25 વર્ષનો યુવક 17 લાખમાં 23 વર્ષની દુલ્હનને પરણીને લાવ્યો, 15 દિવસમાં જ...

PC: twitter.com

પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લૂંટેરી દુલ્હનનો ભોગ બનનાર 25 વર્ષીય યુવક રાજસ્થાનના ઝાલૌરનો રહેવાસી છે. તેણે રૂ.17 લાખની મોટી રકમ ચૂકવીને 23વર્ષની કન્યા સાથે ફેરા ફર્યા હતા. પણ વરરાજાના ક્યાં ખબર હતી કે દુલ્હન 15 દિવસમાં ફરાર થઈ જવાની છે. લૂંટાયેલા યુવકે પોલીસની મદદ લીધી હતી. પોલીસે કન્યાની શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી લૂંટેરી દુલ્હનનો પત્તો મળ્યો નથી.

પરંતુ તેનો દલાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે આ વ્યક્તિની આકરી ઢબે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ સાથે જ દુલ્હનની શોધમાં પોલીસે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર લગભગ સાત મહિના જૂનો આ મામલો છે. ઝાલૌર જિલ્લાના બગોડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુની બાલીનો રહેવાસી યુવક લૂંટેરી દુલ્હનની જાળમાં ફસાઈ ગયો હતો. તા.2 જૂન, 2021 ના રોજ, જુની બાલીના રહેવાસી હરિસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું કે તેના લગ્ન ફેબ્રુઆરી 2021માં થયા હતા. લગ્ન કરાવવાના નામે એક દલાલે તેની પાસેથી રૂ.17 લાખ લીધા હતા. લગ્નના 15 દિવસ બાદ દુલ્હન પીયરમાં ગઈ હતી. પરંતુ તે પછી તે ક્યારેય પાછી ફરી નથી. દુલ્હન વિશે ખબર પડી તો જાણવા મળ્યું કે, યુવક સાથે મોટી છેત્તરપિંડી થઈ છે. લગ્ન એક પ્રકારનું નાટક હતું.

પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલાની સૂચનાથી બગોડા પોલીસ અધિકારી છત્તરસિંહના નેતૃત્વમાં એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. દુલ્હન અને દલાલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સોમવારે સાત મહિનાની લાંબી દોડધામ બાદ પોલીસે ગુજરાતના પાટણના સિદ્ધપુર વિસ્તારમાં હાથદેથલીમાં રહેતા મુખ્ય દલાલ અંદુજી ઉર્ફે ઈન્દુભાઈ, પુત્ર બચ્ચુ દરબાર ઠાકુરને આ કેસમાં રંગે હાથે ઝડપી લીધો હતો.

મંગળવારે આરોપીને ભીનમાલ કોર્ટમાં રજૂ આવ્યો હતો. પણ આ કેસમાં હજુ સુધી દુલ્હનનો કોઈ પત્તો મળ્યો નથી. રાજસ્થાન પોલીસ ગુજરાતના જુદા જુદા સ્થળે તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લગ્ન દરમિયાન બતાવેલા યુવતીના દસ્તાવેજો પણ નકલી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટેરી દુલ્હન અને તેના દલાલોએ પોતાની મજબૂત માયાજાળ બનાવી છે. તેઓ અવિવાહિત યુવકોને ફસાવે છે. જેઓ અહીં લગ્ન કરી શકતા નથી. પછી મોટી રકમ લઈને નકલી દુલ્હન સાથે લગ્ન કરાવે છે. પછી દુલ્હન પતિના ઘરેથી ગણતરીના દિવસોમાં પૈસા લઈને ફરાર થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp