વરરાજાએ ફાયરિંગનો વીડિયો પોતાના WhatsApp સ્ટેટસ પર મૂક્યો પછી...

PC: headtopics.com

આજે આપણે ઘરના લોકો કરતાં સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવીએ છીએ. અને આપણે જોઈએ જ છીએ કે લોકો જે પણ કરતાં હોય કે પછી ક્યાંક જતાં હોય તો તેનું સ્ટેટસ WhatsApp, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર મૂકવાનું ભૂલતા નથી. પરંતુ ક્યારેક એ સ્ટેટસ આપણાં માથાનો દૂ:ખાવો બની જતો હોય છે, અથવા તો આપણાં માટે એ સ્ટેટસ મુશ્કેલી બની જતું હોય છે. એક એવી જ કંઈક ઘટના બની છે ઝારખંડમાં. અહીં એક લગ્નમાં વરરાજાએ ખુશી ખુશીમાં ફાયરિંગ કરી નાખ્યું, એટલું જ નહીં તેણે WhatsApp સ્ટેટસ પર પણ એ વીડિયો મૂકી દીધો. હવે તેના પર કાર્યવાહીની તલવાર લટકવા લાગી છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં હર્ષ ફાયરિંગ કરવાની એક ઘટના સામે આવી છે. અહીં એક વરરાજાએ પોતાના જ લગ્નમાં જબરદસ્ત ફાયરિંગ કરી અને ફાયરિંગનો વીડિયો પોતાના WhatsApp સ્ટેટસ પર મૂકી દીધો. પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે લગ્નમાં ફાયરિંગની ઘટનામાં આરોપી શોભિતની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આશીર્વાદ બેક્વેટ હોલ પહોંચી અને લગ્ન સમારોહમાં તેની ખરાઈ કરી અને ત્યારબાદ વરરાજા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

પોલીસ એ બાબતે જાણી રહી છે કે જે રાઈફલથી ફાયરિંગ કરવામાં આવી છે એ રાઈફલ લાઈસન્સવાળી છે કે પછી ગેરકાયદેસર છે. રાઈફલ લાઈસન્સવાળી હશે તો તેનું લાઈસન્સ રદ કરવાં માટે ભલામણ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે વરરાજાએ ફાયરિંગ સંબંધિત વીડિયો પોતાના WhatsAppમા મૂકી દીધો હતો. એ સ્ટેટસમાંથી વીડિયો લઈને વાયરલ કરવામાં આવ્યો, જે ફરતાં-ફરતાં પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગથી કોઈને ગોળી પણ લાગી શકતી હતી. એક રિપોર્ટ અનુસાર આ પહેલા શોભિત સિંહ ફ્રોડના કેસમાં જેલ પણ ગયો હતો.

રાંચી પોલીસનું કહેવું છે કે પુરાવાઓ માટે CCTV ફૂટેજ કાઢવામાં આવી રહી છે. આરોપીને કોઈ પણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. તેને સખતમાં સખત સજા આપવામાં આવશે. આરોપી શોભિત સિંહ અપરાધિક પ્રવૃત્તિનો વ્યક્તિ છે, તે પહેલા પણ જેલ જઈ ચૂક્યો છે. આ સિવાય પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારની એક હોટલમાં થયેલી બેચલર્સ પાર્ટીમાં એક યુવકની હત્યાના કેસમાં વિટનેસ શોભિત સિંહ હતો. હત્યા સંબંધિત કેસમાં મૃતકના પિતા તરફથી કાવતરાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બરિયાતુ પોલીસ સ્ટેશનની પોલીસે શોભિતની અરેસ્ટ વોરંટના આધારે ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp