ફોગાટને ટિકિટ આપવાથી કોંગ્રેસમાં ખળભળાટ, અનેક નેતા ગુસ્સામાં, AICC પર નારેબાજી

PC: x.com/BajrangPunia

જુલાના સીટથી પહેલવાન વિનેશ ફોગાટને ટિકિટ મળ્યા બાદ હરિયાણા કોંગ્રેસમાં નારાજગી નજરે પડી રહી છે. એવા સમાચાર છે કે ટિકિટ માટેના ઘણા ઉમેદવારોએ વિનેશ ફોગાટને લઇને આયોજિત કાર્યક્રમથી દૂરી બનાવી લીધી હતી. સાથે જ ટિકિટ વિતરણને લઇને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની ઓફિસ બહાર પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલમાં જ વિનેશ ફોગાટ કોંગ્રેસમાં સામેલ થઇ હતી. તેની સાથે પહેલવાન બજરંગ પુનિયા પણ પાર્ટીમાં સામેલ થયો હતો. હરિયાણાની 90 વિધાનસભા સીટ પર એક ચરણમાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે.

શું છે મામલો?

વિનેશ ફોગાટના સન્માનમાં બખ્તા ખેડા ગામમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, જુલાના સીટ પરથી ટિકિટના ઘણા દાવેદાર નેતા કાર્યક્રમમાં સામેલ ન થયા. આ નેતાઓમાં પરમિંદર સિંહ ધુલ, ધર્મેન્દ્ર ધુલ અને રોહિત દલાલ સહિત ઘણા નામ સામેલ છે. કથિત રૂપે આ નેતા વિનેશ ફોગાટને જુલાના સીટ પરથી ઉતરવાથી નારાજ છે. મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિક નેતાઓને લાગી રહ્યું છે કે તેમના કામને નજરઅંદાજ કરવામાં આવ્યા અને બાહ્ય વ્યક્તિને લાવવામાં આવી.

જો કે, આ દરમિયાન ટિકિટના કેટલાક દાવેદાર નેતા કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, વિનેશ ફોગાટના કાર્યક્રમમાં ખૂબ ઓછા લોકો સામેલ થયા હતા. કોંગ્રેસની ટિકિટ મળ્યા બાદ તે પહેલી વખત સાસરામાં પહોંચી હતી. તેણે પૌલી ગામથી રોડ શૉ કર્યો, જે રોહતક-દિલ્હી હાઇવે પર આવે છે. હાઇવે જુલાનાથી બખ્તા ખેડા ગામમાંથી પસાર થાય છે. અહી વિનેશ ફોગાટે આંતરરાષ્ટ્રીય સ્તરના પહેલવાન સોમવીર રાઠી સાથે લગ્ન કર્યા છે. વિનેશ ફોગાટે ટિકિટ મળવા પર કોંગ્રેસ અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો.

તેણે કહ્યું કે, જ્યારે હું કુશ્તી છોડવા બાબતે વિચારી રહી હતી, ત્યારે પ્રિયંકાજીએ મને આશા ન છોડવા કહ્યું હતું. તેમની વાતોએ મને પ્રેરણા આપી હતી. હું જીતુ કે હારી જાઉ, પરંતુ હંમેશાં તમારી સેવા કરીશ. મારું સપનું ગામમાં રહેવાનું છે. હરિયાણામાં કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓએ AICC હેડક્વાર્ટર બહાર રવિવારે વિરોધ પ્રદર્શન કર્યું અને પાર્ટીમાં બાહ્ય લોકોની જગ્યાએ સ્થાનિક નેતાઓને પ્રાથમિકતા આપવાની માગ કરી હતી. કાર્યકર્તાઓએ નેતાઓને સંબંધીઓને ટિકિટ આપવા પર નારાજગી વ્યક્ત કરવા માટે પ્રદર્શન કર્યું હતું.

મોટા ભાગના પ્રદર્શનકારી હરિયાણાના બવાની ખેડાથી હતા અને તેમણે બાહ્ય ઉમેદવાર સહન નહીં કરીએ’ના બેનર પકડી રાખ્યા હતા. પટોડી ક્ષેત્રના કેટલાક ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે, પાર્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા પાટીની પ્રદેશ એકાઇના પ્રમુખ ઉદયભાનની દીકરી અને જમાઇને ટિકિટ આપવામાં આવી રહી છે. કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે 32 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી હતી, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગાંધી સાંપલા-કિલોઇ, વિનેશ ફોગાટને જુલાના અને રાજ્ય એકાઇના પ્રમુખ ઉદયભાનને હોડલ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp