ભારતમાં વધશે કેન્સરનો પ્રકોપ, ICMRએ આપી ચેતવણી, જણાવ્યા આ કારણો

PC: insurancedekho.com

દેશમાં આવનારા ત્રણ વર્ષોમાં કેન્સર ઝડપથી વધવાનું છે. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્યો છે. ICMR એ 2025 સુધી કેન્સરના કેસોમાં 12.7 ટકાનો વધારો થવાની વાત કહી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્સરના વધતા આંકડાને જોતા વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 2020માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના અંદાજિત મામલા 2020માં 13.92 લાખ હતા જે 2021માં વધીને 14.26 લાખ થયા અને 2022માં વધીને 14.61 લાખ પર પહોંચી ગયા હતા.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, દેશમાં હૃદય રોગ અને શ્વાસની બીમારીઓ જ નહીં પરંતુ, કેન્સરના મામલા પણ વધી રહ્યા છે. કેન્સરના વધતા પ્રસાર માટે ઘણા પ્રકારના ફેક્ટર્સ જવાબદાર છે જેમા વધતી ઉંમર, જીવનશૈલીમાં બદલાવ, વ્યાયામ અને પૌષ્ટિક આહારની કમી સામેલ છે. ઘણીવાર લોકોને કેન્સરના લક્ષણોની પૂરી જાણકારી નથી હોતી, જેને કારણે સમય પર તેમનામાં બીમારીની જાણકારી મળી નથી શકતી અને સારવારમાં પણ વિલંબ થઈ જાય છે. જલ્દી સારવાર ના મળવાના કારણે કેન્સર વધી જાય છે. આથી લોકોની વચ્ચે કેન્સર અંગે જાગૃતતા ફેલાવવી પણ ખૂબ જ જરૂરી છે.

છેલ્લાં કેટલાક વર્ષોના આંકડાઓ અનુસાર, ભારતમાં પુરુષોમાં સૌથી વધુ મોઢાં અને ફેફસા કેન્સરના મામલા સામે આવે છે. જ્યારે મહિલાઓમાં સૌથી વધુ મામલા બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરના રહ્યા. બેંગલુરુ સ્થિત ICMR નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઈન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) અનુસાર, 2015થી 2022 સુધી તમામ પ્રકારના કેન્સરના આંકડામાં આશરે 24.7 ટકાનો વધારો થયો છે. 14 વર્ષની ઉંમરના બાળકોમાં લિમ્ફોઈડ લ્યુકેમિયા એટલે કે બ્લડ સાથે સંકળાયેલા કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. કેન્સરથી બચવા માટે તેના વિશે જાગૃતતા ફેલાવવી જરૂરી છે.

કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટો ઓન્કોલોજિસ્ટ ડૉ. સુહાસ આગ્રેના જણાવ્યા અનુસાર, વૃદ્ધાવસ્થા, ફેમિલી હિસ્ટ્રી, જેનેટિક્સ, મેદસ્વિતા, તંબાકુનું સેવન, દારૂ, વાયરલ સંક્રમણ જેવા હ્યુમન પેપિલોમાવાયરસ (HPV), વાતાવરણમાં કેમિકલ્સ, પ્રદૂષણ, સૂર્યના હાનિકારક યુવી કિરણોનો સંપર્ક, ખરાબ આહાર, શારીરિક ગતિવિધિની ઉણપ અને કેટલાક હોર્મોન અને બેક્ટેરિયા આ ભયાનક બીમારીના ફેલાવાના કારણોમાં સામેલ છે. આ બીમારીથી બચવા માટે જરૂરી છે કે, કેન્સરના લક્ષણ દેખાતા જ તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જૈન મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. તનવીર અબ્દુલ મજીદ કહે છે, ભારતમાં કેન્સરના મામલા વધી રહ્યા છે. કેન્સર માત્ર વધુ આબાદી અથવા વયસ્કોને જ પ્રભાવિત કરી રહ્યો છે એવુ નથી પરંતુ, નાની ઉંમરના યુવાનોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. કેન્સરનું સમય પર નિદાન અને સારવાર ના મળવા પર માણસનું મોત થઈ જાય છે. ભારતમાં પુરુષોમાં સૌથી સામાન્ય મોઢાનું કેન્સર, ફેફસા, માથુ અને પ્રોસ્ટેટિક કેન્સર છે જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ અને ગર્ભાશય ગ્રીવાનું કેન્સર સૌથી સામાન્ય છે.

ડૉ. સુહાસ આગ્રે કહે છે, લોકોએ કેન્સરથી બચવા માટે તંબાકૂ અને દારૂથી દૂર રહેવુ જોઈએ. સંતુલિત આહાર લેવો જોઈએ અને દરરોજ વ્યાયામ કરવો જોઈએ. હેપેટાઈટિસ બી, હ્યુમન પેપિલોમાવાયરસ માટે વેક્સીન મુકાવો. નિયમિત સ્ક્રીનિંગ અને પ્રદૂષણથી દૂર રહેવુ પણ જરૂરી છે. જો કોઈની ફેમિલી હિસ્ટ્રીમાં આ બીમારી રહી હોય તો તે પરિવારના સભ્યોએ તરત જ પોતાની તપાસ કરાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp