ચંદીગઢ મેયર ચૂંટણી: મત પર ક્રોસ લગાવ્યાનું ઓફિસરે કબુલ્યું, હવે શું થશે?

PC: thejbt.com

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોએ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વાયરલ વીડિયો સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો, જેના પછી CJI DY ચંદ્રચુડ ચૂંટણી અધિકારી પર ગુસ્સે થયા હતા. આજે કોર્ટમાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું.

બેન્ચે આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને પૂછ્યું કે, શું તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું છે કે નહીં. અનિલ મસીહે, જે રિટર્નિંગ ઓફિસર હતા, તેણે કબૂલાત કરી હતી કે, આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર આવીને બેલેટ પેપર લઈને ફાડીને ભાગી ગયો હોવાથી તેણે આવું કર્યું હતું. આના પર બેન્ચે પૂછ્યું કે, ક્રોસ કેમ લગાવવામાં આવ્યો તો અનિલ મસીહે કહ્યું કે, તે પેપર પર માર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સુપ્રિમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કબૂલ્યું હતું કે, તેમણે નિશાન લગાવ્યું હતું. આવી સ્થિતિમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે, અમે ડેપ્યુટી કમિશનરને નવા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવા કહીશું. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આની દેખરેખ રાખવા માટે કહીશું.

કોર્ટે કહ્યું કે, અમે રજિસ્ટ્રાર જનરલ હાઈકોર્ટને આ ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ સાથે અમારી પાસે આવવા માટે કહીશું. અમે આવતીકાલે મંગળવારે આ મામલે સુનાવણી કરીશું. કોર્ટે કહ્યું કે, બેલેટ પેપર જે રજિસ્ટર જર્નલ પાસે છે, તેને ન્યાયિક અધિકારી સવારે 10.30 વાગ્યે અમારી પાસે લાવશે.

આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર નેહા મુસાવત, ગુરચરણ કાલા અને પૂનમ દેવી હવે BJPમાં જોડાઈ ગયા છે. ત્યાર પછી હવે મેયરની ચૂંટણીની આખી રમત બદલાઈ ગઈ છે. હવે મેયરની ચૂંટણી માટે BJP પાસે સંપૂર્ણ બહુમતી છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મેયર મનોજ સોનકરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હકીકતમાં, સર્વોચ્ચ અદાલતે પહેલાથી જ ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો હતો.

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાઈ હતી, તે સમયે BJPના 14 કાઉન્સિલર હતા. સંખ્યાની દૃષ્ટિએ BJP સૌથી મોટો પક્ષ હતો. તે પછી આમ આદમી પાર્ટી પાસે 13 ધારાસભ્યો હતા, જ્યારે કોંગ્રેસ પાસે 7 ધારાસભ્યો હતા. આ સિવાય એક કાઉન્સિલર શિરોમણી અકાલી દળના છે. ચંદીગઢના સાંસદે પણ પોતાનો મત આપ્યો. મેયરની ચૂંટણી AAP-કોંગ્રેસ સંયુક્ત રીતે લડી હતી. આ હિસાબે AAPનો મેયર બનવો જોઈતો હતો, પરંતુ AAP-કોંગ્રેસના 8 મત રદ થતાં 16 મત મેળવનાર BJP પક્ષના મેયર બની ગયા હતા.

આ પછી AAP અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મેયરની ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર રહેલા અનિલ મસીહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને AAP અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો.

ચંદીગઢના મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. કથિત હેરાફેરી અંગે કોંગ્રેસ અને AAPની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી અને બેલેટ પેપર સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડે મેયરની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર રહેલા અનિલ મસીહને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, 'CCTV ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે, તેણે (પ્રિસાઇડિંગ ઓફિસર) બેલેટ પેપર બગાડ્યા હતા. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ લોકશાહીની મજાક છે. લોકશાહીની હત્યા થઈ રહી છે, અમને નવાઈ લાગે છે.'

ચંદીગઢમાં મેયરની ચૂંટણી અગાઉ 18 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ અનિલ મસીહ કથિત રીતે બીમાર પડ્યા હતા. જેના કારણે ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી. ત્યાર પછી પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ચૂંટણીની તારીખ 30 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. CCTV દ્વારા પણ ચૂંટણી પર નજર રાખવામાં આવી હતી, પરંતુ ચૂંટણીમાં કથિત રીતે ગેરરીતિ થઈ હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી રદ કરવાની તેમજ મેયરની ચૂંટણી ફરીથી કરાવવાની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp