શીખ સમાજ પર ટીપ્પણી કરવામાં કંગના ફસાઇ, દિલ્હી વિધાનસભા પેનલે સમન્સ પાઠવ્યું

PC: indianexpress.com

તાજેતરમાં કૃષિ કાયદા રદ થવાની જાહેરાત બાદ કંગના રનૌતે શીખ સમાજ પર કરેલી ટીપ્પણીને કારણે તેની મુશ્કેલી વધી શકે છે. હમેંશા વિવાદોમાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને શીખ સમાજ પર ટીપ્પણી  કરવા બદલ દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવ સમિતિએ સમન્સ પાઠવ્યું છે. કંગનાને 6 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે સમિતિ સમક્ષ હાજરા રહેવા માટે કહેવામાં આવ્યું છે. કંગનાએ તાજેતરમાં કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત ખેંચ્યા પછી શીખ સમાજ વિશે અપ્રિય અને અપમાનજનક ટીપ્પણી કરી હતી એટલે તેને સમન્સ મોકલવામાં આવ્યું છે. દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવ સમિતિના ચેરમેન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા છે.

 તાજેતરમાં કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી  ત્યારે અભિનેત્રી કંગનાએ ખેડુત આંદોલનની સરખામણી ખાલિસ્તાન આંદોલન સાથે કરી હતી. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર આવી આપત્તિજનક ટીપ્પણી કરી હતી. આની સામે દિલ્હી શીખ ગુરુદ્રારા મેનેજમેન્ટ કમિટીએ કંગના સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી કંગનાએ સોશિયલ મીડિયા પર શીખ સમાજ વિશે ખોટી અફવા ફેલાવી છે. સમિતીનું કહેવું છે કે કંગનાએ જાણી જોઇને ખેડુતોના પ્રદર્શનને ખાલિસ્તાની આંદોલન કહ્યુ હતું.

 જો કે કંગના રનૌત માટે આ કઇં નવું નથી, હમેંશા આપત્તિજનક અને વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહેવાનો કંગનાનો શોખ બની  ગયો છે. તાજેતરમાં જ તેણે 1947માં ભારત દેશને મળેલી આઝાદીને ભીખની આઝાદી કહીને વિવાદ ઉભો કર્યો હતો. તેના સ્ફોટક નિવેદનોને કારણે તેની સામે અનેક એફઆઈઆર પણ થઇ છે. ભડકાવ નિવેદનો અને નફરત ફેલાવવાના આરોપમાં ટવીટરે કંગનાનું એકાઉન્ટ ઘણા સમય પહેલાં સસ્પેન્ડ કરી દીધું છે. હવે કંગના બધી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મુકી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયારે 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી ત્યારે  પણ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિવાદસ્પદ ટીપ્પણી કરી હતી. કંગનાએ તે વખતે લખ્યું હતુ કે દુખદ, શર્મનાક અને તદન ખોટુ. જો સંસદમાં બેઠેલી સરકારને બદલે ગલીઓમાં બેઠેલાં લોકો જ જો કાયદો બનાવવાનું શરૂ કરશે તો આ પણ એક જિહાદી દેશ છે. એ બધા લોકોને અભિનંદન જે આવું ઇચ્છતા હતા. જયારે પોતાની ફિલ્મ આવવાની હોય ત્યારે કંગના અવશ્ય વિવાદો ઉભા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp