અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી, PM મોદીને મોકલવામાં આવ્યું આમંત્રણ

PC: twitter.com/ChampatRaiVHP

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ત્રણ માળના રામ મંદિરના નિર્માણ માટે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. ટ્રસ્ટનું કહેવું છે કે, ગ્રાઉન્ડ ફ્લોરનું કામ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે. દરમિયાન મંદિરમાં રામલલાના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આને લઈને માહિતી સામે આવી છે કે, 2024માં મકરસંક્રાંતિ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા PM નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના માટે વડા પ્રધાન કાર્યાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી. બીજી તરફ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ હમણાંથી જ શરૂ થઈ ગઈ છે.

રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશભરમાં ઉજવવામાં આવશે. અયોધ્યા સિવાય દેશભરના તમામ મંદિરોને શણગારવામાં આવશે. એટલું જ નહીં, ઘણા મંદિરોમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પણ દેશના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ રીતે બતાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વાસ્તુ પૂજાથી લઈને વિવિધ વિધિઓ અને પૂજા પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે.

અયોધ્યામાં રામલલાની ત્રણ મૂર્તિઓ કોતરવાનું કામ ચાલી રહ્યું છે. એક મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા પછી ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે, જ્યારે બે વધારાની મૂર્તિઓ મંદિરમાં જ યોગ્ય સ્થાનો પર સ્થાપિત કરવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવશે જેથી તે મૂર્તિઓની પવિત્રતા જળવાઈ રહે. રામલલાની જે ત્રણ મૂર્તિઓ અયોધ્યામાં શિલ્પ કરવામાં આવી રહી છે તેમાંથી માત્ર શ્રેષ્ઠ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર મંદિરના પહેલા અને બીજા માળે એક-એક મૂર્તિ સ્થાપિત કરી શકાય છે.

રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે. ગર્ભગૃહ સિવાય, મંદિરમાં પાંચ મંડપ છે- ગુડ મંડપ, રંગ મંડપ, નૃત્ય મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. આનું પણ નિર્માણ કાર્ય કરવામાં આવશે. પાંચ મંડપના ગુંબજનું કદ 34 ફૂટ પહોળું અને 32 ફૂટ લાંબું છે અને આંગણાથી ઊંચાઈ 69 ફૂટથી 111 ફૂટ સુધીની છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને આંગણાથી તે 161 ફૂટ ઊંચું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp