શું ભારત ગૌરવ યાત્રા ટ્રેનના ભોજનથી બીમાર પડ્યા હતા 90 પેસેન્જર?

PC: indianexpress.com

ચેન્નાઈ અને પાલીતાણા વચ્ચે સંચાલિત એક સ્પેશિયલ ટ્રેનમાં સવાર લગભગ 90 મુસાફર ફૂડ પોઇઝનિંગથી અસ્વસ્થ થઈ ગયા. રેલવે અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. મંગળવાર સાંજે મહારાષ્ટ્રના પૂણે રેલવે સ્ટેશન પર ડૉક્ટરોએ બધા મુસાફરોની તપાસ કરી અને તેમને જરૂરી સારવાર આપી. તેમણે જણાવ્યું કે, ટ્રેન 50 મિનિટ બાદ પોતાની આગળની મુસાફરી માટે નીકળી ગઈ. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. શિવરાજ માનસપૂરેએ જણાવ્યું કે, ભારત ગૌરવ ટ્રેનને એક ગ્રુપ દ્વારા ગુજરાતના પાલિતાણામાં એક ધાર્મિક સમારોહ માટે ખાનગી બુક કરવામાં આવી હતી.

જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, ગ્રુપે પોતાની રીતે ભોજન ખરીદ્યું હતું અને તેનો પુરવઠો રેલવે કે ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (IRCTC) દ્વારા કરવામાં આવ્યો નહોતો. યાત્રીઓને પીરસવામાં આવેલું ભોજન પેન્ટ્રી કારમાં તૈયાર કરવામાં આવ્યું હતું. સોલાપુર અને પૂણે વચ્ચે એક કોચના લગભગ 80 થી 90 યાત્રીઓએ ફૂડ પોઇનઝનિંગની ફરિયાદ કરી. તેમને બેચેની, ઉલ્ટી અને માથાના દુઃખાવાની ફરિયાદ કરી. પૂણે સ્ટેશન પર ડૉકટરોની એક ટીમે બધા યાત્રીઓની તપાસ કરી અને તેમની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી.

અધિકારીએ આગળ જણાવ્યું કે, 50 મિનિટ બાદ ટ્રેન રવાના થઈ ગઈ. બધા મુસાફરોની હાલત સ્થિર છે. પૂણે સ્ટેશન પર 3 મેડિકલ ટીમો, 15 રેલવે ડૉક્ટરો અને કર્મચારીઓની એક ટીમ, બીજી ટીમમાં 13 ખાનગી ડૉક્ટર અને કર્મચારી અને 8 NGO કર્મચારી સામેલ હતા. 4 હેલ્થ ઇન્સપેક્ટરે પણ તેમને સારવારની સહાયતા આપી. એક રિપોર્ટ મુજબ, રેલ યાત્રી ગ્રુપના અધ્યક્ષ હર્ષ શાહે સવાલ ઉઠાવ્યો કે, ટ્રેનમાં વિભાગના 2 અધિકારી પણ તૈનાત હતા, એ છતા ટ્રેનમાં વહેંચવામાં આવેલા ભોજનની તપાસ કેમ ન કરાવી.

ઉલ્લેખનીય છે કે, IRCTC તરફથી ભારત ગૌરવ પર્યટન પેકેજ ટ્રેન ચલાવવામાં આવે છે, જેના માધ્યમથી યાત્રીઓને ભારતના અલગ અલગ દર્શનીય સ્થળોની યાત્રા કરાવવામાં આવે છે. આ ટ્રેન 18 ડિસેમ્બરથી દક્ષિણ ભારતની યાત્રા કરાવશે જે 28 ડિસેમ્બર સુધી હશે. આ ટ્રેન મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગ, તિરૂપતિ બાલાજી મંદિર, રામનાથ સ્વામી મંદિર (રામેશ્વરમ), મીનાક્ષી મંદિર અને કન્યાકુમારીનું ભ્રમણ કરાવશે. ટ્રેન ઋષિકેશથી ઉપડીને હરિદ્વાર, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનૌ, રાયબરેલી થતી પ્રયાગરાજ જંક્શન પહોંચશે અને ત્યારબાદ માણિકપૂર અને સતના જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp