શું કતારમાંથી નૌસેના અધિકારીઓને શાહરૂખ ખાને છોડાવ્યા? જાણો કિંગખાને શું કહ્યું?

PC: indiatoday.in

કતારમાં 8 ભારતીય નૌસેનાના અધિકારીઓને જેલમાંથી મૂક્ત કરાયાની ઘટનામાં સોશિયલ મીડિયમાં એ વાત ફેલાઇ ગઇ હતી કે, બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને કારણે આ 8 નૌસેના અધિકારીઓ મૂકત થઇ શક્યા છે. શાહરૂખની ટીમે આ બાબતે સ્પષ્ટતા કરી છે.

શાહરૂખ ખાન આ દિવસોમાં કતારના દોહામાં છે. કિંગ ખાન AFC ફાઇનલમાં સ્પેશિયલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેવા પહોંચ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાને કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની સાથે મુલાકાત કરી હતી.

કિંગ ખાન અને વડાપ્રધાનની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઇ હતી કે,કતાર જેલમાં સજા કાપી રહેલા આઠ ભૂતપૂર્વ નૌસેનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનનું યોગદાન રહ્યું હતું. જો કે, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થતા શાહરૂખ ખાનની ટીમે સ્પષ્ટતા કરી છે કે આ મામલામાં સુપરસ્ટારને કોઇ લેવા દેવા નથી. તેમણે નૌસેનાના અધિકારીઓને છોડાવવામાં કોઇ પણ ભૂમિકા અદા કરી નથી.

કિંગ ખાનની મેનેજર પૂજા દદલાનીએ અભિનેતા વતી સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે. શાહરૂખ ખાનના મેનેજરે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ નિવેદન એવા અહેવાલોના સંદર્ભમાં છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કતારથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની ભૂમિકા છે.

પરંતુ શાહરૂખ ખાનની ઓફિસ એ સ્પષ્ટ કરવા માંગે છે કે આવા કોઈ કામમાં તેમનું કોઈ યોગદાન નથી, આ કામ ભારત સરકારના અથાગ પ્રયાસોને કારણે જ પાર પાડી શકાયું છે અને શાહરૂખ ખાનની આ બાબતમાં કોઈ ભૂમિકા નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02)

પૂજા દદલાનીએ આગળ લખ્યું, અમે એ પણ કહેવા માંગીએ છીએ કે ડિપ્લોમસી અને સ્ટેટક્રાફ્ટ સંબંધિત તમામ મુદ્દાઓને અમારા નેતાઓએ શાનદાર રીતે નિભાવ્યા છે. કિંગ ખાનની જેમ, અન્ય ભારતીયો પણ ભારતીય નૌકાદળના અધિકારીઓના ઘરે સુરક્ષિત પરત ફરવાથી ખુશ છે અને તેમને શુભેચ્છા પાઠવે છે.

કતારની જેલમાં ભારતીય નૌસેનાના 8 અધિકારીઓને ત્યાંની સરકારે મૂક્ત કરી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, તેમાંથી 7 નૌસેના અધિકારીઓ ભારત પરત આવી ગયા છે. ભારત પરત આવેલા 7 નૌસેના અધિકારીઓમાં સૌરભ વશિષ્ઠ, પૂર્ણેંદુ તિવારી, બિરેન્દ્ર કુમાર વર્મા, સુગુનાકર પકાલા, સંજીવ ગુપ્તા, અમિત નાગપાલ અને રાગેશનો સમાવેશ થાય છે.

ભારતીય નૌસેના અધિકારીઓ કતારની ખાનગી કંપની 'અલ દહરા' માં કામ કરતા હતા. આ ભારતીય કર્મચારીઓ ઇટાલીમાં બનેલી નાની સ્ટીલ્થ સબમરીન U2I2ને કતારની નૌકાદળમાં સામેલ કરવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યા હતા. U2I2 સબમરીન ઇટાલિયન કંપની ફિનકેન્ટેરી દ્વારા વિકસિત અને બનાવવામાં આવી છે. આ સબમરીન પરંપરાગત સબમરીન કરતાં ઘણી નાની છે અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp