'દિલ્હી સરકાર ઈચ્છે છે કે DCW બંધ થઇ જાય', માલીવાલના CM કેજરીવાલ પર પ્રહારો
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ વડા સ્વાતિ માલીવાલે દિલ્હી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સ્વાતિ માલીવાલે મંગળવારે દિલ્હી સરકાર પર DCW બંધ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિ માલીવાલે કહ્યું કે, દિલ્હી સરકાર મહિલા આયોગને બંધ કરવા પર અડગ છે અને તેણે 181 મહિલા હેલ્પલાઈન પણ બંધ કરી દીધી છે.
સ્વાતિ માલીવાલે કહ્યું કે, આઠ વર્ષમાં દિલ્હી મહિલા આયોગે મહિલાઓ સાથે સંબંધિત 1,70,000 કેસોની સુનાવણી કરી, પરંતુ તેમના રાજીનામા પછી દિલ્હી સરકાર આ સંસ્થાને બંધ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર DCW બંધ કરવા પર અડગ છે અને છેલ્લા છ મહિનામાં DCWને એક રૂપિયો પણ આપ્યો નથી. અમે એ પણ જોઈ રહ્યા છીએ કે દિલ્હી સરકારે આ વર્ષે DCWના બજેટમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, DCW ચીફનું પદ છેલ્લા છ મહિનાથી ખાલી છે. આ ઉપરાંત અન્ય બે જગ્યાઓ પણ ખાલી છે. દિલ્હી સરકારે 181 હેલ્પલાઈન બંધ કરી દીધી છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જે શહેર બળાત્કારની રાજધાની કહેવાય છે ત્યાં 181 હેલ્પલાઇન બંધ છે.
રાજ્યસભાના સાંસદે કહ્યું કે, તેમણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને પત્ર લખીને આ મુદ્દે તેમની ચિંતા વ્યક્ત કરી છે. સ્વાતિ માલીવાલે કહ્યું, 'મેં CM અરવિંદ કેજરીવાલને પત્ર લખીને પૂછ્યું છે કે, તેઓ આ કેવી રીતે કરી શકે છે. જે રાજ્યમાં મહિલા આયોગ સક્ષમ નથી ત્યાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે? હું માનું છું કે સરકારો નથી ઈચ્છતી કે મહિલાઓ સક્ષમ બને. મને લાગે છે કે સરકારને પ્રશ્નો ઉઠાવતી મહિલાઓ સાથે સમસ્યા છે.'
આ અગાઉ સ્વાતિ માલીવાલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'જ્યારથી મેં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારથી દિલ્હી સરકારના મંત્રીઓ અને અધિકારીઓએ મહિલા આયોગ સામે મોરચો ખોલ્યો છે. છેલ્લા 6 મહિનાથી કોઈને પગાર ચૂકવવામાં આવ્યો નથી, બજેટમાં 28.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, 181 હેલ્પલાઈન પાછી ખેંચી લેવામાં આવી છે અને ચેરમેન અને 2 સભ્યોની જગ્યા ભરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. 1.5 વર્ષથી દલિત સભ્યની જગ્યા ખાલી છે! મારી વિદાય લીધા પછી તરત જ મહિલા આયોગને ફરી એક નબળી સંસ્થા બનાવવાના તમામ શક્ય પ્રયાસો થઈ રહ્યા છે. દિલ્હી સરકાર મહિલાઓ પ્રત્યે કેમ દુશ્મનાવટ નીકાળે છે? મેં CM અરવિંદ કેજરીવાલજીને પત્ર લખીને તેનો જવાબ માંગ્યો છે!'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp