ચોકી ઈન્ચાર્જે લાંચમાં 5Kg બટાકા માંગ્યા,3Kg પર અટક્યો,ઓડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

PC: janhittimes.in

કન્નૌજમાં એક ચોકીના ઈન્ચાર્જ માટે લાંચ તરીકે પાંચ કિલો બટાકાની માંગણી મોંઘી સાબિત થઈ. હકીકતમાં, પોલીસકર્મીએ ફરિયાદી પાસેથી ફોન પર બટાકાની માંગણી કરી હતી, જેનો ઓડિયો કોઈક રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો, ત્યાર પછી તે પોલીસ ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

UPના કન્નૌજમાં ત્રણ કિલો બટાકાની લાંચ માંગવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ કિલો બટાકાના મામલે પોલીસ ચોકીના ઈન્ચાર્જને તેની ખુરશી પણ ગુમાવવી પડી હતી. હકીકતમાં ચોકીના ઈન્ચાર્જ અને ફરિયાદીનો એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં બંને વચ્ચે એક કામ માટે બટાકાના રૂપમાં લાંચ માંગવાની વાતચીત થઇ રહી હતી.

કન્નૌજ જિલ્લાના સૌરીખ પોલીસ સ્ટેશન વિસ્તારની ચપુન્ના પોલીસ ચોકીના ઈન્ચાર્જ રામકૃપાલ સિંહ અને એક ફરિયાદીનો એક કેસના સમાધાન અંગેનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ લાંચ તરીકે પાંચ કિલો બટાકાની માંગ કરી રહ્યા હતા. જોકે, ફરિયાદીનું કહેવું છે કે, તે પાંચને બદલે માત્ર બે કિલો બટાકા જ આપી શકશે તેવી વાતચીત કહી હતી. જોકે, ચોકીના ઈન્ચાર્જે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને પછી પાંચ કિલો બટાકાની માંગણી કરી હતી.

આ પછી ફરિયાદી વતી કહેવામાં આવ્યું કે, ધંધો બરાબર ચાલી રહ્યો નથી. તેથી તેણે અસમર્થતા દર્શાવી અને માત્ર બે કિલો બટાકા આપવાનું કહ્યું. સાથે જ પોલીસકર્મીને પાંચને બદલે ત્રણ કિલો બટાકા આપવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને વચ્ચેની વાતચીતનો આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી કન્નૌજના SP અમિત કુમાર આનંદે ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા હતા અને કેસની તપાસ વિભાગીય કાર્યવાહી માટે CO સિટીને સોંપવામાં આવી હતી. આ વાયરલ ઓડિયો લગભગ ત્રણ-ચાર દિવસ જૂનો હોવાનું કહેવાય છે.

આ મામલામાં ASP અજય કુમારે જણાવ્યું કે, ચોકીના ઈન્ચાર્જ કોઈ કામ માટે લાંચ માંગી રહ્યા હતા. જે કોડવર્ડમાં માંગવામાં આવી રહી હતી. આ ઓડિયો સામે આવ્યા પછી 7 ઓગસ્ટે ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ખાતાકીય કાર્યવાહી ચાલુ છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે BJPને ઘેરી છે. તેમણે કહ્યું કે, BJPના શાસનમાં 'બટેટા' લાંચ લેવા માટે કોડ વર્ડ બની ગયો છે. જો કે, BJPના શાસનમાં શાકભાજી એટલા મોંઘા થઇ ગયા છે કે, આવતીકાલે ખરેખર શાકભાજીના રૂપમાં લાંચ માંગવામાં આવશે. હવે BJP વિચારી રહી છે કે, પોતાના ઈન્સ્પેક્ટરને બચાવવા માટે બટાકા પર બુલડોઝર કેમ ન ચલાવી દેવાય. 'આલુ કહે આજ કા, નહીં ચાહીએ ભાજપા.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp