'ઉજવણી માટે અન્ય રસ્તાઓ શોધો', સુપ્રીમનો ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવા ઇનકાર

PC: twitter.com

BJPના સાંસદ મનોજ તિવારીને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ વિરુદ્ધ તેમની અરજી ફગાવી દીધી છે. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના ફટાકડા પર પ્રતિબંધના આદેશમાં કોઈ પણ પ્રકારની દખલગિરી કરવાનો ઇનકાર કર્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારે આ અઠવાડિયે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટે BJP સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દીધી અને કહ્યું કે, ઉજવણી કરવા માટે અન્ય રસ્તાઓ શોધી શકાય છે. જસ્ટિસ A.S. બોપન્ના અને જસ્ટિસ M.M. સુંદરેશની બેંચે તિવારીને કહ્યું હતું કે, તેમણે તેમના સમર્થકોને પણ જણાવવું જોઈએ કે પ્રકાશ અને આનંદના તહેવાર પર ફટાકડા ન ફોડવામાં આવે.

અરજદાર સાંસદ મનોજ તિવારીના વકીલે ફરિયાદ કરી હતી કે, ગ્રીન ફટાકડા પર આદેશ હોવા છતાં ઘણા રાજ્યો સંપૂર્ણ પ્રતિબંધ લાદી રહ્યા છે. જસ્ટિસ A.S. બોપન્નાએ કહ્યું કે, જો સ્થાનિક સ્તરે કોઈ પ્રતિબંધ હોય તો તેને રહેવા દો, અમે તેમાં દખલ નહીં કરીએ. તમે તહેવારની ઉજવણી માટે અન્ય રીતો શોધી શકો છો.

મનોજ તિવારીના વકીલે કહ્યું કે, ચૂંટણી પરિણામો વગેરે વખતે પણ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી રહી છે. જ્યારે કેટલાક રાજ્યોએ કલમ 144 લાગુ કરી છે.

આ દલીલ પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, તમે તમારી જીતની ઉજવણી અન્ય રીતે કરી શકો છો. સામાન્ય લોકોની મદદ માટે કંઈક કરવું વધુ સારું રહેશે. ચૂંટણી પરિણામોના સરઘસ દરમિયાન સમર્થકો તેમને ફોડે છે. પરંતુ જ્યાં પ્રતિબંધ છે, ત્યાં પ્રતિબંધ છે.

જો તમને ફટાકડા ફોડવાનું મન થાય તો, એવા રાજ્યમાં જાઓ, જ્યાં તેના પર પ્રતિબંધ નથી. જ્યાં પ્રતિબંધ હોય ત્યાં કૃપા કરીને આવું ન કરો.

કેસની સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી હાજર થયા હતા. તેમણે કહ્યું કે, સરકારે બનાવેલો પ્રોટોકોલ તમામ પક્ષોને આપવામાં આવ્યો છે. આ મુજબ, એમાં એવું કહેવામાં આવ્યું છે કે, માત્ર ગ્રીન ફટાકડા વેચવાની મંજૂરી આપવાની વાત કહેવામાં આવી છે.

ASGએ કહ્યું કે, નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)એ ગ્રીન ફટાકડા માટે સંશોધન અને પરીક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ફટાકડાની ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે ઉત્પાદનોના QR કોડ નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1000થી વધુ ઉત્પાદકોને તાલીમ આપવામાં આવી છે. દર ત્રણ વર્ષે, એક ટેકનિકલ કમિટી તે ફટાકડાઓમાંથી પ્રદૂષણ ઉત્સર્જનના ધોરણોની સમીક્ષા કરશે.

જસ્ટિસ બોપન્નાએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે, શું ફેસ્ટિવલ સિઝન દરમિયાન, જ્યારે તેનું ઉત્પાદન, વેચાણ અને તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. તો તે સમયે આ નિયમને લાગુ કરવા માટે કોઈ વ્યવસ્થા છે?

ASG ભાટીએ કોર્ટને કહ્યું કે, અમે પ્રોટોકોલની યાદી બનાવી છે. આમાં CSIR Neeri સાથે ફટાકડા ઉત્પાદકોની ઓનલાઈન નોંધણી, QR કોડિંગની જોગવાઈ અને અધિકૃત એજન્સીઓ દ્વારા રેન્ડમ ચેકિંગનો પણ સમાવેશ થાય છે.

જસ્ટિસ બોપન્નાએ પૂછ્યું કે, જે લોકો નિયમો તોડે છે અને મનસ્વી રીતે કામ કરે છે તેમના માટે શું દંડ છે? ASG ભાટીએ જવાબ આપ્યો કે, લાઇસન્સ સસ્પેન્ડ કરવાનું અથવા જો ફરીથી પકડાય તો લાઇસન્સ રદ કરવાની જોગવાઈ છે.

જસ્ટિસ બોપન્નાએ પૂછ્યું કે, સેમ્પલ લેવા માટે કોણ અધિકૃત છે? ભાટીએ કહ્યું કે, અમે એક એવી સિસ્ટમ બનાવી છે, જેમાં દરેકને જોડવામાં આવ્યા છે. આ એક વધુ કડક પ્રોટોકોલ છે. ગુણવત્તા નિયંત્રણ અને પરીક્ષણ ઉત્પાદનની શરૂઆતમાં કરવામાં આવશે. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે માત્ર ગ્રીન ફટાકડા જ બજારમાં ઉપલબ્ધ હોય.

ASGએ વધુમાં કહ્યું કે, જો કોર્ટ અમારા પ્રયાસોથી સંતુષ્ટ છે અને તેને સ્વીકારે છે, તો તે આદેશ આપી શકે છે. આ રીતે આપણે કોઈ એક નક્કર નિર્ણય પર પહોંચી શકીશું, નહીં તો આપણે આગામી 10 વર્ષ સુધી દિવાળી પહેલા દર વર્ષે આવી જ સુનાવણી ચાલુ રાખવી પડશે.

આ કેસમાં અન્ય અરજીકર્તા વતી એડવોકેટ ગોપાલ શંકરનારાયણન હાજર રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર પાસે હજુ સુધી કોઈ પુરાવા નથી કે, ફટાકડામાં સૌથી ખતરનાક કેમિકલ બેરિયમને હટાવવામાં આવ્યું છે કે નહીં.

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે 11 સપ્ટેમ્બરે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ફોડવા પર પ્રતિબંધ હતો. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે, દર વર્ષે શિયાળામાં દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધી જાય છે, જેમાં ફટાકડાના ધુમાડાનું પણ યોગદાન હોય છે. છેલ્લા બે વર્ષથી દિવાળીની આસપાસ રાજધાનીમાં આ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp