નોટબંધીને લઇને ઉઠેલા સવાલો પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મોદી સરકારને ક્લિન ચીટ

PC: khabarchhe.com

કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2016માં જૂની 500 અને 1000ની ચલણી નોટો અચાનક રાતોરાત બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. જો કે,  લોકોને જૂની નોટો બદલવા માટે સમય આપવામાં આવ્યો હતો. નોટો બદલાવવા માટે લોકો સવારથી લઇને સાંજ સુધી કલાકો લાઇનમાં ઊભા રહેતા નજરે પડ્યા હતા. હવે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીને લઇને ઉઠેલા સવાલો પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં 1000 રૂપિયા અને 500 રૂપિયાની જૂની નોટોને અમાન્ય કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ નોટબંધી વિરુદ્ધ દાખલ થયેલી 58 અરજીઓ ફગાવી દીધી છે. નોટબંધી વિરુદ્ધ 3 ડઝનથી વધુ અરજીઓની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયામાં કશું જ ખોટું જોવા મળ્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે વિમુદ્રિકરણ લાવવાની કોઇ સ્વતંત્ર શક્તિ નથી અને કેન્દ્ર તેમજ રિઝર્વ બેંક વચ્ચે પરામર્શ બાદ જ નિર્ણય લેવામાં આવ્યો.

ન્યાયાધીશ એસ.એ. નજીરની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે આ કેસ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ન્યાયાધિશ બી.આર ગવઇ, બી.વી. નાગરત્ન દ્વારા સંભળાવવામાં આવ્યો. નિર્ણય સર્વસંમતિથી થયો છે. પીઠમાં ગવઇ અને નાગરત્ન સિવાય જસ્ટિસ એસ. એ. નજીર, એ.એસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યન પણ હતા.

નોટબંધીને ખોટી અને ત્રુટીપુર્ણ બતાવતા કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમે તર્ક આપ્યો હતો કે, સરકાર કાયદાની નિવિદા સાથે સંબંધિત કોઇ પણ પ્રસ્તાવને પોતાના દમ પર શરૂ નહીં કરી શકાય, જે માત્ર રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની ભલામણ કરી કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે નોટબંધીના વિરોધમાં કોર્ટ 58 અરજીઓ પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ સરકાર અને અરજીકર્તાઓની દલીલ સાંભળ્યા બાદ પોતાની નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ અગાઉ કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ સરકારના વર્ષ 2016ના નિર્ણય સંબંધિત રેકોર્ડ આપે.

આ કેસમાં એટર્ની જનરલ આર. વેંકટમણી, રિઝર્વ બેંકના વકીલ અને અરજીકર્તાઓના વકીલો, વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ અને શ્યામ દીવાનની દલીલો સાંભળવામાં આવી હતી. એક એફિડેવિટમાં કેન્દ્રએ હાલમાં જ સુપ્રીમ કોર્ટને બતાવ્યું હતું કે, નોટબંધીની કવાયત એક સુવિચારિત નિર્ણય હતો અને નકલી ધન, આતંકવાદના નાણાકીય પોષણ, કાળા ધન અને કર ચોરીના જોખમને પહોંચીવળવા માટે એક મોટી રણનીતિનો હિસ્સો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp