Video: કપલ પાસે મળ્યા ફક્ત રૂ.20, તો લૂંટારાઓએ તેમને સામેથી રૂ.100 આપ્યા

PC: teztarrar.com

દિલ્હીના 'દયાળુ લૂંટારા' પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તેમને દયાવાન એટલા માટે કહેવામાં આવી રહ્યા છે, કારણ કે ઘરની બહાર ફરતા એક કપલને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી પાસે માત્ર 20 રૂપિયા જ હતા. લૂંટારુઓએ તેની ફરીથી શોધખોળ કરી, લૂંટ કરવા માટે કંઈ મળ્યું નહીં, તો પછી લૂંટારુ તે દંપત્તિને 100 રૂપિયા આપીને ભાગી ગયા. ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી પોલીસે બસોથી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. ભારે જહેમત બાદ પોલીસે આ લૂંટારુઓની ધરપકડ કરી છે.

હકીકતમાં, 21 જૂને શાહદરાના ફર્શ બજારમાં રાત્રે લગભગ 10.55 વાગ્યે, પોલીસને ફોન પર માહિતી મળી હતી કે, બંદૂક બતાવીને 2 લોકો દંપતી સાથે લૂંટ ચલાવી રહ્યા છે. જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે નજીકની બિલ્ડીંગમાં રહેતા વ્યક્તિએ તેને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. વીડિયોમાં હેલ્મેટ પહેરીને સ્કૂટી પર સવાર બે યુવકો બંદૂકની અણીએ દંપતીને લૂંટી રહ્યા હતા.

ફર્શ બજાર પોલીસ સ્ટેશનને આ ઘટના અંગે ઘણા લોકોના ફોન આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પીડિત દંપતિએ પોલીસને જણાવ્યું કે, સ્કૂટી પર સવાર બે લોકોએ તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો. ગન પોઈન્ટ પર અમને રોક્યા અને અમારી તલાશી લીધી. તેઓ અમારી પાસેના 20 રૂપિયા લઈ લીધા, પછી ફરીથી અમારી તલાશી લીધી, જ્યારે લૂંટ કરવા માટે કંઈ ન મળ્યું, ત્યારે તેઓ અમને 100 રૂપિયા આપીને ભાગી ગયા. દંપતીની ફરિયાદના આધારે, પોલીસે IPCની કલમ 393/34 લૂંટના પ્રયાસ અને અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

દિલ્હી પોલીસના શાહદરાના ઓપરેશન યુનિટની ટીમે આરોપીને પકડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જ્યાંથી દંપતી સાથે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે વિસ્તારમાં લગાવેલા 200 CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસ દિલ્હીના જગતપુરી વિસ્તારમાં પણ પહોંચી હતી.

ટીમે જગતપુરીમાં રહેતા 100થી વધુ લોકોના દસ્તાવેજો તપાસ્યા હતા અને સાથે જ પોતાના ખબરીઓને પણ સક્રિય કર્યા હતા. પોલીસને એક આરોપી હર્ષ રાજપૂત વિશે માહિતી મળી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમને માહિતી મળી હતી કે, આ લોકોએ વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આ પછી પોલીસે હર્ષના સાથી દેવ વર્માની બુરાડી સંત નગરથી ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી દેવ વર્મા (31) એક ખાનગી પેઢીમાં GST એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. અને આરોપી હર્ષ (31) ખાનગી નોકરી કરે છે. તે પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેરિંગ મિકેનિક છે. અગાઉ પણ તે સ્નેચિંગના 2 કેસમાં સંડોવાયેલો છે. જ્યારે, દેવે પોલીસને કહ્યું છે કે તે ગેંગસ્ટર નીરજ બાવનિયાના વીડિયોથી પ્રભાવિત થયો હતો. તેનો દાવો છે કે, તે બાવાનિયા ગેંગનો સભ્ય છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, 6 જીવતા કારતૂસ, 30 લૂંટેલા મોબાઈલ, ગુનામાં વપરાયેલ ટુ-વ્હીલર અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp