પીવાના પાણીથી કાર ધોઈ, બાંધકામમાં વાપર્યું..22 સામે FIR, 1.10 લાખનો દંડ

PC: jagran.com

ભારતની સિલિકોન વેલી બેંગલુરુ હાલમાં ભયંકર જળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના 240માંથી 223 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પાણીની કટોકટી એટલી ગંભીર છે કે, પીવાના પાણીના અન્ય ઉપયોગો પર પ્રતિબંધથી, 22 લોકો સામે FIR પણ નોંધવામાં આવી છે, જ્યારે એક લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB)એ માર્ચના બીજા સપ્તાહમાં શહેરમાં વાહન ધોવા, બાગકામ, બાંધકામ અને અન્ય હેતુઓ માટે પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. બોર્ડના અધ્યક્ષ રામ પ્રશાંત મનોહર કહે છે કે, અમને મોટાભાગની ફરિયાદો દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી મળી રહી છે. અમે લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી છે અને ચેતવણી પણ બહાર પાડી છે.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, અન્ય હેતુઓ માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા બદલ બેંગલુરુના 22 પરિવારો પર 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 1.1 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ગયા અઠવાડિયે, વહીવટીતંત્રે હોળીને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો લાગુ કર્યા હતા. બોર્ડે વ્યાપારી અને મનોરંજન કેન્દ્રોને હોળી માટે પૂલ પાર્ટીઓનું આયોજન કરવા માટે કાવેરી નદી અથવા બોરવેલના પાણીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અગાઉ કહ્યું હતું કે, બેંગલુરુમાં જળ સંકટ સતત વધી રહ્યું છે. બેંગલુરુ દરરોજ લગભગ પચાસ કરોડ લિટર પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. શહેરને દરરોજ 147 કરોડ લિટર પાણી કાવેરી નદીમાંથી મળે છે જ્યારે 65 કરોડ લિટર પાણી બોરવેલમાંથી આવે છે.

તાજેતરમાં જ, મીડિયા સૂત્રોએ કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે, ભૂગર્ભ નેટવર્ક બેંગલુરુમાં બોરવેલમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢવામાં અને નફાખોરી યોજનાઓમાં રોકાયેલું છે. 1.4 કરોડની વસ્તી ધરાવતા બેંગલુરુમાં વોલમાર્ટ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે પરંતુ બેંગલુરુ નબળા ચોમાસાના કારણે સતત ભૂગર્ભ જળ, જળાશય અને અતિશય શહેરીકરણનો સામનો કરી રહ્યું છે.

બેંગલુરુમાં પીવાના પાણીની સતત અછત વચ્ચે, મીડિયા સૂત્રોએ કરેલી તપાસમાં પાણીના ટેન્કર માફિયાઓ બહાર આવ્યા છે, જેઓ કાયદાનો ભંગ કરીને સરકારી નોંધણી વગર આડેધડ પાણી વેચી રહ્યા છે.

કર્ણાટક છેલ્લા ચાલીસ વર્ષમાં સૌથી મોટા જળ સંકટનો સામનો કરી રહ્યું છે. હાલમાં જ કર્ણાટકના ડેપ્યુટી CM DK શિવકુમારે કહ્યું હતું કે, છેલ્લા 30થી 40 વર્ષમાં આવો દુષ્કાળ જોયો નથી. જોકે, અગાઉ પણ અહીં દુષ્કાળ પડ્યો છે. પરંતુ અમે તાલુકાઓને આટલા મોટા પાયે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp