સરકારી નોકરી મળતા જ શાળામાંથી શિક્ષકને ઉઠાવી ગયા, બળજબરીથી લગ્ન કરાવ્યા
બિહારમાં બળજબરીથી લગ્નના મામલાઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. તાજો કિસ્સો વૈશાલી જિલ્લાના પાતેપુરથી સામે આવ્યો છે. અહીં BPSCમાંથી સિલેક્ટ થયેલા એક શિક્ષકનું અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. યુવતીના પરિવારે બુધવારે બપોરે શિક્ષકને શાળામાંથી ઉપાડી લીધો અને કારમાં બેસાડીને લઈ ગયા. યુવકના પરિવારજનોએ અપહરણની ફરિયાદ કરીને કલાકો સુધી રસ્તો રોકીને હોબાળો મચાવ્યો હતો. ત્યાર પછી પોલીસે શિક્ષકને સુરક્ષિત શોધી કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ, પાતેપુરની રેપુરા હાઈસ્કૂલમાં નવનિયુક્ત શિક્ષક ગૌતમ કુમારનું બુધવારે બપોરે શાળાના પરિસરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ બુધવારે રાત્રે અને ગુરુવારે સવારથી બપોર સુધી કલાકો સુધી રસ્તો બ્લોક કર્યો હતો. આ દરમિયાન SH-49 રોડ પરથી પસાર થતા વાહનો બરડીહા ચોકડી થઈ બહુઆરા પાસેથી પસાર થયા હતા.
શિક્ષકના બાબા રાજેન્દ્ર રાય અને શાળાના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે અપહરણના મામલામાં FIR નોંધાવી હતી. ગુરૂવારે પોલીસના દબાણથી અપહરણકારો લગભગ 3 વાગ્યે અપહરણ કરાયેલા શિક્ષકને પાતેપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પાતેપુર BEOએ શિક્ષક ગૌતમ કુમારનું લગ્નના ઈરાદે અપહરણ કર્યાની વાત કરી હતી. અપહરણ કરાયેલ શિક્ષક પાતેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મહૈયા માલપુરનો રહેવાસી છે.
ઈન્ચાર્જ ચંદા કુમારીએ જણાવ્યું કે, બે વ્યક્તિ બોલેરો કારમાં સવાર થઈને આવ્યા હતા. તેઓએ શિક્ષક ગૌતમ કુમારને વર્ગમાંથી બોલાવ્યા અને બળજબરીથી કારમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા. આ અંગેની માહિતી BEO પાતેપુર અને પાતેપુર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી.
બિહારમાં આ પ્રકારના લગ્નનો લાંબો ઈતિહાસ છે. છોકરીના પક્ષના લોકો છોકરાનું અપહરણ કરે છે અને તેને પોતાની છોકરી સાથે લગ્ન કરવા દબાણ કરે છે. બિહારમાં આ પ્રકારના લગ્નને પકડૌઆ લગ્ન કહેવામાં આવે છે. પટના હાઈકોર્ટે લગભગ 10 વર્ષ જૂના એક કેસની સુનાવણી કરતા તેને રદ્દ કરી દીધો હતો. વાસ્તવમાં, પકડવા અથવા પકડૌઆ લગ્ન એક એવા લગ્ન છે, જેમાં લગ્ન કરવા યોગ્ય છોકરાનું અપહરણ કરવામાં આવે છે અને લગ્ન કરવા દબાણ કરવામાં આવે છે. આ પ્રકારના લગ્ન પર ફિલ્મો અને TV સિરિયલો પણ બની છે. વર્ષ 1980 અને તે પહેલા આ પ્રકારના જબરદસ્તી લગ્ન પ્રચલિત હતા. ઉત્તર બિહારમાં આવા લગ્નો વધુ જોવા મળતા હતા. માનવામાં આવે છે કે, આ માટે ગામડાઓમાં ગેંગ હતી જે છોકરાઓનું અપહરણ કરતી હતી. બિહાર પોલીસના આંકડા અનુસાર રાજ્યમાં દર વર્ષે બળજબરીથી લગ્નના લગભગ ત્રણથી ચાર હજાર કેસ નોંધાય છે. આમાં પ્રેમ સંબંધોના કારણે ઘર છોડીને ભાગી જનારા યુગલોના આંકડા સામેલ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp