'કોંગ્રેસના ધારાસભ્યને ભાજપ સરકારે મંત્રી તરીકે શપથ લેવડાવ્યા' કોંગ્રેસ ગુસ્સે
મધ્યપ્રદેશના મોહન યાદવ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લેનાર રામનિવાસ રાવત સમાચારમાં છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે, લોકશાહીની પરંપરાઓની અવગણના કરીને કોંગ્રેસના ધારાસભ્યને BJP સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ દાવો કર્યો છે કે, રામનિવાસ રાવત હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે.
જીતુ પટવારીએ 'X' પર લખ્યું, 'એ સ્થાપિત પરંપરા છે કે સરકાર અને વિપક્ષ અલગ હોય છે, પરંતુ લોકશાહીની હત્યા અને ખુરશીની સોદાબાજી માટે કુખ્યાત BJPએ કોંગ્રેસના ધારાસભ્યને પદના શપથ લેવડાવ્યા! આ લોકશાહી અને બંધારણનું સાચું અપમાન છે. જ્યારે, કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવતની વિધાનસભા સદસ્યતાને સમાપ્ત કરવા માટે પૂરતા આધારો અને અધિકૃતતા સાથે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ અહેવાલ આપવામાં આવ્યો હતો. કમનસીબે તેમણે પણ પોતાની ફરજ બજાવી ન હતી.
મહામહિમ રાજ્યપાલે પણ બંધારણ અને લોકશાહીની પરંપરાઓનું પાલન કરવાનું હતું. કારણ કે, તેઓ કોઈ પાર્ટી નથી, પરંતુ બંધારણના આદેશનું પાલન કરવા માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ, બંધારણના ઉચ્ચ પદ સાથે પણ અસંમતિ નોંધાઈ ન હતી. હું મધ્યપ્રદેશના લોકોને ફરીથી કહેવા માંગુ છું કે આ દેવું, અપરાધ અને ભ્રષ્ટાચારની સરકાર છે. તેઓ વારંવાર હોર્સ ટ્રેડિંગ અને પક્ષપલટાની રાજનીતિનો ગુનો કરી રહ્યા છે.'
અહીં તમને જણાવી દઈએ કે, સોમવારે સવારે મધ્યપ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ મંગુભાઈ પટેલે રાજભવનમાં સંક્ષિપ્ત સમારોહમાં CM મોહન યાદવની હાજરીમાં રામનિવાસ રાવતને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભામાંથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા રામનિવાસ રાવત 30 એપ્રિલે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ છોડીને સત્તાધારી પક્ષ BJPમાં જોડાયા હતા. રાવત BJPમાં જોડાયા હોવા છતાં તેમણે હજુ સુધી રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપ્યું નથી.
ચૂંટણી રેલીમાં BJPમાં જોડાયા પછી રામનિવાસ રાવત શાસક પક્ષમાં જોડાવાની પુષ્ટિ કરવામાં અચકાતા હતા. CM યાદવ, જેઓ વિધાનસભા ચૂંટણી પછી 13 ડિસેમ્બર, 2023ના રોજ કાર્યભાર સાંભળ્યો હતો, તેમણે 25 ડિસેમ્બરે તેમના મંત્રીમંડળમાં 30 ધારાસભ્યોનો સમાવેશ કર્યો. રાવતના સમાવેશ સાથે કેબિનેટમાં સંખ્યા વધીને 31 થઈ ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, MP સરકારની કેબિનેટમાં કુલ 34 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે.
CM મોહન યાદવે રામ નિવાસ રાવતને તેમની નવી જવાબદારી માટે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. CM યાદવે કહ્યું કે, કેબિનેટમાં નવા સભ્યનું આગમન થયું છે. રાવત લાંબા સમયથી જાહેર જીવનમાં સક્રિય રહ્યા છે, તેઓ ચંબલ પ્રદેશમાં શ્યોપુર જેવા વિકાસની સંભાવના ધરાવતા જિલ્લાને અસરકારક પ્રતિનિધિત્વ આપી રહ્યા છે. કેબિનેટ મંત્રી હોવાના કારણે સમગ્ર કેબિનેટ અને રાજ્યના તમામ લોકોને તેમના અનુભવનો લાભ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp