સરકારે 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું, લોકોએ બિલ ભરવાની ના પાડી

PC: jantaserishta.com

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે પરંતુ સરકાર હજુ બની નથી. સાથે જ કોંગ્રેસે ચૂંટણી પહેલા જે વચનો આપ્યા હતા તે પુરા કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરવા લાગ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે વચન આપ્યું હતું કે, જો તેમની સરકાર બનશે તો લોકોને 200 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. કર્ણાટકમાં સરકાર બનવાની બાકી હોવા છતાં લોકોએ વીજળીના બિલ ભરવાની ના પાડી દીધી! 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકના કોપ્પલ, કાલબુર્ગી અને ચિત્રદુર્ગ જિલ્લાના કેટલાક ગામોમાં લોકોએ વીજળીનું બિલ ભરવાનો ઇનકાર કરી દીધો છે. હકીકતમાં, કર્ણાટક કોંગ્રેસે તેના ઢંઢેરામાં લોકોને 200 યુનિટ વીજળી મફતમાં આપવાનું વચન આપ્યું હતું. આવી સ્થિતિમાં વીજ વિભાગના કર્મચારીઓ જ્યારે કેટલાક ગામોમાં વીજ બિલ લઈને પહોંચ્યા ત્યારે લોકોએ બિલ ભરવાનો ઈન્કાર કરી દીધો હતો.

લોકો કહે છે કે, કોંગ્રેસે મફત વીજળીનું વચન આપ્યું હતું અને અમે કોંગ્રેસને વોટ આપ્યો અને કોંગ્રેસ જીતી એટલે મફત વીજળી મેળવવાના હકદાર બની ગયા. લોકોએ વીજ વિભાગના કર્મચારીઓને સ્પષ્ટપણે કહી દીધું છે કે, તેઓ વીજળીનું બિલ લઈને તેમની પાસે ન આવે, કારણ કે તેઓ બિલ નહીં ભરે. લોકો કહે છે કે, હવે ગમે તે થાય અમે બિલ નહીં ચૂકવીએ. 

મહિલાએ કહ્યું કે સિદ્ધારમૈયા અને DK શિવકુમારને અમારું વીજળીનું બિલ ચૂકવવા દો. તેઓએ (સિદ્ધારમૈયા અને DK શિવકુમાર) કહ્યું છે કે, તેઓ ચૂંટણી પછી તરત જ 200 યુનિટ મફત વીજળીનો અમલ કરશે. મહિલાએ વિજળી વિભાગના અધિકારીને કડક શબ્દોમાં કહ્યું કે, તમારે અહીં આવવાનું નહીં, અમે વીજળીનું બિલ નહીં ભરીએ. અમે મતદાન સમયે EVMનું બટન દબાવતાની સાથે જ આ ગેરંટી મેળવવા માટે હકદાર છીએ. 

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાંચ ગેરંટી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો તે ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ છે. જો કે, હવે કોંગ્રેસ સરકારે આ પાંચ ગેરંટી યોજનાઓ લાગુ કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડશે. વાસ્તવમાં, કર્ણાટકમાં વીજળી સપ્લાય કરતી કંપનીઓ પહેલેથી જ વીજળીના દરમાં વધારો કરવાની માંગ કરી રહી છે. વીજ કંપનીઓની આવકમાં 4 હજાર કરોડથી વધુનો તફાવત છે. કર્ણાટકની જેમ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp