'SPGની ના છતા નવાઝ શરીફની દીકરીના લગ્નમાં..', PM મોદીએ સાંસદોને કહી વાત

PC: jagran.com

PM નરેન્દ્ર મોદીએ આજે બજેટ સત્ર દરમિયાન સંસદની કેન્ટીનમાં BJP અને વિપક્ષી દળોના સાંસદો સાથે લંચ લીધું હતું. આ દરમિયાન BJP સાંસદ હીના ગાવિત, S. ફાંગનોન કોન્યક, TDP સાંસદ રામમોહન નાયડુ, BSP સાંસદ રિતેશ પાંડે અને BJDના સાંસદ સસ્મિત પાત્રા અને N.K. પ્રેમચંદ્રને PM નરેન્દ્ર મોદી સાથે લંચ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બપોરે 2.30 વાગ્યે ફોન આવ્યા પછી સાંસદોને અનૌપચારિક લંચ વિશે માહિતી મળી હતી. PM નરેન્દ્ર મોદીએ સાંસદોને કહ્યું, 'ચાલો, તમને એક સજા આપવાની છે.' આ પછી PM નરેન્દ્ર મોદી બધાને પોતાની સાથે સંસદ ભવનની કેન્ટીનમાં લઈ ગયા, PM નરેન્દ્ર મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડુ ખાધા. લંચ પછી PM નરેન્દ્ર મોદીએ PMOને લંચ બિલ ચૂકવવા કહ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લંચ દરમિયાન જ્યારે એક સાંસદે PM મોદીને નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં તેમની બિનઆયોજિત મુલાકાત વિશે પૂછ્યું, તો PMએ કહ્યું કે, તેઓ બપોરે 2 વાગ્યા સુધી સંસદમાં હતા. ત્યાર પછી તેઓ અફઘાનિસ્તાન જવા રવાના થયા હતા. પરત ફરતાં તેમણે પાકિસ્તાનમાં રોકાવાનું નક્કી કર્યું. જોકે SPGએ આમ કરવાનો ઇનકાર પણ કરી દીધો હતો. PM મોદીએ કહ્યું કે, SPGના ઇનકાર પછી પણ તેમણે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે, શું તેઓ તેમને રિસીવ કરશે. આ પછી તેઓ (PM મોદી) પાકિસ્તાન ગયા હતા.

સાંસદો સાથે લંચ લેતી વખતે PM નરેન્દ્ર મોદીએ તેમના પ્રવાસ, અનુભવો અને યોગ વિશે અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે 'ખિચડી' તેમનો ફેવરિટ ફૂડ છે. PMએ એક સાંસદને કહ્યું કે, કેટલીકવાર મારી મુસાફરી એટલી બધી હોય છે કે, મને ખ્યાલ પણ નથી આવતો કે હું એક દિવસ ઊંઘ્યા વિના પણ રહ્યો છું.

રિતેશ પાંડેએ PM મોદીને ભુજ ભૂકંપની દુર્ઘટનાનો સામનો કરવાના અનુભવ વિશે પૂછ્યું. એક સાંસદે કહ્યું કે, મને PMO તરફથી ફોન આવ્યો કે, કૃપા કરીને આવો... PM તમને મળવા માંગે છે. જ્યારે અમે કેન્ટીન પહોંચ્યા ત્યારે અમે વિઝિટર લોન્જમાં હતા. અમે બધાએ એકબીજા તરફ જોયું અને આશ્ચર્ય થયું કે અમને બધાને કેવી રીતે બોલાવવામાં આવ્યા હતા. સાંસદોએ કહ્યું કે, તે એક મહાન અનૌપચારિક અનુભવ હતો, એવું ન લાગ્યું કે અમે PM સાથે વાત કરી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ચાર તસવીરો શેર કરી અને લખ્યું, આજે બપોરે શાનદાર ભોજનનો આનંદ માણ્યો. વિવિધ પક્ષો અને દેશના વિવિધ ભાગોના સાંસદોના સહકારથી તે વધુ સારું બન્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp