શાળામાં બાળકોએ નમાઝ અદા કરી, હિન્દુ સંગઠનોનો વિરોધ, પ્રિન્સિપલ સસ્પેન્ડ

PC: indiatv.in

ઉત્તર પ્રદેશના ઠાકુરગંજ વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ પઢવાને લઈને વિવાદ ઉભો થયો છે. હિન્દુ સંગઠનોના વિરોધને પગલે શનિવારે શાળાના મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને બે શિક્ષકો સામે વિભાગીય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં લખનઉના ઠાકુરગંજ વિસ્તારમાં નેપિયર રોડ પર આવેલી સરકારી પ્રાથમિક શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ પઢતા જોઈ શકાય છે.

હિંદુ સંગઠનના આગેવાનોએ શનિવારે શાળામાં હંગામો મચાવ્યો હતો અને સ્કૂલની મુખ્ય શિક્ષિકા સાથે ઉગ્ર દલીલ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સરકારી શાળામાં ધોરણ 1-5ના મોટાભાગના વિદ્યાર્થીઓ મુસ્લિમ સમુદાયના છે. લખનઉના બેઝિક એજ્યુકેશન ઓફિસર અરુણ કુમાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિન્સિપાલ મીરા યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે શિક્ષકો મમતા મિશ્રા અને તહઝીબ ફાતિમા સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર લખનઉના બેઝિક એજ્યુકેશન ઓફિસર અરુણ કુમારે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, સાત-આઠ વિદ્યાર્થીઓ કેટલીક એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા, જે શાળાના પરિસરમાં ન થવી જોઈતી હતી. એવું જાણવા મળ્યું છે કે, શાળામાં છેલ્લા કેટલાક સમયથી નમાઝ અદા કરવામાં આવી રહી હતી, અમે આ મામલે મુખ્ય શિક્ષિકા (ઈન્ચાર્જ) મીરા યાદવને સસ્પેન્ડ કરી દીધા છે અને વિભાગે વીડિયોની પણ નોંધ લીધી છે. આ બાબતે તપાસ ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમદાવાદ, ગુજરાતની એક ખાનગી શાળામાં એક જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે થયેલી આ પ્રકારની ઘટનામાં હંગામો થયો હતો, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓને કથિત રીતે નમાઝ અદા કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી, દક્ષિણપંથી કાર્યકરોએ મંગળવારે વિરોધ કર્યો જ્યારે રાજ્ય સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો.

ઘટનાનો એક વીડિયો શાળાના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક ધોરણનો એક વિદ્યાર્થી નમાઝ અદા કરતો જોઈ શકાય છે. આ પછી અન્ય ચાર વિદ્યાર્થીઓએ પણ તેની સાથે ‘લેબ પે આતી હૈ દુઆ’ ગાયું. પરંતુ ત્યાર પછી આ વીડિયોને સ્કૂલના ફેસબુક પેજ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ અને અન્ય દક્ષિણપંથી સંગઠનોએ શાળા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp