જાણો કયા ટ્વીટના કારણે મચ્યો હંગામો અને Alt Newsનો મો. ઝુબેર પહોંચી ગયો જેલ
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક નામ ખુબ જ ચર્ચામાં છે. આ નામ છે મોહમ્મદ ઝુબૈર. મોહમ્મદ ઝુબૈર વિશે બધા હવે જાણી જ ગયા હશે. તે કોણ છે, શું કરે છે, અને શા માટે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યો છે. જો અત્યારસુધી ન જાણ્યું હોય તો આજે એના વિશે અમે તમને બધું કહીશું, અને એ પણ કે એ કયો વિવાદ છે, જેના પછી તેના નામ પર હંગામો થયો છે.
મોહમ્મદ ઝુબૈર વેબસાઈટ altnewsનો કો-ફાઉન્ડર જે હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે. સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પોતાનું મન ખોલીને વાત કરે છે. પરંતુ, ક્યારેક મનની વાત જ મુશ્કેલીનું મૂળ બની જાય છે, જે મોહમ્મદ ઝુબૈરની સાથે પણ થયું હતું.
દિલ્હી પોલીસે મંગળવારે Altnews ના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને હિંદુ દેવતા વિરુદ્ધ 2018માં પોસ્ટ કરેલા વાંધાજનક ટ્વીટને લગતા કેસમાં કોર્ટમાં રજૂ કર્યો હતો. ઝુબૈરને તેની એક દિવસની કસ્ટડીના અંતે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઝુબેરની પાંચ દિવસની કસ્ટડી માટે પોલીસની અરજી પર સુનાવણી કરી. સુનાવણી પૂર્ણ થયા બાદ મેજિસ્ટ્રેટે ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.
હકીકતમાં આ ઘટના વર્ષ 2018ની છે. મોહમ્મદ ઝુબૈરે એક ટ્વીટ કર્યું હતું, જેનો સંબંધ બોલિવુડ ફિલ્મ સાથે છે. ફિલ્મ આજની નથી પરંતુ, 39 વર્ષ પહેલા એટલે કે 1983માં આવેલ ફિલ્મમેકર ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'કિસી સે ના કહેના'ની એક ક્લિપ શેયર કરી હતી. આ ક્લિપમાં એક ફોટો જોવા મળે છે, જેમા એક હોટેલના બોર્ડ પર 'હનુમાન હોટેલ' લખ્યું હોય છે. પોસ્ટને ધ્યાનથી જોવામાં આવે તો એવું લાગશે કે હનીમૂન હોટેલની જગ્યાએ 'હનુમાન હોટેલ' લખ્યું હતું. આ ક્લિપની સાથે મોહમ્મદ ઝુબૈરે કેપ્શનમાં લખ્યું હતું, 2014થી પહેલા: હનીમૂન હોટેલ, 2014 પછી હનુમાન હોટેલ.
અહીંથી જ આખો હંગામો શરુ થયો હતો અને ઝુબૈર પર ધાર્મિક ભાવનાઓને આહત કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને IPCની ધારા 153A (બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક ઘૃણા પેદા કરવા) અને 295-A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના હેતુથી જાણી જોઈને દુષ્કૃત્યો) હેઠળ કેસ દાખલ કરી મોહમ્મદ ઝુબૈરની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસના સબ ઇન્સ્પેક્ટર અરુણ કુમારની ફરિયાદ પર મોહમ્મદ ઝુબૈરની સામે FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર 'હનુમાન ભક્ત' નામના ટ્વીટર હેન્ડલે મોહમ્મદ ઝુબૈર પર ધાર્મિક ભાવનાઓને આહત કરવાનો આરોપ લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp