દિલ્હીના હાલ બેહાલ થયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જુઓ તસવીરો-વીડિયો

PC: khabarchhe.com

દેશની રાજધાની નવી દિલ્હીના કેટલાક હિસ્સાઓ પૂરની ઝપટમાં આવી ગયા છે. પૂરનું કારણ છે યમુનાનું વધતું જળસ્તર. યમુનાનું જળસ્તર 208 મીટરને પાર કરી ચુક્યુ છે. આ પહેલા 1978માં પહેલીવાર લોખંડના બ્રિજની પાસે જળસ્તર 207.49 મીટર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જો યમુના નદીમાં જળસ્તર હજુ વધે તો દિલ્હી માટે ભારે સંકટ બની શકે છે. યમુનાનું પાણી ઘૂસવાથી દિલ્હીના 3 વોટર પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે.

દિલ્હીમાં પૂરની સ્થિતિ એ છે કે VIP વિસ્તારોમાં પણ પૂરના પાણી પ્રવેશી ચુક્યા છે. પૂરનું પાણી સિવિલ લાઇન્સ વિસ્તારમાં પહોંચી ચુક્યુ છે અને આ જ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ પણ છે. જાણકારી અનુસાર, જો યમુનાનું જળસ્તર ઝડપથી ઓછું ના થયુ તો આવનારા થોડાં કલાકોમાં જ પૂરનું પાણી સિવિલ લાઇન્સ વિસ્તાર સ્થિત CM આવાસમાં પણ ઘૂસી શકે છે.

યમુના કિનારાના ઘણા વિસ્તારો ઝડપથી ડૂબી રહ્યા છે. રિંગ રોડ સુધી પાણી આવી ગયા છે. કાશ્મીરી ગેટ બસ ડેપો પણ જોખમમાં છે. રાજઘાટ, ITO, જુના કિલ્લાના વિસ્તાર પાણી-પાણી થઈ ગયા છે. લાલ કિલ્લાની પાછળના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે.

લાલ કિલ્લાની બહાર ઘૂંટણથી ઉપર સુધી પાણી પહોંચી ગયા છે. સિવિલ લાઇન્સ વિસ્તારમાં અધિકારીઓના આવાસમાં પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત મોનેસ્ટ્રી, યમુના બજાર, યમુના ખાદર, મજનૂં કા ટીલા અને યમુના બેંક મેટ્રો સ્ટેશનની બહાર સુધી પૂરના પાણી પહોંચી ચુક્યા છે.

વજીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ઘૂસ્યા બાદ પ્લાન્ટને બંધ કરવો પડ્યો. યમુનાનું પૂર જોતા NDRFની ટીમો પણ એક્શનમાં છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે, ઝડપથી રસ્તાઓની તરફ આવી રહેલા પાણીના કારણે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

યમુના બેંક મેટ્રો સ્ટેશનની બહાર પાણી ભરાઈ ગયા છે. એન્ટ્રી અને એક્ઝીટ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, ઇન્ટરચેન્જ સુવિધા હજુ પણ ઉપલબ્ધ છે. બ્લૂ લાઇન પર સેવાઓ સામાન્યરીતે ચાલી રહી છે. મેટ્રોમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. લક્ષ્મી નગર અથવા અક્ષરધામ મેટ્રો સ્ટેશનથી આવાગમન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

કાશ્મીરી ગેટની આસપાસ બનેલા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોને પણ રવિવાર સુધી બંધ રાખવા માટે કહેવામા આવ્યુ છે. આ ઉપરાંત, કોઈપણ આંતરરાજ્ય બસ પણ નહીં આવશે. યાત્રીઓને સિંધુ બોર્ડરથી ડીટીસી બસોની સેવાઓ આપવામા આવશે.

યમુનાના વધતા જળસ્તરના કારણે સાવચેતીના ભાગરૂપે નદી પર બનેલા તમામ ચાર મેટ્રો પુલો પરથી ટ્રેનો 30 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પસાર થઈ રહી છે. તમામ રુટ્સ પર સેવાઓ સામાન્ય છે. આ ઉપરાંત, દિલ્હી રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ ફોરમે ગુરુવારે કામ બંધ રાખ્યુ છે.

દિલ્હીમાં વર્ષ 1900 બાદ ઘણા મોટા પૂર આવ્યા. 1924, 1947, 1976, 1978, 1988, 1995, 2010, 2013માં દિલ્હીના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. હવે 2023માં યમુનાના જળસ્તરે 1978નો રેકોર્ડ તોડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp