારતે તેને ફગાવતા કહ્યું કે, કેનેડાના આરોપો પાયા વિનાના છે.
ત્યાર પછી ભારતીય મૂળના હિંદુઓ માટે કેનેડામાં મુશ્કેલીઓ વધી ગઇ છે. સોશિયલ મીડિયા પર ઘણાં એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં ખાલિસ્તાન સમર્થક ભારતીય મૂળના હિંદુઓને કેનેડા છોડવાની ધમકી આપી રહ્યા છે. બીજી બાજુ ભારતે તણાવ વધતા કેનેડા સાથે વીઝા સેવાઓ બંધ કરી દીધી છે. જેને લઇ ત્યાં રહેતા ભારતીયો માટે મુશ્કેલી વધી ગઇ છે.
પરંતુ હવે એક વાત નક્કી છે કે હવે ગ્લોબલાઇઝેશનને અટકાવવું અઘરૂં છે. આપણે જેટલા જલ્દી તેનાથી ટેવાઇ જશું એટલું સારૂં છે. કારણ કે નવી પેઢી ગ્લોબલ રીતે જ વિચારે અને કામ કરે છે. દુનિયા નાની થઇ ગઇ છે. ભારતનો જેમ જેમ આર્થિક વિકાસ થતો જશે તેમ તેમ લોકો દુનિયાભરમાં જતા થશે અને નાગરિકતા પણ લેશે. એટલે આને ભારત સારૂં નથી એટલે જાય છે તેવું કહેવું યોગ્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp