ઝારખંડથી UP સુધી,ક્યાંક મંત્રીને હાર માટે જવાબદાર માન્યા,તો ક્યાંક સમર્થકો લડ્યા
લોકસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી (BJP)માં રાજ્ય-રાજ્ય અને શહેર-શહેરમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ઝારખંડની દુમકા સીટ પરથી હાર પછી સીતા સોરેને પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલી દીધો છે, જ્યારે ગોડ્ડામાં સાંસદ નિશિકાંત દુબે અને ધારાસભ્ય નારાયણ દાસના સમર્થકો એકબીજા સાથે લડ્યા. નિશિકાંત દુબે અને નારાયણ દાસના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પાર્ટીની સમીક્ષા બેઠક દરમિયાન એક હોટલમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર, રાંચીના BJPના રાજ્યસભા સાંસદ આદિત્ય સાહુ અને બાલમુકુંદ સહાય ગોડ્ડા સંસદીય બેઠકના ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા દેવઘર પહોંચ્યા હતા. દેવઘરની એક હોટલમાં નિયમિત સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. સમીક્ષા બેઠક શરૂ થાય તે પહેલા જ સાંસદ નિશિકાંત દુબે અને ધારાસભ્ય નારાયણ દાસના સમર્થકો એકબીજા સાથે લડાઈ કરી હતી. ધારાસભ્ય નારાયણ દાસે આરોપ લગાવ્યો છે કે, સાંસદના ગુંડાઓએ તેમની સાથે મારપીટ કરી, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાતિ સંબંધિત શબ્દોનો ઉપયોગ કર્યો.
ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે, એક દલિત ધારાસભ્ય હોવાને કારણે તેમને અને ગોડ્ડાના OBC ધારાસભ્ય અમિત મંડલને રાજનાથ સિંહના કાર્યક્રમમાં સ્ટેજ પર પણ જવા દેવામાં આવ્યા ન હતા અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. BJPની એક મહિલા કાર્યકર્તાએ પણ દેવઘર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની વિનંતી કરી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, અમે પુરી રીતે દબાઈ ગયા હતા અને જો ગાર્ડ સમયસર ન પહોંચ્યો હોત તો અમારો જીવ પણ જઈ શકતો હતો.
દેવઘરથી નિશિકાંત દુબેને 2019માં 75 હજાર મતોની લીડ મળી હતી. આ વખતે આ આંકડો ઘટીને 41 હજારના સ્તરે આવ્યો છે. જ્યારે ઘટેલી લીડ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારે નારાયણ દાસે દલીલ કરી હતી કે, જો નિશિકાંત દુબેના સમર્થનમાં કોઈ કામ થયું ન હતું તો તેમને આટલી લીડ કેવી રીતે મળી? મારામારીની ઘટના પછી સાંસદ અને ધારાસભ્ય બંનેના સમર્થકોએ એકબીજાના નેતાનો વિરોધ કર્યો હતો.
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમના સમર્થકોને ધીરજ રાખવાની અપીલ કરી અને એમ પણ કહ્યું કે, તેઓએ અભદ્ર ટિપ્પણીઓ કરવાથી બચવું જોઈએ. તેઓ 72 કલાક બીમાર હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરીને સાંસદે કહ્યું કે, તેઓ 20 જૂન પછી કાર્યકર્તાઓ સાથે વાત કરશે.
मैं पिछले 48 घंटे से अस्पताल में भर्ती हूँ । भाजपा पार्टी मॉं है ,मैंने पिछले 72 घंटे से आपका फ़ोन तबियत ख़राब रहने के कारण नहीं उठाया है,इसके लिए मैं क्षमायाचना करता हूँ । आपसे बातचीत अब 20 जून के बाद होगी
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 17, 2024
શિબુ સોરેનની વહુ સીતા સોરેને ઝારખંડની દુમકા સીટ પરથી હાર માટે સ્થાનિક BJPના નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. સીતાએ પૂર્વ સાંસદ સુનિલ સોરેન, પૂર્વ મંત્રી લુઈ મરાન્ડી અને સારઠના ધારાસભ્ય રણધીર સિંહ પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, આ લોકોએ નિઃશંકપણે BJP સાથે મંચ શેર કર્યો હતો પરંતુ તેમની વિરુદ્ધ કામ કર્યું હતું. તેઓ BJPનો ઝંડો લઈને ચાલતા જોવા મળ્યા હતા. સીતાના આરોપ પર BJP ધારાસભ્ય રણધીર સિંહે કહ્યું કે, તેમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. આપણે પક્ષને કેટલા વફાદાર છીએ તે સાબિત કરવાની જરૂર નથી. સીતા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, અમને એવા કોઈના પ્રમાણપત્રની જરૂર નથી કે જે થોડા મહિના પહેલા જ BJPમાં જોડાયા હોય.
લોકસભા ચૂંટણીમાં પૂર્વી ઉત્તર પ્રદેશની સલેમપુર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર આઉટગોઇંગ સાંસદ રવિન્દ્ર કુશવાહ ચૂંટણી હારી ગયા હતા. રવિન્દ્ર કુશવાહાને સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર રમાશંકર વિદ્યાર્થીએ 3500 મતોના નજીકના માર્જિનથી હરાવ્યા હતા. રવિન્દ્ર કુશવાહાએ હવે પોતાની હારનો દોષ UP સરકારના એક મંત્રી અને BJPના જિલ્લા અધ્યક્ષ પર લગાવ્યો છે. રવિન્દ્ર કુશવાહાએ પોતાની હાર માટે બલિયા BJP અધ્યક્ષ સંજય યાદવ અને UP સરકારના મંત્રી વિજય લક્ષ્મી ગૌતમને જવાબદાર ગણાવ્યા છે.
રવીન્દ્ર કુશવાહા આ સીટ પરથી સતત બે વખત 2014 અને 2019 સુધી સાંસદ રહી ચુક્યા છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, કુશવાહાએ આરોપ લગાવ્યો છે કે, UP સરકારમાં ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી વિજય લક્ષ્મી ગૌતમ અને બલિયા BJP અધ્યક્ષ સંજય યાદવ અમારી હાર પાછળ સુયોજિત ષડયંત્રમાં સામેલ હતા. વિજય લક્ષ્મી ગૌતમે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, અમે ચૂંટણી જીતવા માટે પ્રમાણિક પ્રયાસો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી હાર પાછળના કારણોની સમીક્ષા કરશે.
રવિન્દ્ર કુશવાહાના આરોપ પર BJPના બલિયા જિલ્લા અધ્યક્ષ સંજય યાદવ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સલેમપુર લોકસભા મતવિસ્તારમાં દેવરિયાના બે વિધાનસભા મતવિસ્તાર-ભાટપર રાની અને સલેમપુર, બલિયાના ત્રણ વિધાનસભા મતવિસ્તાર-બેલથરા રોડ, સિકંદરપુર અને બંસદીહનો સમાવેશ થાય છે. UP સરકારમાં રાજ્ય મંત્રી વિજય લક્ષ્મી સલેમપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે, જ્યારે સંજય યાદવ સિકંદરપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp