જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધમાલ, MP રાશિદના ભાઈએ 370 પર બેનર બતાવ્યા પછી હંગામો

PC: ANI

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે ભારે હોબાળો થઇ રહ્યો છે. વિધાનસભામાં કલમ 370ને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવ સાથે જોડાયેલો છે.

બારામુલ્લાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370નું બેનર બતાવ્યું, ત્યારપછી પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. BJPના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાનો વિરોધ કર્યો હતો.

વિધાનસભામાં સ્થિતિ એવી બની કે, માર્શલને બચાવમાં આવવું પડ્યું હતું. વિધાનસભામાં હંગામો મચાવતા કેટલાક વિપક્ષી ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે ખુર્શીદ અહેમદ શેખ લંગેટ વિધાનસભા બેઠક પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા માટે ઠરાવ રજૂ કર્યો હતો.

BJP નેતા નિર્મલા સિંહે કહ્યું કે, 370 હવે ઈતિહાસ બની ગયો છે. ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. જ્યારે, BJP નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, 370 એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાનની માનસિકતાને જન્મ આપ્યો. આવી સ્થિતિમાં વિધાનસભામાં 370 પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે લાવવો અને તેને ચોરોની જેમ ઉતાવળે, ગુપ્ત રીતે રજૂ કરવો એ દર્શાવે છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગાડવા માંગે છે. આ ભારત માતાની પીઠ પર કોંગ્રેસ દ્વારા ભોંકાયેલું ખંજર છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને NC હકીકતમાં કાશ્મીરમાં આતંકવાદીઓના એજન્ડાને પૂરા કરવાનું કાવતરું કરી રહ્યા છે. પરંતુ BJP વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના આ કાવતરાનો સખત અને જોરદાર મુકાબલો કરશે, પરંતુ આ એજન્ડાને અહીં ચાલવા દેશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, છ વર્ષ પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સત્ર થઈ રહ્યું છે. આ પાંચ દિવસીય સત્ર સોમવારથી શરૂ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ, કેન્દ્ર સરકારે કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp