AAP છોડનાર કૈલાશ ગેહલોતને કોંગ્રેસ પોતાની પાર્ટીમાં નહીં લેય, કારણ કે...
દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે ચર્ચા થઈ રહી છે કે તેઓ કંઈ પાર્ટીમાં જોડાશે. આમ આદમી પાર્ટી કહે છે કૈલાશ ગેહલોત ભાજપમાં જ જોડાશે, પરંતુ અમુક નેતાઓ કહી રહ્યા છે ગેહલોત કોંગ્રેસમાં પણ જોડાય શકે છે. પરંતુ કોંગ્રેસે કૈલાશ ગેહલોતને પોતાની પાર્ટીમાં લેવાની જ ના પાડી દીધી છે.
દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે, આવા ભ્રષ્ટાચારી માટે કોંગ્રેસમાં જગ્યા નથી. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારીઓની પાર્ટી છે. ત્યાં જ્યારે પણ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી થાય છે, ત્યારે લોકો કાં તો જેલ જાય છે, કાં તો પાર્ટી છોડીને ભાજપમાં શામેલ થાય છે. અમારી પાર્ટીમાં ભ્રષ્ટાચારીઓ માટે જગ્યા નથી.
દેવેન્દ્ર યાદવે કહ્યું કે, કેજરીવાલનું મૌન બતાવે છે કે તેઓ પોતે અને તેમની પાર્ટીના નેતા ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. તેઓ કૈલાશ ગેહલોત સામે ખૂલીને બોલવા નથી માગતા, બની શકે કે તેમનું કોઈ રહસ્ય હોય અને તેને દબાવવાની કોશિશ થઈ રહી હોય.
તમને જણાવી દઈએ કે કૈલાશ ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી હતા અને જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં હતા અને આતિશી દિલ્હી સરકારમાં મંત્રી હતા ત્યારે 15 ઓગસ્ટે કૈલાશ ગેહલોતને ધ્વજારોહણની જવાબદારી મળી હતી.
એટલે કે કૈલાશ ગેહલોતનું કદ આમ આદમી પાર્ટીની સરકારમાં સૌથી વરિષ્ઠ મંત્રી જેટલું હતું. પરંતુ જ્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી આતિશીને સોંપી દીધી. આતિશીની કેબિનેટમાં પણ કૈલાશ ગેહલોત પરિવહન મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા હતા. પરંતુ હવે કૈલાશ ગેહલોતે માત્ર પરિવહન મંત્રી પદેથી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.
કૈલાશ ગેહલોતના રાજીનામા બાદ AAPનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે, ગેહલોતના રાજીનામા પર AAP નેતા અને સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે કૈલાશ ગેહલોત ભાજપ દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ભાજપ પોતાના ષડયંત્ર અને નિમ્ન સ્તરની રાજનીતિમાં સફળ થયું છે.
રાજીનામામાં કૈલાશ ગેહલોત દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે કૈલાશ ગેહલોત ભાજપના દબાણમાં હતા. ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. CBI-ED સહિતની કેન્દ્રીય એજન્સીઓ ગેહલોતની તપાસ કરી રહી હતી. ગેહલોત દ્વારા લગાવવામાં આવેલા આરોપો આ રીતે ન લગાવી શકાય, કારણ કે તેઓ 5 વર્ષ સુધી સરકારનો હિસ્સો હતા. ભાજપે ગેહલોતને સ્ક્રિપ્ટ સોંપી છે, તેમણે તે મુજબ કામ કરવું પડશે.
જ્યારે AAP સૂત્રોએ જણાવ્યું હતું કે કૈલાશ ગેહલોત પર ED-ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. AAP સૂત્રોએ જણાવ્યું કે કૈલાશ ગેહલોત પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp