મહારાષ્ટ્રના રાજકારણમાં હવે શું બાકી છે? છગન ભુજબળ અચાનક શરદ પવારના ઘરે પહોંચ્યા

PC: maharashtramirror.com

ઘણા દિવસોથી મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં નવી રાજકીય ઉથલપાથલ થવાની છે. એવા સમાચાર હતા કે, મહારાષ્ટ્રના DyCM અજિત પવારના જૂથના કેટલાક નારાજ નેતાઓ તેમના કાકા શરદ પવાર સાથે પાછા જઈ શકે છે. આજે અચાનક અજીત જૂથના દિગ્ગજ નેતા છગન ભુજબળ પવારને મળવા પહોંચ્યા હતા. હવે આ બેઠક પર અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પરામર્શ એવા સમયે થઈ રહી છે, જ્યારે એક દિવસ અગાઉ છગન ભુજબળે શરદ પવાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને લોકોને જે રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તેની પાછળ શરદ પવારનો હાથ છે. આજે તેઓ તેમને મળવા આવ્યા છે. શું આ બેઠક મરાઠા આરક્ષણ મુદ્દે છે કે પછી એજન્ડામાં કંઈક બીજું છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે, છગન ભુજબળે પવારને મળવાની કોઈ આગોતરી માહિતી પણ આપી ન હતી.

થોડા સમય પહેલા એવી અટકળો પણ ચાલી રહી હતી કે, ભુજબળ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ માત્ર NCP સાથે છે.

શરદ પવારે NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ની રચના કરી હતી, પરંતુ થોડા મહિના પહેલા તેમના ભત્રીજાએ બળવો કરીને પાર્ટી તોડી નાખી હતી. ચૂંટણી પંચે પણ અજિત પવારના જૂથને અસલી NCP ગણાવ્યું હતું. હવે આજની બેઠકથી નવા સમીકરણો સર્જાઈ શકે છે.

એક દિવસ પહેલા, મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર પર છૂપો હુમલો કરતા દાવો કર્યો હતો કે, વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA)એ 9 જુલાઈના રોજ બારામતીથી 5 વાગ્યે કોલ મળ્યા પછી મરાઠા અનામત મુદ્દે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બારામતીમાં એક રેલીને સંબોધતા ભુજબળે કહ્યું, 'જ્યારે સામાજિક મુદ્દાઓ સામે આવે છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાએ બેઠકમાં આવવું જોઈએ અને તેમના સૂચનો આપવા જોઈએ. પહેલા જાણી જોઈને બહિષ્કાર કરવો અને પછી સલાહ આપવી એ યોગ્ય નથી.'

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા DyCM અજિત પવારે પણ આ રેલીને સંબોધિત કરી હતી. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ 9 જુલાઈના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ MVA નેતાઓએ હાજરી આપી ન હતી. તેઓએ (MVA નેતાઓ) દાવો કર્યો હતો કે, મરાઠા આરક્ષણના મુદ્દે વિપક્ષને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. ભુજબળે દાવો કર્યો કે, 'સાંજે 5 વાગ્યે બારામતીથી ફોન આવ્યા પછી વિપક્ષી નેતા બેઠકમાં આવ્યા ન હતા.'

પુણે જિલ્લાનો બારામતી લોકસભા મતવિસ્તાર NCP (SP) નેતા શરદ પવારનો ગઢ છે. ભુજબળે કહ્યું કે, તેમણે રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને NCP (SP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડને બેઠકમાં હાજરી આપવા જણાવ્યું છે. NCP નેતાએ કહ્યું, 'મેં આવ્હાડને બેઠકમાં હાજરી આપવા માટે શરદ પવારને પણ સાથે લાવવા કહ્યું હતું. પવાર સાહેબે (પૂર્વ PM સ્વર્ગસ્થ) VP સિંહ દ્વારા આપવામાં આવેલ આરક્ષણનો અમલ કર્યો અને આ માટે અમે હંમેશા તેમના આભારી છીએ.'

ભુજબળે બારામતીના મરાઠા, ધનગર અને OBC સમુદાયના લોકોના હિતોની કથિત અવગણના કરવા બદલ વિપક્ષને સવાલ કર્યો હતો. તેમણે કહ્યું, 'બારામતીના મરાઠા, માલી અને ધનગર OBC સમુદાયના લોકોએ સુનેત્રા પવાર અથવા સુપ્રિયા સુલે (લોકસભાની ચૂંટણીમાં)ને મત આપ્યા હશે. તમે અમારાથી ગુસ્સે થઈ શકો છો, પરંતુ તમે આ સમુદાયોને કેમ લાચાર છોડી રહ્યા છો? શું તેમના હિતોનું રક્ષણ કરવું એ તમારી ફરજ નથી?'

સુલેએ DyCM અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવીને બારામતી લોકસભા બેઠક પર પોતાની પકડ જાળવી રાખી હતી. સર્વપક્ષીય બેઠકના બહિષ્કારને કારણે રાજ્યની વિધાનસભામાં હોબાળો થયો અને શાસક પક્ષે વિપક્ષ પર રાજકીય લાભ માટે જાણીજોઈને જાતિ તણાવ ઉશ્કેરવાનો અને અનામતના મુદ્દાને ઉકેલવા માટે રચનાત્મક રીતે કામ ન કરવાનો આરોપ લગાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp