SC-ST પેટા શ્રેણી મુદ્દે દલિત નેતાઓના વિરોધ પછી કોંગ્રેસે કરી પીછેહઠ
SC અને ST અનામતમાં પેટા શ્રેણી બનાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને કોંગ્રેસ પક્ષમાં અસમંજસની સ્થિતિ છે. કોર્ટના આ નિર્ણય પછી કોંગ્રેસની ટોચની નેતાગીરીએ હજુ મૌન જાળવ્યું છે. જો કે પાર્ટીના ઘણા નેતાઓ વ્યક્તિગત રીતે પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે પાર્ટી નેતાઓની બેઠક યોજી હતી. ખડગે ઉપરાંત કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ KC વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. આ સાથે કાનૂની નિષ્ણાત અભિષેક મનુ સિંઘવી અને પક્ષના દલિત ચહેરાઓ મુકુલ વાસનિક, કુમારી શૈલજા, PL પુનિયા, ઉદિત રાજ, રાજેશ લીલોઠીયા હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ પાર્ટીની બેઠક દરમિયાન મોટાભાગના દલિત નેતાઓ અને અધિકારીઓ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં જોવા મળ્યા હતા. તેમણે SC અને ST આરક્ષણમાં પેટા કેટેગરી બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે કોંગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાએ કોર્ટના આદેશ પછી જ આ નિર્ણયને આવકાર્યો છે. જો કર્ણાટકના CM K સિદ્ધારમૈયા અને તેલંગાણાના CM રેવંત રેડ્ડીની વાત માનવામાં આવે તો, તેઓએ કહ્યું છે કે સ્થાનિક મજબૂરીઓને કારણે આ નિર્ણય લાગુ કરવામાં આવશે. કર્ણાટક અને તેલંગાણાની સરકારોએ આ નિર્ણયને એટલા માટે ટેકો આપ્યો છે, કારણ કે આ પેટા શ્રેણીની માંગ SC જૂથોની પ્રબળ જાતિ માલા, મડિગા દ્વારા કરવામાં આવી હતી.
લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ખડગે પાર્ટીના CM તેમજ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખોને મળશે. મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના CWC સભ્ય અભિષેક સિંઘવીએ ખડગે સાથે કોર્ટના નિર્ણયના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરી હતી. જો કે આ મામલાને રાજકીય તરીકે જોવામાં આવી રહ્યો છે.
બેઠક પછી જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે, પાર્ટીએ લોકસભા ચૂંટણી દરમિયાન જ OBC, SC અને ST અનામતનો વ્યાપ 50 ટકાથી વધારવાની માંગ કરી હતી. અમે તેના પર મક્કમ છીએ અને જાતિ ગણતરી પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
કોર્ટના આ નિર્ણયનો બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિત ઘણા નેતાઓએ વિરોધ કર્યો છે. જ્યારે, સમાજવાદી પાર્ટી, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની હમ સહિત ઘણી પાર્ટીઓ SC/ST પેટા શ્રેણીને સમર્થન આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp