વિપક્ષની અરજી- ED, CBIનો દુરુપયોગ થાય છે, સુપ્રીમે અરજી ફગાવીને જાણો શું કહ્યું

PC: PIB

વિરોધ પક્ષો દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો થયા હતા અને સુપ્રીમ કોર્ટ પાસે તેના પર કંઈક પગલાં લેવાની માગણી થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ સુનાવણી કરવા જઈ રહી નથી. વિરોધ પક્ષોએ તેમની અરજી પાછી ખેંચવી પડી છે.

અહીં જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 14 વિપક્ષી પાર્ટીઓએ મળીને એક અરજી દાખલ કરી હતી. તે અરજી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પિટિશન પાછી ખેંચવી પડી હતી.

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દેશમાં નેતાઓ માટે અલગ નિયમો ન હોઈ શકે, તેથી જ આ અરજી પર સુનાવણી શક્ય નથી. જો કે, વિપક્ષ વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આંકડા દર્શાવે છે કે 885 પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, માત્ર 23માં દોષિત ઠેરવવામાં આવી હતી. આવી સ્થિતિમાં 2004થી 2014 સુધીમાં લગભગ અડધી અધૂરી તપાસ થઈ હતી. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે 2014 થી 2022 સુધી ED દ્વારા 121 રાજકીય નેતાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 95% વિરોધ પક્ષના છે.

તેના પર CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આ એક કે બે પીડિતોની અરજી નથી. આ 14 રાજકીય પક્ષોની અરજી છે. શું આપણે અમુક ડેટાના આધારે કહી શકીએ કે, સ્ક્રુટિનીમાં છૂટ મળવી જોઈએ?

તમારા આંકડા તેમની જગ્યાએ સાચા છે. પરંતુ શું રાજકારણીઓ પાસે તપાસ ટાળવાનો કોઈ વિશેષાધિકાર છે. છેવટે, રાજકારણીઓ પણ દેશના નાગરિક છે.

કોર્ટે પૂછ્યું કે, તમે ઈચ્છો છો કે 7 વર્ષ સુધીની સજાના મામલામાં જો શરતોનું ઉલ્લંઘન ન થઈ રહ્યું હોય તો ધરપકડ ન કરવી જોઈએ. જો બાળક સાથે અત્યાચાર કે બળાત્કાર જેવો કોઈ કેસ ન બને તો ધરપકડ ન થવી જોઈએ. તે આપણે કેવી રીતે કહી શકીએ. જો આ કરવું જ હોય તો વિધાનસભાનું કામ છે. અમે રાજકારણીઓ માટે અલગ માર્ગદર્શિકા બનાવી શકતા નથી. હવે સુપ્રીમ કોર્ટની આ દલીલો બાદ વિપક્ષે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 24 માર્ચે 14 વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તે સમયે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ યુનાઈટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ) નેશનલ કોન્ફરન્સ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, CPI, CPM, DMK વતી અરજી દાખલ કરવામાં આવી હતી.

જો કે, આ તમામ રાજકીય પક્ષોનો તર્ક એક જ છે. લોકશાહી ખતરામાં છે અને કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ વિપક્ષના નેતાઓએ સતત કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીને બિન-BJP રાજકીય પક્ષો પર ભીંસમાં મૂકી હતી. વિપક્ષી નેતાઓએ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને CBI અને EDનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

હવે આ આરોપો એટલા માટે પણ લગાવવામાં આવ્યા કારણ કે, છેલ્લા કેટલાક મહિનામાં ઘણા વિપક્ષી નેતાઓ સામે ED-CBIની કાર્યવાહી જોવા મળી છે. સૌથી મોટો ફટકો આમ આદમી પાર્ટી માટે હતો કારણ કે, તેમના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન પહેલાથી જ જેલમાં જ રહ્યા છે. AAP ઉપરાંત, પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડમાં TMCના ઘણા નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝારખંડમાં CM હેમન સોરેન સામે પણ પડકારો વધતા ગયા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં તપાસ એજન્સીઓના દુરુપયોગ અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંથી ઝટકો લાગ્યો હોવાથી BJPને નિશાન સાધવાનો મોકો મળ્યો.

મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, વિરોધ પક્ષો ખુલ્લા પડી ગયા છે, ભ્રષ્ટાચારીઓનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે. હાલ આ મામલે વિપક્ષી નેતાઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp