આ મુદ્દાને લઈને ગુસ્સામાં સુપ્રીમ કોર્ટ, કહ્યું- પછી એવું ન બને કે અમારે પગલા...
સુપ્રીમ કોર્ટે કોલીજિયમની ભલામણ પર કેન્દ્ર સરકારના મનફાવે એવા વલણ પર કડક આપત્તિ જતાવી છે. કોર્ટે કહ્યું કે, કોલીજિયમ જે પણ ભલામણ કરી રહ્યું છે, કેન્દ્ર તેમાં સિલેક્ટિવ વલણ અપનાવી રહી છે. કોર્ટે એટર્ની જનરલને કહ્યું કે હાઈકોર્ટના ઘણાં જસ્ટિસની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, પણ તે કેન્દ્ર સરકાર પાસે લંબિત છે. કોલીજિયમની જે પણ ભલામણ છે, તેમાં કેન્દ્ર દ્વારા જલદી નોટિફિકેશન બહાર પાડવામાં આવે. જજ જ્યારે કાર્યભાર સંભાળશે ત્યારે જ કામ કરશે. આ સરકારની પણ ચિંતા હોવી જોઇએ. શું કોલીજિયમ મળીને એવો પ્રસ્તાવ કરે કે અમુક બેંચને કેસ ન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્રની પિક એન્ડ ચૂઝ પોલિસીથી જજોની વરિષ્ઠતા અને અદાલતોના કામકાજ પ્રભાવિત થઇ રહ્યા છે.
અરજીકર્તાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોલીજિયમ દ્વારા જજોની નિમણૂકને લઇ જે ભલામણ કરવામાં આવી રહી છે, તેના પર કેન્દ્ર સરકાર સમય પર નિર્ણય લઇ રહી નથી. આ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધ છે. કોર્ટે આના પર નાખુશતા વ્યક્ત કરી અને કહ્યું કે, પાંચ નામ અમે મોકલ્યા હતા. સરકારે 3 નામોને ક્લિઅર કર્યા છે. પહેલા અને બીજા નંબર પર જે નામો હતા, તેને ક્લિઅર કરવામાં આવ્યા નથી. આ રીતે વરિષ્ઠતા પ્રભાવિત થઇ છે. આ પ્રકારની પ્રેક્ટિસને બંધ કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 14 ભલામણો લંબિત છે જેના પર સરકારે કોઇ પ્રતિક્રિયા આપી નથી. હાલ જ અમુક ભલામણો પર સરકારે નિમણૂક કરી દીધી છે. પણ સરકાર પોતાની પસંદના નામોની નિમણૂક કરી દે છે. આ પિક એન્ડ ચૂઝ યોગ્ય નથી. કોલેજિયમે ઓછામાં ઓછા 5 નામ બીજી વાર મોકલ્યા છે. જેના પર સરકાર ચૂપ છે. જસ્ટિસ કૌલે નરમ લહેજામાં કડક વાતો કહી કે, તમે કોલેજિયમની ભલામણોને હળવાશમાં લઇ રહ્યા છો. પછી એવું ન બને કે અમારે કડક પગલા લેવા પડે. પછી તમારા માટે અસહજ સ્થિતિ બની શકે છે. ત્યારે તમને કદાચ સારું ન લાગે.
20 નવેમ્બરે બીજી સુનાવણી
અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે તેઓ કેન્દ્ર સરકારના અધિકારીને સમન કરી પૂછે કે, શા માટે આદેશનું પાલન થઇ રહ્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાંચ નામ પહેલાથી જ પેન્ડિંગ છે અને ફરીથી 14 નવા નામો મોકલવામાં આવ્યા છે. એટર્ની જનરલને આ મામલે સરકારને અવગત કરવા કહેવામાં આવ્યું છે. 20 નવેમ્બરના રોજ આ મામલે ફરી સુનાવણી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp