હૉસ્પિટલમાં પુત્રની સારવાર માટે કરગરતા રહ્યા પૂર્વ સાંસદ, સ્ટ્રેચર પર જ મોત

PC: jagran.com

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ સાંસદ ભૈરો પ્રસાદ મિશ્રાના દીકરાનું મોત થઈ ગયું. ભૈરો પ્રસાદ મિશ્રાએ PGI હૉસ્પિટલના ડૉક્ટરો પર તેમના પુત્રની સારવાર ન કરવાનો આરોપ લગાવ્યો છે. પૂર્વ સાંસદનું કહેવું છે કે તેઓ ડૉક્ટરોને પોતાના દીકરાની સારવાર કરવા માટે વિનંતી કરતા રહ્યા, પરંતુ કોઈ પણ ડૉક્ટરે તેનો હાથ પણ ન પકડ્યો. સમય પર સારવાર ન મળી શકવાના કારણે તેનું મોત થઈ ગયું. ભૈરો પ્રસાદ મિશ્રાએ આ બેદરકારીને લઇને PGIના ડૉક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

ભૈરો પ્રસાદ મિશ્રા બાંદા લોકસભા સીટથી વર્ષ 2014માં ભાજપના સાંસદ બન્યા હતા. તેમના પુત્ર પ્રકાશ મિશ્રાને (ઉંમર 40 વર્ષ) કિડનીની બીમારી હતી. શનિવારે રાત્રે 11:00 વાગ્યે અચાનક તેની તબિયત બગડી ગઈ. પૂર્વ સાંસદ પોતાના દીકરાને લઈને PGIના ઇમરજન્સી વોર્ડ પહોંચ્યા. આરોપ છે કે ઇમરજન્સી મેડિકલ ઓફિસરે તેમના દીકરાને દાખલ ન કર્યો. તે દીકરાને સ્ટ્રેચર પર લઈને ઘણી હદ સુધી ઇમરજન્સી બહાર ઊભા રહ્યા અને ડૉક્ટરોએ તેમના દીકરાને દાખલ કરવા માટે વિનંતી કરતા રહ્યા.

પૂર્વ સાંસદ ભૈરો પ્રસાદ મિશ્રાનો આરોપ છે કે, કોઈ પણ ડૉક્ટરે તેમના દીકરાને હાથ પણ ન લગાવ્યો. લગભગ એક કલાક બાદ પ્રકાશ મિશ્રાનું મોત થઈ ગયું. તેનાથી નારાજ ભૈરો પ્રસાદ મિશ્રા ઇમરજન્સી વોર્ડમાં જ ધરણાં પર બેસી ગયા. તેમણે કાર્યવાહીની માગ કરી. તો ઘટનાની જાણકારી મળતા PGIના ડિરેક્ટર ડૉ. આર.કે. ધીમન અને CMS ડૉક્ટર સંજય ધીરજ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. PGIના ડિરેક્ટર ધીમને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવી છે. ધીમને પૂર્વ સાંસદને આશ્વાસન આપ્યું છે કે જે પણ દોષી હશે, તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાં આવશે. ત્યારબાદ ભૈરો પ્રસાદ મિશ્રા પોતાના પુત્રના શબને લઈને ઘરે જવા રવાના થઈ ગયા.

પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરી કે, ‘વાત કોઈ વિશેષ વ્યક્તિને સારવાર ન મળી શકવાના કારણે મૃત્યુ પામવાની નથી. દરેક સામાન્ય નાગરિકના જીવનનું મૂલ્ય પણ છે. જ્યારે ઉત્તર પ્રદેશાં સત્તાધારી ભાજપના પૂર્વ સાંસદના પુત્રને પણ સારવાર મળી શકતી નથી તો સામાન્ય જનતા બાબતે શું કહેવું. આશા છે કે બીજા રાજ્યોમાં ચૂંટણી પ્રચારથી પરત ફર્યા બાદ ઉત્તર પ્રદેશના ભાજપી મંત્રીગણ તેને ધ્યાનમાં લેશે કેમ કે અત્યારે તો તેમના માટે ચૂંટણી કોઈના જીવનથી વધુ મહત્ત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp