રાહુલે સ્પીકરને કહ્યું- આશા છે કે અમને અમારી અવાજ ઉઠાવવા દેશો, અખિલેશે કહ્યું...
કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓમ બિરલાને સતત બીજી વખત સ્પીકર બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય તેણે કહ્યું કે, મને ખાતરી છે કે, તમે અમને અમારો અવાજ ઉઠાવવા દેશો. વિપક્ષનો અવાજ ખતમ કરવો એ બંધારણીય નથી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'હું તમને સમગ્ર વિપક્ષ અને INDIA બ્લોક વતી અભિનંદન આપવા માંગુ છું. આ ગૃહ ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે અને તમે તે અવાજના અંતિમ લવાદ છો. સરકાર પાસે રાજકીય શક્તિ છે. પરંતુ વિપક્ષ પણ ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વખતે વિપક્ષે ગત વખત કરતા વધુ ભારતીય જનતાના અવાજનું પ્રતિનિધિત્વ કર્યું છે.'
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, વિપક્ષ તમારા કામમાં તમારી મદદ કરવા માંગે છે. અમે ઈચ્છીએ છીએ કે, ગૃહ સારી રીતે ચાલે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, સહકાર વિશ્વાસ પર આધારિત હોય. વિપક્ષના અવાજને આ ગૃહમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રાહુલે વધુમાં કહ્યું, 'અમને વિશ્વાસ છે કે વિપક્ષને બોલવા દેવાથી, અમને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપીને, તમે ભારતના બંધારણની રક્ષા કરવાની તમારી ફરજ બજાવશો. હું ફરી એકવાર તમને અને ગૃહના તમામ સભ્યોને અભિનંદન આપું છું. હું તેમને અભિનંદન આપવા માંગુ છું જેમણે ચૂંટણી જીતી છે.'
જ્યારે, અખિલેશ યાદવે સ્પીકર ઓમ બિરલાને સંબોધતા કહ્યું કે, તમે જે પદ પર બેઠા છો તેની સાથે ખૂબ જ ભવ્ય પરંપરાઓ જોડાયેલી છે અને અમે બધા માનીએ છીએ કે, ગૃહ ભેદભાવ વિના આગળ વધશે. લોકસભાના સ્પીકર તરીકે તમે દરેક પાર્ટી અને સાંસદને સમાન તક અને સન્માન આપશો.
સમાજવાદી પાર્ટીના વડાએ વધુમાં કહ્યું કે, 'નિષ્પક્ષતા એ આ મહાન પદની મોટી જવાબદારી છે, તમે લોકતાંત્રિક ન્યાયના મુખ્ય ન્યાયાધીશની જેમ બેઠા છો. અમે બધા તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે, કોઈપણ જનપ્રતિનિધિનો અવાજ દબાવવામાં ન આવે અને હાંકી કાઢવા જેવી કોઈ કાર્યવાહી ન થાય. જેથી કરીને ગૃહની ગરિમાને ઠેસ પહોંચે.'
તેમણે ઓમ બિરલાને આગળ કહ્યું કે, તમારું વિપક્ષ પર નિયંત્રણ તો રહે જ છે, પરંતુ શાસક પક્ષ પર પણ તમારું નિયંત્રણ રહે. ગૃહ તમારી સૂચનાઓ પર ચાલવું જોઈએ, તેનાથી વિરુદ્ધ ન થવું જોઈએ. અમે દરેક ન્યાયી નિર્ણયમાં તમારી સાથે છીએ.
સ્પીકર ઓમ બિરલા પર નિશાન સાધતા અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે, હું જે ગૃહમાંથી આવ્યો છું, તેની ખુરશી ઘણી ઊંચી છે. મને લાગ્યું કે અહીં ગૃહમાં સ્પીકરની ખુરશી ઉંચી હશે, હું કોને કહું કે ગૃહની ખુરશી વધારે ઉંચી થવી જોઈએ. જ્યાં આ નવું સદન છે, ત્યાં હું તમારી પીઠ પાછળ જોઉં છું, પથ્થરો તો બરાબર લગાવ્યા છે, પણ હજી પણ કેટલીક તિરાડોમાં લાગેલી સિમેન્ટ હું જોઈ શકું છું. અધ્યક્ષ સાહેબ, હું આશા રાખું છું કે, તમે સત્તાધારી પક્ષનો જેટલો આદર કરશો, તેટલો જ તમે વિપક્ષનો પણ આદર કરશો અને અમને અમારી વાત બોલવાની તક આપશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp