CM મમતા બેનર્જી BJP સાંસદને મળવા પહોંચ્યા,પશ્ચિમ બંગાળના રાજકારણમાં વધુ એક વળાંક

PC: jagran.com

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મંગળવારે એક વળાંક જોવા મળ્યો. રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને CM મમતા બેનર્જી મુખ્ય વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. BJPના રાજ્યસભા સાંસદ અનંત રાય મહારાજે તેમના નિવાસસ્થાને CM મમતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. CM મમતા બેનર્જી અને BJP સાંસદની મુલાકાતને લઈને વધુ માહિતી સામે આવી નથી, પરંતુ આને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા વધી રહી છે.

અનંત રાય મહારાજ ઉત્તર બંગાળના રાજકારણનો એક મોટો ચહેરો છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં BJPએ ઝડપથી પોતાનો પગ જમાવ્યો છે. અનંત ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશન (GCPA)ના પ્રમુખ છે, જે ઉત્તર બંગાળમાં કૂચ બિહારને અલગ ગ્રેટર કૂચ બિહાર રાજ્ય તરીકે બનાવવાની માંગ કરતી સંસ્થા છે. પોતાને ગ્રેટર કૂચ બિહારના મહારાજા ગણાવતા અનંતને એક વર્ષ પહેલા જ BJPએ પશ્ચિમ બંગાળથી રાજ્યસભામાં મોકલ્યા હતા. અનંત પશ્ચિમ બંગાળમાંથી BJPની ટિકિટ પર રાજ્યસભા પહોંચનારા પહેલા નેતા પણ છે.

હવે CM મમતા બેનર્જી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને મળ્યા ત્યાર પછી અટકળો પણ શરૂ થઈ ગઈ છે. એવી દલીલો કરવામાં આવી રહી છે કે, ગયા વર્ષે ગૃહમંત્રી અમિત શાહ અનંતના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા અને ત્યાર પછી BJPએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે CM મમતા તેમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે, હવે આગળ શું થશે? PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા નિશીથ પ્રામાણિકને પણ અનંતના નજીકના માનવામાં આવે છે. નિશીથ પ્રામાણિક પણ અનંત જેવા જ રાજવંશી સમુદાયમાંથી આવે છે.

પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિની કુલ વસ્તીના 18 ટકાથી વધુ રાજવંશી સમુદાયનો હિસ્સો છે. રાજવંશી સમુદાય અનુસૂચિત જાતિ વર્ગનો સૌથી મોટો અને પ્રભાવશાળી સમુદાય છે. રાજકીય દૃષ્ટિકોણથી, ઉત્તર બંગાળના પાંચ જિલ્લાના 20 વિધાનસભા મતવિસ્તારોમાં રાજવંશી સમુદાયના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કૂચ બિહારની સાથે, અલીપુરદ્વારનો પણ આ પાંચ જિલ્લાઓમાં સમાવેશ થાય છે, જ્યાં BJPએ 2019ની લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ 2024ની ચૂંટણીમાં પક્ષ કૂચ બિહાર લોકસભા બેઠક હારી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp