દરેકને VVPAT સ્લિપ મળવી જોઈએ, વિપક્ષની માંગ પર ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબ

PC: jagran.com

લગભગ દરેક ચૂંટણી પછી વિપક્ષ ચોક્કસપણે EVM પર પ્રશ્નો ઉઠાવે છે. ભારતની ગઠબંધન પાર્ટીઓએ ચૂંટણી પંચને અનેક વખત પત્ર લખીને EVM અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિપક્ષનું કહેવું છે કે, દરેક મતદારે પોતાનો વોટ આપ્યા પછી તેની VVPAT  સ્લિપ મેળવવી જોઈએ. હવે ચૂંટણી પંચે પણ આ અંગે પત્ર બહાર પાડીને જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશને જવાબ આપતાં ચૂંટણી પંચે કહ્યું છે કે, ન્યાયશાસ્ત્ર સાથે સુસંગત લોકતાંત્રિક પ્રણાલીને વધુ મજબૂત કરવા માટે EVMનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરેક રીતે કાયદાના દાયરામાં છે અને ચૂંટણીને નિષ્પક્ષ રીતે યોજવાનું સરળ બનાવે છે.

મુખ્ય સચિવ પ્રમોદ કુમાર શર્મા દ્વારા બહાર પડાયેલા પત્રમાં આ વાત કહેવામાં આવી છે. ભારતીય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાતા EVM ભારત સરકાર દ્વારા 40 વર્ષના ન્યાયશાસ્ત્ર અને ન્યાયિક આદેશોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા હતા. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, EVM અને VVPAT વિરુદ્ધ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જો કે, દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે અરજદારો પર દંડ લાદવાની સાથે અરજીઓને ફગાવી દીધી હતી.

19 ડિસેમ્બરના ઠરાવમાં વિપક્ષી પાર્ટીઓએ EVM પર સવાલ ઉઠાવતા ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ આપ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, VVPAT મશીનમાં દેખાતી સ્લિપ મતદારને આપવામાં આવે અને તેના બીજા બોક્સમાં નાખવામાં આવે. આ પછી એ તમામ VVPATની પણ ગણતરી થવી જોઈએ અને તેને EVM સાથે મેચ કરવી જોઈએ. આ પછી 30 ડિસેમ્બરે જયરામ રમેશે ચૂંટણી પંચને પત્ર મોકલ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની પાંચ રસીદો પસંદ કરવામાં આવી છે અને તે EVM સાથે મેચ કરવામાં આવી છે. વિપક્ષના સવાલના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, જો સેમ્પલમાં કોઈ મિસમેચ જોવા ન મળે તો એવું માનવામાં આવે છે કે, EVM બરાબર કામ કરી રહ્યું હતું. આ સિવાય EVMના ઉપયોગથી ચૂંટણી પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી. ચૂંટણી પંચે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 38156 VVPAT મેચ થઈ ચૂક્યા છે પરંતુ કોઈ મિસમેચ નથી થયું.

ચૂંટણી પંચે કહ્યું કે, VVPAT સુપ્રીમ કોર્ટના 2013ના નિર્ણય પછી જ લાગુ કરવામાં આવ્યું હતું. તત્કાલીન CJI P સતશિવમ અને જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, પેપર ટ્રેલ સાબિત કરે છે કે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે. EVM અને VVPAT સિસ્ટમ ચૂંટણી પ્રક્રિયામાં ચોકસાઈની ખાતરી કરે છે.

ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, VVPAT થર્મલ પેપરથી બનેલું છે, જેને પાંચ વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય છે. સ્લિપમાં ઉમેદવારનો સીરીયલ નંબર, તેનું નામ, પક્ષ અને ચૂંટણી ચિન્હ હોય છે. આ સિવાય તેના પર VVPAT ID પણ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp